મહારાષ્ટ્રમાં વરસાદનું ઐતિહાસિક આગમન

26 May, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં અત્યાર સુધી વહેલામાં વહેલું ચોમાસું ૨૯ મેએ શરૂ થયું હતું : હવામાન વિભાગે કેરલામાં શનિવારે ચોમાસાની શરૂઆત થવાની સત્તાવાર જાહેરાત કરવાના બીજા જ દિવસે મૉન્સૂન મહારાષ્ટ્રમાં પહોંચ્યું

હવે મુંબઈનો વારો

કેરલામાં સાઉથવેસ્ટ મૉન્સૂન દાખલ થયા બાદ સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં વરસાદને પહોંચતાં અઠવાડિયા જેટલો સમય લાગે છે. હવામાન ખાતાએ શનિવારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે કેરલામાં વરસાદની શરૂઆત થઈ છે એટલે આગામી ત્રણ-ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસું આવી પહોંચશે. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે કેરલામાં શનિવારે વરસાદની શરૂઆત થયા બાદ બીજા જ દિવસે એટલે કે ગઈ કાલે કર્ણાટક અને ગોવા વટાવીને વરસાદ ઝડપથી મહારાષ્ટ્રના કોંકણ સહિતના ભાગમાં આવી પહોંચ્યો હતો. આ સાથે ઇતિહાસમાં પહેલી વખત આટલું જલદી ચોમાસું શરૂ થવાનો રેકૉર્ડ થયો છે. ૧૯૫૬, ૧૯૬૨ અને ૧૯૭૧માં ૨૯ મેએ રાજ્યમાં વરસાદનું સૌથી વહેલું આગમન નોંધાયું હતું, જ્યારે ગઈ કાલે ૨૫ મેએ જ વરસાદ શરૂ થઈ ગયો હતો.

મહારાષ્ટ્રમાં સાઉથવેસ્ટ ચોમાસાનું આગમન ૭ જૂનની આસપાસ થાય છે, પણ ગઈ કાલે જ મહારાષ્ટ્રના કોંકણ અને પુણે સહિતના પશ્ચિમી ભાગમાં જોરદાર વરસાદની શરૂઆત થતાં ૧૨ દિવસ પહેલાં જ ચોમાસું બેસી ગયું હોવાની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે ગઈ કાલે કરી હતી.

હવામાન વિભાગે ગઈ કાલે કહ્યું હતું કે ૨૫એ નૈઋત્યનું મૉન્સૂન વેસ્ટસેન્ટ્રલ અને ઈસ્ટસેન્ટ્રલ અરબી સમુદ્રમાં કેટલાક ભાગમાં, કર્ણાટકના કેટલાક ભાગમાં, સંપૂર્ણ ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં, વેસ્ટસેન્ટ્રલ અને નૉર્થ બંગાળના કેટલાક ભાગમાં, મિઝોરમના કેટલાક ભાગમાં, મણિપુર અને નાગાલૅન્ડના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે.

ત્રણ-ચાર દિવસમાં મુશળધાર વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ-ચાર દિવસમાં મૉન્સૂન મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગ, મુંબઈ અને થાણે સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં આગળ વધશે. આથી પુણે, રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ, થાણે અને મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો અલર્ટ જારી કરવામાં આવી છે. ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી શકે છે. મુંબઈમાં મે મહિનામાં જ છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે એવું પહેલાં ૧૯૬૧માં જ થયું હતું.

બારામતીના ઇંદાપુરમાં ૪૦ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

પુણે જિલ્લાના બારામતી તાલુકામાં આવેલા ઇંદાપુરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી અહીં ૨૨૬.૮૭ MM એટલ કે ૯ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં અહીં ૪૦ વર્ષ પહેલાં આટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે બારામતી તાલુકામાં અતિવૃ​ષ્ટિ થવાની આગાહી કરી છે.

સૌથી વહેલું આગમન

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨૯ મેએ સૌથી વહેલું ચોમાસું ૧૯૫૬, ૧૯૬૨ અને ૧૯૭૧માં દાખલ થયું હતું. ૨૦૦૬માં ૩૧ મેએ ચોમાસું બેઠું હતું. જ્યારે આ વર્ષે ગઈ કાલે એટલે કે ૨૫ મેએ જ વરસાદનું આગમન થયું હતું જે ઐતિહાસિક છે.

૨૫ વખત વહેલું ચોમાસું બેઠું

૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં દેશભરમાં વરસાદની મૉન્સૂન તરીકે સત્તાવાર નોંધણી કરવામાં આવે છે. છેલ્લાં પચાસ વર્ષમાં મૉન્સૂન શરૂ થવાની નિયોજિત તારીખ એટલે કે ૧ જૂને રાજ્યમાં ફક્ત ત્રણ વખત ચોમાસું દાખલ થયું છે. ૨૫ વખત ૧થી ૧૨ દિવસ વહેલો વરસાદ થયો છે, જ્યારે ૨૨ વખત મોડો વરસાદ આવ્યો હતો. ૨૦૦૯માં મૉન્સૂન ૨૩ મેએ કેરલામાં દાખલ થયું હતું, એ વર્ષે આખા દેશમાં માત્ર ૭૮ ટકા વરસાદ જ નોંધાયો હતો. ૨૦૦૯માં મૉન્સૂન ઘણું મોડું એટલે કે ૧૩ જૂને શરૂ થયું હતું, પણ એ વર્ષે ૧૦૨ ટકા વરસાદ નોંધાયો હતો.

mumbai monsoon news mumbai monsoon south india kerala Weather Update mumbai weather maharashtra maharashtra news news mumbai news mumbai rains