હાઇ-સ્પીડ ટ્રેન ફ્લૉપ

24 December, 2011 03:20 AM IST  | 

હાઇ-સ્પીડ ટ્રેન ફ્લૉપ



શશાંક રાવ

મુંબઈ, તા. ૨૪
૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડતી હાઇ-સ્પીડ ટ્રેન કાગનો વાઘ સાબિત થઈ છે. આ પ્રોજેક્ટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં જેવો ઘાટ ઘડાયો છે.


વિરાર-દહાણુ સિવાયના એક પણ રૂટ પર આ હાઇ-સ્પીડ ટ્રેન ક્ષમતા પ્રમાણેની સ્પીડ પકડવામાં નિષ્ફળ નીવડી છે. બે મહિના પહેલાં કરવામાં આવેલી ટેસ્ટ દરમ્યાન ૬૦ કરોડ રૂપિયાની આ સૌથી ફાસ્ટ લોકલ દાદર અને વિરાર વચ્ચે માત્ર ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડી શકી હતી. વિરાર અને સુરત વચ્ચે એ ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપને પાર કરી શકી હતી. આ ટેસ્ટ ઇન્ડિયન રેલવેની સંશોધન પાંખ રિસર્ચ, ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન, વેસ્ટર્ન રેલવે અને મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) દ્વારા કરવામાં આવી હતી.


રેલવેના અધિકારીઓનો દાવો છે કે હાઇ-સ્પીડ ટ્રેન દોડતી થયા બાદ માત્ર વિરાર-દહાણુ વચ્ચેના રૂટ પર દોડી શકશે. આ રૂટ પર પણ ઘણુંબધું કામ પેન્ડિંગ હોવાથી હાઇ-સ્પીડ રેલવે આ રૂટ પર દોડતી થવામાં હજી ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે.

શું-શું પ્રૉબ્લેમ છે?
રેલવેના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે હાઇ-સ્પીડ ટ્રેન હાઇ-સ્પીડ પર દોડાવવામાં ટૂંકા અંતરે આવતી સિગ્નલ સિસ્ટમ્સ, સતત પાટા ક્રૉસ કરતા રહેતા લોકો, લેવલ ક્રૉસિંગ અને દર ત્રણ મિનિટે ટ્રેન દોડાવવા જેવી સમસ્યાઓ છે.


હાલની સ્પીડ ૭૫-૮૦ કિલોમીટર
હાલની ફાસ્ટ ટ્રેનો સો કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડી શકવા માટે સક્ષમ હોવા છતાં એ માત્ર ૭૫થી ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડે છે.


છમાંથી માત્ર એક જ ટ્રેન આવી
૨૦૧૧ના જૂન સુધીમાં છ ટ્રેન આવવાની હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર એક જ ટ્રેન મુંબઈ સેન્ટ્રલના યાર્ડમાં આવી છે. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે બાકીની પાંચ ટ્રેનોના ઇલેક્ટ્રિક પાટ્ર્‍સ હાલ ઑસ્ટ્રીયામાં અને ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં છે.