હિન્દુ સ્મશાનભૂમિનું કોકડું ગૂંચવાયેલું જ છે, એનું લોકાર્પણ ટૂંકમાં શક્ય નથી

28 December, 2011 08:43 AM IST  | 

હિન્દુ સ્મશાનભૂમિનું કોકડું ગૂંચવાયેલું જ છે, એનું લોકાર્પણ ટૂંકમાં શક્ય નથી

 

 

સુધરાઈમાંથી મિડ-ડે LOCALને મળેલી માહિતી અનુસાર ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિ ટ્રસ્ટની આ સ્મશાનભૂમિની નૂતનીકરણ કરેલી ઇમારતમાં ઇલેક્ટ્રિક કે ગૅસની ભઠ્ઠી શરૂ થઈ શકશે જ નહીં, જ્યારે બીજી બાજુ ભઠ્ઠીના મૅન્યુફૅક્ચરરને ઇમારતમાં ભઠ્ઠી શરૂ કરવા માટે જે રીતના સિવિલ વર્કની જરૂર છે એ રીતનું બાંધકામ કરી આપવાનો મ્હાડાએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

નવી ઇમારતમાં ભઠ્ઠી નહીં રહે

મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીએ નામ ન છાપવાની શરત સાથે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિ ટ્રસ્ટે જે ઉદ્દેશથી આ સ્મશાનભૂમિના નૂતનીકરણનું કાર્ય મ્હાડાના કૉન્ટ્રૅક્ટર પાસે કરાવ્યું છે એ નવી ઇમારત ઇલેક્ટ્રિકલ કે ગૅસની ભઠ્ઠી માટે ઉપયોગી થશે નહીં. આ ભઠ્ઠી માટેની ઇમારત અત્યારની ઇમારતને તોડીને નવી બનાવવી પડશે એમાં કોઈ જ શંકા નથી.’

ટ્રસ્ટ પર નવો બોજો

બીજી બાજુ ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિના ટ્રસ્ટી મહેન્દ્ર ટીંબડિયાએ એક નવા આંચકાભર્યા સમાચાર આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હજી સુધી ઘાટકોપરના મહાજન તરફથી અમને ૧૦ લાખ રૂપિયાથી વધુ કોઈ જ રકમ મળી નથી, પરંતુ જે કંપનીને અમે ભઠ્ઠી બનાવવાનો ઑર્ડર આપ્યો છે એના જણાવ્યા પ્રમાણે જે ઇમારતમાં ભઠ્ઠી મૂકવાની છે ત્યાં હજી સિવિલ વર્ક કરવાની જરૂર છે જેથી ભઠ્ઠી શરૂ થઈ શકે. તેમની જરૂરિયાત મુજબનું સિવિલ વર્ક કરવાનો મ્હાડાએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. હવે એ બાંધકામની જવાબદારી ટ્રસ્ટ પર આવી ગઈ છે, જેનો અંદાજિત ખર્ચ ૩ લાખ રૂપિયાનો છે.’

લોકોના પૈસાનો દુરુપયોગ કરનારા સામે કાનૂની પગલાં લો

ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડીમાં રહેતા ભગવાનદાસ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્રકાશ મહેતાએ જ અખબારી મુલાકાતમાં કહ્યું છે કે જે ફન્ડની વાત છે એમાં વિધાનસભ્યના હાથમાં એક રૂપિયોયે આવતો નથી, એ કામ તો મ્હાડાએ જ કરવાનું હોય છે. તો પછી સ્મશાનભૂમિની નવી ઇમારત પર મ્હાડા સાથે પ્રકાશ મહેતાનું નામ કેમ લખવામાં આવ્યું છે? જેની જવાબદારી નથી એમાં તમારું નામ શું કામ? એ પણ નથી સમજાતું કે જેની જે ભૂલ થઈ હોય એ, પણ ટ્રસ્ટની જવાબદારી એટલી તો ખરીને કે એ સ્મશાનભૂમિને લોકોપયોગી બનાવે? ટ્રસ્ટે આ જગ્યાને સાફસૂથરી રાખવી એ ટ્રસ્ટની ફરજ છે. એટલું તો ટ્રસ્ટ કરી શકે છે; એ કેમ નથી કરતું? આ સ્મશાનભૂમિનું સ્થળાંતર થવાનું છે. તો બે કરોડ ૩૦ લાખ રૂપિયાની બરબાદી કોણે કરાવી અને શું કામ કરાવવામાં આવી? મ્હાડા પૈસા લાવી ક્યાંથી? લોકોના ટૅક્સના પૈસામાં તમે તાગડધિન્ના કરી રહ્યા છો. લોકોના પૈસાનો દુરુપયોગ કરનારા સામે કાનૂની પગલાં લેવાં જોઈએ.’