પોલિયોગ્રસ્ત કચ્છીએ અણ્ણા માટે પ્રૉપર્ટી વેચી

30 July, 2012 03:52 AM IST  | 

પોલિયોગ્રસ્ત કચ્છીએ અણ્ણા માટે પ્રૉપર્ટી વેચી

બકુલેશ ત્રિવેદી

આઝાદ મેદાન, તા. ૩૦

પીઢ ગાંધીવાદી અને સમાજસેવક અણ્ણા હઝારેની ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ની મૂવમેન્ટમાં ગઈ કાલે મુંબઈમાં અંધેરીથી આઝાદ મેદાન સુધીની બાઇક અને કારની જંગી રૅલી નીકળી હતી. એમાં બસો પણ જોડાઈ હતી, જેમાં અણ્ણાના હજારો સમર્થકો હતા. આઝાદ મેદાનમાં રૅલી આવે ત્યારે તેમની વ્યવસ્થા કરવા માટે અણ્ણાના સમર્થકોમાંના એક કચ્છી માડું હિતેશ છેડા તલ્લીન હતા. હિતેશ છેડા શારીરિક રીતે અક્ષમ છે. તેઓ છ મહિનાના હતા ત્યારે તેમને પોલિયો થયો હતો. આમ છતાં ગાંઠનું ગોપીચંદન કરીને તેઓ તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે. બે પ્રૉપર્ટીમાંથી એક વેચીને એના પૈસા તેઓ આઇએસીના કામમાં વાપરી રહ્યા છે અને છતાં કહે છે કે હું જ આ કરું છું એવું નથી, અન્યો પણ આવી સેવા કરી રહ્યા છે.        

કચ્છના કાંડાગરા ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના અને અત્યારે ગિરગામમાં રહેતા ૪૬ વર્ષના હિતેશ છેડાએ કહ્યું હતું કે ‘૨૦૧૧માં ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં અણ્ણાની રૅલી યોજાઈ હતી ત્યારથી હું તેમની સાથે જોડાયો છું. મારા ફાધરનું પ્રિન્ટિંગ-પ્રેસ હતું, જે પછી હું સંભાળતો હતો. મારે શૉપ એસ્ટાબ્લિશમેન્ટના લાઇસન્સનું કામ હોય કે અન્ય કોઈ કામ હોય ત્યારે સરકારી ઑફિસોના ધક્કા ખાવા છતાં લાંચ આપવી પડતી અને ત્યારે જ કામ થતું. આ બધાને કારણે મને બહુ ગુસ્સો આવતો, પણ કંઈ કરી નહોતો શકતો. અમારા એરિયામાં રીડેવલપમેન્ટનું કામ બહુ જોરમાં ચાલી રહ્યું છે. ડેવલપરો ૧૦ બાય ૧૫ ફૂટની નાની રૂમો માટે ગરીબ લોકોને જે રીતે દબડાવે છે અને છેતરે છે એ જોઈને મારો આક્રોશ વધુ ભભૂકી રહ્યો હતો. ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં રૅલી અટેન્ડ કરી ત્યારે થયું કે આ એક પ્લૅટફૉર્મ છે જ્યાંથી કરપ્શન સામે લડી શકાશે. આથી મેં પ્રિન્ટિંગ-પ્રેસનું કામ બંધ કરી દીધું અને એ જગ્યા ભાડે આપીને ફુલ ટાઇમ અણ્ણાના કામમાં જોડાયો. મેં જોયું કે તન-મનની સાથે અહીં ધનની પણ ખાસ્સી જરૂર છે એટલે મેં મારાં મમ્મી ધનવંતીબહેનને વાત કરી અને કહ્યું કે આપણી પાસે બે પ્રૉપર્ટી છે એમાંથી એક વેચી નાખીએ અને એના રૂપિયા આ મૂવમેન્ટમાં દેશસેવા માટે વાપરીએ તો ચાલે? મમ્મીએ મને સર્પોટ કર્યો અને હા પાડી. એ પ્રૉપર્ટી મમ્મી અને મારા જૉઇન્ટ નામ પર હતી. એ વેચીને હવે એના રૂપિયા હું આઇએસી માટે વાપરું છું. મને પ્રિન્ટિંગલાઇનનો અનુભવ છે એટલે આઇએસીનાં બૅનર્સ, પૅમ્ફ્લેટ્સ, હૅન્ડબિલ્સ અને છત્રીઓ પરનું પ્રિન્ટિંગ કરાવી આપું છું. આપણે થોડીઘણી સેવા કરીને કે મદદ કરીને આશ્વાસન મેળવી શકીએ, પણ ઇતિહાસ રચવો હોય ત્યારે ઘરબાર વેચીને યા હોમ કરીને પડાય તો જ કામ થાય. હવે આપણે ઇતિહાસ રચવાનો છે, દેશમાંથી કરપ્શન હટાવવાનું છે.’

ધીમે-ધીમે લોકોમાં અવેરનેસ આવી રહી છે એમ જણાવીને હિતેશ છેડાએ કહ્યું હતું કે ‘જો લોકો જાગશે તો આ મૂવમેન્ટનું રિઝલ્ટ જલદી આવશે. વહેલું કે મોડું રિઝલ્ટ તો આવીને જ રહેશે. પબ્લિક હવે કરપ્શન, કૌભાંડો અને મોંઘવારીથી ત્રાસી ગઈ છે. અણ્ણાજીની આ મૂવમેન્ટમાં નાત-જાત, અમીર-ગરીબ, અભણ-શિક્ષિત એવો કોઈ જ ભેદભાવ નથી. કોઈ શહેર કે કોઈ પ્રાંતની આ લડાઈ નથી. આખા દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ છે અને આપણે કરપ્ટ સિસ્ટમની મહાશક્તિ સામે લડવાનું છે. કહેવા માટે આપણા દેશમાં પ્રજાતંત્ર છે, પણ આપણા હાથમાં પાવર નથી. આપણે જે પ્રતિનિધિઓ મોકલીએ છીએ એ કરપ્ટ થઈ જાય છે. આપણી પાસે રાઇટ ટુ રિજેક્ટનો ઑપ્શન પણ નથી. પૉલિટિશ્યનો તો ભ્રષ્ટાચાર કરવાના જ છે, પણ આપણે હવે ગ્રાઉન્ડ લેવલથી અને નીચેના માણસથી ભ્રષ્ટાચાર અટકાવવો પડશે, દૂર કરવો પડશે જેની અસર ધીમે-ધીમે ઉપર સુધી પહોંચશે.’