અંધેરી સહાર રોડ પર સુસાઇડનો હાઈ-વૉલ્ટેજ ડ્રામા

03 October, 2020 08:42 AM IST  |  Mumbai | Mumbai correspondent

અંધેરી સહાર રોડ પર સુસાઇડનો હાઈ-વૉલ્ટેજ ડ્રામા

અંધેરી સહાર રોડ પર સુસાઇડનો હાઈ-વૉલ્ટેજ ડ્રામા

અંધેરી-ઈસ્ટના સહાર રોડ પર ગઈ કાલે સાંજે હાઈ-વૉલ્ટેજ ડ્રામા થયો હતો. ૬ માળના તિરુપતિ બાલાજી બિલ્ડિંગની છત પર ૨૦ વર્ષની નમ્રતા દિવાકર પાંડે આત્મહત્યા કરવાના ઇરાદાથી ચડી ગઈ હતી. યુવતી ટેરેસ પરની પાણીની ટાંકી પર બેસીને પગ નીચે લટકાવતી હોવાનું જોઈને કોઈક વ્ય‌ક્તિએ અંધેરી પોલીસની જાણ કરી હતી. અંધેરી પોલીસે આ વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહેલા બબીટ માર્શલ પ્રવીણ જાધવ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર જાધવ તથા અન્યોને તાબડતોબ ઘટનાસ્થળે પહોંચવાનું કહ્યું હતું. કૉન્સ્ટેબલ પ્રવીણ જાધવ અને સોનિયા સાળવીએ પેલી યુવતી સાથે વાતચીત કરીને તેને વાતોમાં પરોવી રાખી હતી અને યુવતી બેધ્યાન થતાં તરત તેને પકડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણ પોલીસ-કર્મચારીઓ તેને ઊંચકીને નીચે લઈ આવ્યા હતા.
જોકે આ આખો ડ્રામાં નીચેથી અને અન્ય મકાનોમાંથી જોઈ રહેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પોલીસને આવતી જોઈને યુવતી છલાંગ તો નહીં મારી દેને એવા વિચારથી તેઓ ધ્રૂજી ગયા હતા. જોકે પોતાનો જીવ જોખમમાં નાખીને ચતુરાઈપૂર્વક યુવતીને જ્યારે પોલીસે પકડી લીધી ત્યારે સેંકડો લોકોએ તેમની એ કામગીરીને બિરદાવીને તાળીઓનો ગડગડાટ કર્યો હતો અને પોલીસને વધાવ્યા હતા. નમ્રતાને પૂછવામાં આવ્યું કે આત્મહત્યાનો વિચાર કેમ આવ્યો? જવાબમાં તેણે કહ્યું કે કૌટુંબિક ઝઘડાને કારણે હું જીવનનો અંત લાવવા માગતી હતી.

mumbai mumbai news andheri