બંગલાદેશીઓનો પ્રશ્ન ભવિષ્યમાં ગંભીર થવાનો : રાજ ઠાકરે

18 August, 2012 04:33 AM IST  | 

બંગલાદેશીઓનો પ્રશ્ન ભવિષ્યમાં ગંભીર થવાનો : રાજ ઠાકરે

મુંબઈમાં આઝાદ મેદાન પર થયેલા તોફાનને કાબૂમાં રાખવામાં નિષ્ફળ ગયેલા ગૃહપ્રધાન આર. આર. પાટીલ અને મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈક તરત રાજીનામું આપે એવી માગણી ગઈ કાલે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ કરી હતી.

મુંબઈમાં સીએસટી પર થયેલા તોફાન દરમ્યાન પોલીસ પર હુમલો થયો, મહિલા પોલીસોનો વિનયભંગ થયો તો સામાન્ય જનતાનું શું એવો સવાલ કરતાં રાજ ઠાકરેએ આર. આર. પાટીલ અને અરૂપ પટનાઈકના રાજીનામાની માગણી ગઈ કાલે કરી હતી. જો આ બન્ને સોમવાર સુધી રાજીનામું નહીં આપે તો મંગળવારે ગિરગામ ચોપાટી પર વિશાળ મોરચો કાઢવામાં આવશે એવી ધમકી પણ રાજ ઠાકરેએ ગઈ કાલે યોજેલી એ પત્રકાર-પરિષદમાં આપી હતી.

આર. આર. પાટીલ ગૃહખાતાને સંભાળવામાં જ ફેલ થયા છે અને એટલે જ તેમનામાં જો થોડી પણ શરમ બાકી રહી હોય તો તેમણે તરત રાજીનામું આપી દેવું જોઈએ અને પોતાને બહુ હોશિયાર સમજનારા અજિતદાદાએ ગૃહખાતું પોતાના હાથમાં લઈને હોશિયારી મારવી જોઈએ એવો કટાક્ષ રાજ ઠાકરેએ કર્યો હતો. અમે ટોલવિરોધી આંદોલન કરીએ ત્યારે હજારો પોલીસ ત્યાં તહેનાત કરી દેવામાં આવે છે; પણ જ્યાં હિંસા થવાની આશંકા હોય, પહેલાંથી ટિપ મળી હોય તો ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવાની દરકાર કરતું નથી જે માટે ગૃહખાતાની નિષ્ફળતા જવાબદાર કહેવાય એવી ટીકા પણ રાજે કરી હતી.

મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકને ટાર્ગેટ કરતાં રાજે કહ્યું હતું કે ‘એક ડીસીપી સાથે અપમાનજનક રીતે વાત કરનારા કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ. આવી ઘટનાઓ તેમ જ આઝાદ મેદાનમાં થયેલા તોફાનને લીધે પોલીસનું મનોબળ તૂટી જતું હોય છે.’

પરપ્રાંતીયોને ફરી એક વાર પોતાનો ટાર્ગેટ બનાવતાં રાજે કહ્યું હતું કે ‘મુંબઈનો માણસ કોઈ દિવસ આવાં હિંસા-તોફાનો ન કરી શકે. આ બધા બહારથી આવેલા છે. હું અનેક વાર ઉત્તર પ્રદેશ અને બિહાર બાબતે બોલતો રહેતો હોઉં છું એની પાછળનું કારણ આ જ છે. આ પરપ્રાંતીયો જ મુંબઈમાં આવીને આવાં તોફાનો કરે છે. બંગલાદેશીઓનો પ્રશ્ન ભવિષ્યમાં બહુ ગંભીર થઈ જવાનો છે.’

ડીસીપી = ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ