મલાડના ઇન્ફિનિટી ૨ મૉલમાં બૉમ્બની અફવા

15 September, 2012 09:14 AM IST  | 

મલાડના ઇન્ફિનિટી ૨ મૉલમાં બૉમ્બની અફવા



મલાડમાં આવેલા ઇન્ફિનિટી ૨ મૉલમાં ગઈ કાલે બપોરે બૉમ્બ મૂકવામાં આવ્યો હોવાની અફવા ફેલાતાં તરત મૉલ ખાલી કરી દેવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં એ ડૉગ-સ્ક્વૉડ સાથે તરત મૉલમાં પહોંચી ગઈ હતી. બે કલાક સુધી ચાલેલા હાઈ ડ્રામા બાદ મૉલમાં તપાસ કરતાં કંઈ પણ મળ્યું નહોતું. સાંજે સાડાપાંચ વાગ્યે ફરી મૉલ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

બાંગુરનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રઘુનાથ બાગુલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડ (વેસ્ટ)ના લિન્ક રોડ પર આવેલા ઇન્ફિનિટી ૨ મૉલના રિસેપ્શન પર ગઈ કાલે બપોરે અઢી વાગ્યે એક અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે ‘મૉલ મેં હમને બૉમ્બ પ્લાન્ટ કિયા હૈ’ અને ફોન કાપી નાખ્યો હતો. સલામતીના પગલારૂપે મૉલ તરત જ ખાલી કરી દેવામાં આવ્યો હતો. અઢી કલાક સુધી ચાલેલા સર્ચ-ઑપરેશન બાદ મૉલમાંથી કંઈ પણ મળ્યું નહોતું.’

મૉલમાં બૉમ્બની અફવાનો ફોન જે નંબર પરથી આવ્યો હતો એની તપાસ કરતાં પોલીસને માહિતી મળી હતી કે આ ફોનનું સિમ-કાર્ડ હેમંત નામની વ્યક્તિના નામે છે અને તે લંડનમાં રહે છે.

મૉલમાં કામ કરતા એક અધિકારીએ કહ્યું હતું કે ‘મૉલમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ફોન આવતાંની સાથે જ અમે આખો મૉલ ખાલી કરી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી. એ વખતે લગભગ ૪૦૦૦ લોકો મૉલમાં ઉપસ્થિત હતા. એથી તરત મૉલમાંની દુકાનો અને રાઇડ્સ બંધ કરાવી ૧૫ મિનિટની અંદર જ અમે આખો મૉલ ખાલી કરાવી નાખ્યો હતો.’