21 November, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ભાયખલાસ્થિત પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર હેડ ઍન્ડ નેક કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (HNCII) હૉસ્પિટલના બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લાઇસન્સ રદ કર્યું છે. FDAની તપાસમાં બહાર આવ્યું હતું કે આ સેન્ટરે પોતાના નામ પર લોહી ખરીદવાને બદલે એક દરદીના નામે જે. જે. મહાનગર બ્લડ બૅન્કમાંથી લોહી મેળવ્યું હતું અને ત્યાર બાદ એ અન્ય દરદીને પૂરું પાડ્યું હતું. FDAના અધિકારીઓએ માહિતી આપી હતી કે HNCII સ્ટોરેજ સેન્ટરે એની મધર બ્લડ બૅન્ક ગણાતી જે. જે. મહાનગર બ્લડ બૅન્ક અને બદલાપુરની માયા બ્લડ બૅન્કનાં લાઇસન્સ રદ થઈ ગયાં હોવા છતાં એ બન્ને પાસેથી લોહી મેળવ્યું હતું. ડ્રગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બાવીસ અને ૨૩ જૂને જેજે મહાનગર બ્લડ બૅન્ક અને માયા બ્લડ બૅન્કનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જે બાદ સ્ટોરેજ સેન્ટરે માયા બ્લડ બૅન્ક પાસેથી પાંચ યુનિટ અને જે. જે. મહાનગર બ્લડ બૅન્ક પાસેથી એક યુનિટ લોહી મેળવ્યું હતું. રેકૉર્ડ દર્શાવે છે કે જે. જે. મહાનગર બ્લડ બૅન્ક દ્વારા દરદી રિયા વર્માના નામે B પૉઝિટિવ બ્લડ બૅગ ઇશ્યુ કરવામાં આવી હતી. HNCIIએ એ સ્વીકારી હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ ત્યાર બાદ એ કિશોર સાહૂને આપી દેવામાં આવી હતી.’