ભાઇંદરના બાવન જિનાલયમાં બૉમ્બની અફવાથી દર્શન બંધ

28 November, 2011 11:05 AM IST  | 

ભાઇંદરના બાવન જિનાલયમાં બૉમ્બની અફવાથી દર્શન બંધ



(પ્રીતિ ખુમાણ)

ભાઇંદર, તા. ૨૮

ગઈ કાલે સવારે ૮.૪૫ વાગ્યે પોલીસના કન્ટ્રોલરૂમમાં કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી કે બાવન જિનાલયમાં શંકાસ્પદ વસ્તુ મૂકવામાં આવી છે. આ જાણકારી મળતાં જ ૧૫થી ૨૦ પોલીસની ટીમ સિનિયરો સાથે દેરાસરમાં પહોંચી ગઈ હતી. ત્યાર પછી ડૉગ-સ્ક્વૉડ અને પાંચ જણની બૉમ્બ-સ્ક્વૉડની ટીમે આવીને આખા દેરાસરની તપાસ કરી હતી. આ ટીમે જિનાલયના એકેએક ખૂણા તપાસ્યા હતા. લગભગ બે કલાક આ તપાસ ચાલુ હતી. આ દરમ્યાન દેરાસરમાં સ્ટ્રિક્ટ્લી દર્શન બંધ રાખવામાં આવ્યાં હતાં. નવ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં દેરાસરમાંથી કંઈ મળ્યું નહોતું, પણ આ ખોટી અફવાને કારણે પરિસરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. દેરાસરમાં કામ કરતા આઠ પૂજારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૉમ્બ હોવાની આવી અફવા પછી હવે અમને અહીં કામ કરવામાં ભય લાગી રહ્યો છે. અમને અહીં હવે કામ નથી કરવું, કેમ કે આવી રીતે પાછું કંઈ થાય એવો અમને ડર બેસી ગયો છે.’

શ્રી શંખેશ્વર બાવન જિનાલય જૈન શ્વેતામ્બર ર્તીથ પેઢીના ટ્રસ્ટી શશિકાંત શાહે ‘મિડ-ડે’ને આ સંદર્ભે કહ્યું હતું કે ‘બૉમ્બ-સ્ક્વૉડ અને પોલીસની ટીમે અમને અમુક ભાગોમાં હજી સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા લગાડવાની સલાહ આપી છે એટલે ૫૬ કૅમેરા હોવા છતાં હજી વધુ કૅમેરા લગાડીશું. દેરાસરની પાછળ પડેલો ભંગાર પણ હટાવી લેવાની અમને સલાહ આપવામાં આવી હતી અને દેરાસરની ફરતે પાર્કિંગ ન રાખવાની પણ જાણ કરવામાં આવી હતી. દેરાસરમાં સારીએવી સુરક્ષા તો છે જ, પણ હવે અમે સુરક્ષામાં પણ વધારો કરીશું.’