મુંબઈ: મિનિમમ ૩000 રૂપિયાના ઑર્ડરથી જ દારૂની હોમ-ડિલિવરી

26 May, 2020 07:31 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: મિનિમમ ૩000 રૂપિયાના ઑર્ડરથી જ દારૂની હોમ-ડિલિવરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોનાના સૌથી વધારે દરદીઓ નોંધાતાં આખું મુંબઈ રેડ ઝોનમાં હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયાથી ઑનલાઇન બુકિંગથી દારૂની હોમ-ડિલિવરીને મંજૂરી આપી હતી. આ સમાચાર આવ્યા બાદ નશો કરનારાઓ નાચી ઊઠ્યા હતા. જોકે કેટલાક દુકાનદારો ૩૦૦૦ રૂપિયાથી વધુનો ઑર્ડર આપનારાને જ ડિલિવરી આપતા હોવાનું જણાઈ આવતાં મોટા ભાગના લોકોનો નશાનો આનંદ ઓસરી ગયો છે.

દારૂની હોમ-ડિલિવરી માટે નશો કરવાની પરમિશન અને ડિલિવરી માટે ૫૦ રૂપિયાનો ચાર્જ ઉપરાંત મિનિમમ ૩૦૦૦ રૂપિયાના ઑર્ડરની શરત સાથે જ કેટલાક વાઇન શૉપમાલિકો માલ વેચતા હોવાની ફરિયાદ મળી રહી છે. મોટા ભાગના લોકો એકસાથે આટલી કિંમતનો દારૂ મગાવતા ન હોવાથી તેમને દુકાનદારોની આવી શરતથી મુશ્કેલી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

બે મહિના કરતાં વધારે સમયથી લૉકડાઉન છે, આવક નથી, પણ જેમને નશાની આદત પડી છે તેઓ ગમે એમ કરીને પણ પોતાની દરરોજની જરૂરિયાત મુજબ દારૂ મગાવીને પોતાની તલબ બુજાવવા માગે છે, પરંતુ દુકાનદારોની મિનિમમ ઑર્ડરની શરતથી તેઓ દારૂ ખરીદી ન શકતા હોવાનું મનાય છે.

જોકે કેટલાક દુકાનદારો ૩૦૦૦ નહીં, પણ મિનિમમ ૧૫૦૦ રૂપિયાના ઑર્ડરની ડિલિવરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. બોરીવલીના એક વાઇનશૉપના કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મિનિમમ ૧૫૦૦ રૂપિયાનો ઑર્ડર આપનારાને ઘેરબેઠાં દારૂ પહોંચાડીએ છીએ. આના માટે અમે ગ્રાહક પાસેથી નશાની પરમિટ અને ડિલિવરી ચાર્જ મળીને વધારાના ૫૦ રૂપિયા લઈએ છીએ.’

કોરોનાને કારણે ઈદની ઉજવણી ફિકી

મુંબઈમાં ગઈ કાલે ઈદની ઉજવણી આગળનાં વર્ષોની તુલનાએ ફિકી રહી હતી. કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનને કારણે મુસ્લિમોએ ઘરની બહાર નીકળવાને સ્થાને પોતાના ઘરમાં જ ઈદની નમાઝ અદા કરી હતી.શહેરમાં મસ્જિદ અને કેટલાક મહત્વના રસ્તાઓ પર ભારે પોલીસ-બંદોબસ્ત કરાયો હતો.

શહેરના જાણીતા મુસ્લિમ મૌલવીઓએ પણ સમુદાયના લોકોને ઘરે રહીને નમાઝ અદા કરવાની અપીલ કરી હતી. મુંબઈમાં બજારો અને મસ્જિદો બંધ રહી હતી તેમ જ સામાન્યપણે તહેવારના સમયમાં જે ગલીઓ પ્રવૃત્તિઓથી ધમધમતી રહેતી હતી એ સૂમસામ જોવા મળી હતી

કેટલાક મુસ્લિમો રસ્તાઓ પર જોવા મળ્યા હતા, પરંતુ તેઓએ એકબીજાને ગળે લગાડવાનું ટાળ્યું હતું અને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને માસ્ક પહેર્યા હતા.

મુસ્લિમ સમાજના મોટા ભાગના સભ્યો ઘરમાં જ રહ્યા હતા અને તહેવાર પર નવાં કપડાં પહેરવાનું ટાળ્યું હતું. લૉકડાઉનને પગલે લોકોએ સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ ન આપતાં સરળ રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગ નિમિત્તે મોટા ભાગના મુસ્લિમ પરિવારોમાં મહિલાઓએ ઘરે જ તહેવારની વાનગીઓ તૈયાર કરી હતી. કેટરર્સના મોટા ભાગના મજૂરો વતન જવા રવાના થઈ ગયા હોવાથી તેમણે કોઈ ઑર્ડર લીધો ન હતો.

mumbai mumbai news coronavirus covid19 lockdown