ઓછા ખર્ચે કરો સુંદર ઘરસજાવટ

15 December, 2012 10:29 AM IST  | 

ઓછા ખર્ચે કરો સુંદર ઘરસજાવટ




૧. ફોકસ


તમારા ફેવરિટ રંગથી દીવાલોને રંગીને તમે એક ફોકસ ઊભું કરી શકો છો, જેથી એ ધ્યાનાકર્ષક બને. આવું ફોકસ ઊભું કરવા માટે તમે વિવિધ રંગો અને ટેક્સ્ચર્સનું મિશ્રણ કરી શકો. નવા-નવા આઇડિયાને પણ અજમાવી જુઓ.

૨. રંગ


રંગોથી કોઈ પણ ચીજમાં જાન આવી જાય છે. જોકે એમાં વધુપડતું ન થઈ જાય એની તકેદારી રાખવી. ચળકતા રંગોથી જગ્યા એકદમ લાઉડ દેખાય છે. એને બદલે ઓશીકાનાં કવર, બેડશીટ્સ, ટેબલ-લૅમ્પ્સ જેવી ઍક્સેસરીઝ દ્વારા રંગની ઝલક દેખાડવી જોઈએ.

૩. પીસ દ રેઝિસ્ટન્સ


આખા રૂમ કે પૅસેજ-વેમાં ફર્નિચરનો એક પીસ એવો રાખો જે સૌથી વધુ ધ્યાનાકર્ષક હોય અને સૌનું ધ્યાન એના તરફ ખેંચાય. સુંદર કોતરકામવાળું ટેબલ, કબાટ કે પછી તમારાં દાદીમાની જૂની બૅગ પણ હોઈ શકે. એને તમારા ડેકોરેશનનો સેન્ટર પીસ બનાવી દો.

૪. ડિસ્પ્લે


જગ્યાને વધુ આકર્ષક બનાવવા માટે કોઈક પ્રકારનું ડિસ્પ્લે કરો. ટેબલની ઉપર કે સેલ્ફની બાજુમાં તમે જૂના સિક્કાનું કલેક્શન રાખી શકો કે રંગબેરંગી બૉટલોને સજાવટપૂર્વક ગોઠવી શકો.

૫. ફોટોગ્રાફ્સ


ફોટોગ્રાફ્સ તમારા ઘરને જેટલો વ્યક્તિગત ઓપ આપે છે એટલો બીજું કોઈ આપી નથી શકતું. સુંદર રીતે ફ્રેમ કરેલા ફોટોગ્રાફ્સ તમે કૅબિનેટ પર કે દીવાલ પર રાખી શકો. તમારા પરિવારનું વ્યક્તિત્વ અને એનો જુસ્સો તમારા ડેકોરેશનમાં પ્રતિબિંબરૂપે આવે એ તમને ગમશે.

૬. પ્રૅક્ટિકલ ફર્નિચર


મોટું અને મજબૂત ફર્નિચર ખરીદો જે વ્યાવહારિક રીતે પણ તમને ઉપયોગી નીવડે. જેમ કે ખાલી જગ્યા ધરાવતો બેડ ખરીદો, જેથી એની અંદર તમારાં વધારાનાં કપડાં પડ્યાં રહે. ફર્નિચરના વધુપડતા પીસિસ ન ખરીદો. એને લીધે જગ્યા વેરણછેરણ લાગશે. એ વાતનું પણ ધ્યાન રાખો કે બધું જ ફર્નિચર એકસરખા રંગનું હોય, જેથી એમાં સુમેળ દેખાય.

૭. અરીસા


અરીસા ક્યારેક જાદુઈ અસર પેદા કરતા હોય છે. ખાસ કરીને નાના અરીસા. ઢોળ ચડાવેલી ફ્રેમની અંદર નાનો અરીસો રાખો. એ રૂમમાં રાખવાથી રૂમમાં એક પ્રકારનું ગ્લૅમર પથરાશે.

૮. ટાઇલ્સ


બાથરૂમ અને કિચન જેવી જગ્યા પર પાણી વધુ ઢોળાતું હોવાથી ત્યાં ટાઇલ્સ વધુ ઉપયોગી નીવડે છે. એ સાફ પણ સરળતાથી થઈ શકે છે. હાથબનાવટની કેટલીક સુંદર ટાઇલ્સ ખરીદીને પછી એને સામાન્ય ટાઇલ્સની વચ્ચે પ્રમાણસર રીતે ગોઠવી દેવાથી રૂમમાં તરત જ ગ્લૅમર ઊભું થાય છે.

૯. પેઇન્ટિંગ્સ


પેઇન્ટિંગ્સથી કોઈ પણ જગ્યા ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. એનાથી ઘરમાં રંગો પથરાય છે અને ઘરમાં કોઈ પ્રસંગ કે પાર્ટી હોય ત્યારે એ ચર્ચાનો વિષય પૂરો પાડે છે. એટલે થોડાં ઓછાં મોંઘાં હોય એવાં પેઇન્ટિંગ્સમાં ઇન્વેસ્ટ કરો અને કોઈ સુંદર પેઇન્ટિંગ કે સ્કલ્પ્ચર ખરીદીને રૂમમાં લગાડો. એ તમારા ઘરના સાદા વાતાવરણમાં નાટ્યાત્મક અસર ઊભી કરશે.

૧૦. ઍક્સન્ટ પીસિસ


તમારા ઘરને એક અનોખો લુક આપવા માટે આવા પીસિસ રાખવામાં આવે છે. સુંદર વાઝ કે રાજસ્થાની કઠપૂતળી જેવી કોઈ પણ ચીજ એ હોઈ શકે છે. શણગારેલો કે કોતરકામવાળો લૅમ્પ અથવા કોઈ ફૅન્સી ચૅર પણ
એ હોઈ શકે છે. મૂળ વાત એ છે કે એ તમારા ડેકોરેશનનું સૌંદર્ય વધારતી હોવી જોઈએ.