20 November, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ દિવાળીમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આગની ૩૫૦થી વધુ ઘટનાઓ બની તેમ જ હવામાં ઝેરી તત્ત્વો, ધ્વનિપ્રદૂષણ અને ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં વધારો થયો એની બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે ગંભીર નોંધ લીધી હતી. હાઈ કોર્ટે સંકેત આપ્યો હતો કે જો લોકો અસંવેદનશીલ રહેશે અને સિવિક-સેન્સ નહીં દાખવે તો ફટાકડા પર મોટા પાયે પ્રતિબંધ મૂકવા અને માત્ર નિર્ધારિત મેદાનો પર સામુદાયિક રીતે ફટાકડા ફોડવાની જ મંજૂરી આપવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં. તહેવારો દરમ્યાન થતાં ધ્વનિ-પ્રદૂષણ વિશે સુઓ મોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL)ની સુનાવણી કરતાં જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે જણાવ્યું હતું કે ‘શહેરને ઝેરી પ્રદૂષણથી મુક્ત કરવા માટે આ એકમાત્ર ઉપાય હશે. આપણે પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યા છીએ. વાહનો અને ઉદ્યોગોનું પ્રદૂષણ પણ છે. આપણે શહેરને વધુ રહેવાલાયક બનાવવાની જરૂર છે. અન્ય લોકોનું સ્વાસ્થ્ય અમારી મુખ્ય ચિંતા છે અને આપણે સક્રિય બનવાની જરૂર છે.’ જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેએ કહ્યું હતું કે ‘અમારે શહેરના લાખો નાગરિકોના વિશાળ હિતમાં કેટલાક કડક આદેશો આપવા પડશે. એવું લાગે છે કે લોકોએ નક્કી કરી લીધું છે કે તેઓ પોતાની માનસિકતા નહીં બદલે. રાત્રે ૩ વાગ્યા સુધી ભયંકર ધ્વનિ-પ્રદૂષણ રહે છે. પોલીસ લાચાર છે, તેમણે તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. આપણે આ દૂષણને શરૂઆતમાં જ ડામવું પડશે અને એનો એકમાત્ર રસ્તો મુંબઈમાં તમામ ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો છે. કેટલાક વિદેશોની જેમ મર્યાદિત સમયગાળા માટે માત્ર નિર્ધારિત કમ્યુનિટી ગ્રાઉન્ડ પર જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે.’