કૉન્ક્રીટનાં સ્લીપર્સ નીચેની માટી સરકી જવાથી ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા ડીરેલ થયા?

28 February, 2017 05:53 AM IST  | 

કૉન્ક્રીટનાં સ્લીપર્સ નીચેની માટી સરકી જવાથી ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા ડીરેલ થયા?



દિલ્હી તરફ જઈ રહેલી ૪૫ ડબ્બાની ગુડ્સ ટ્રેન મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી ઊપડ્યા બાદ પનવેલ તરફ જઈ રહી હતી ત્યારે ગઈ કાલે વહેલી સવારે ૪.૦૯ વાગ્યે હાર્બર લાઇનના GTB નગર સ્ટેશન પાસે એના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા અને એને કારણે હાર્બર તથા સેન્ટ્રલ રેલવે ગઈ કાલે સાંજ સુધી ખોરવાયેલી રહી હતી.

માલગાડીના ડીરેલ થયેલા દરેક ડબ્બામાં અંદાજે બે ટન કઠોળ ભરેલું હતું. ડીરેલમેન્ટને કારણે પ્લૅટફૉર્મની આગળના ટ્રૅકના ભાગમાં કૉન્ક્રીટનાં સ્લીપર્સ ઊખડી ગયાં હતાં અને માલગાડીના ડીરેલ થયેલા ડબ્બાનાં પૈડાં છૂટાં પડી ગયાં હતાં. ટ્રૅકને સમાંતર આવેલા નાળામાંથી થતા લીકેજને કારણે સ્લીપર નીચેની માટીનું ધોવાણ થઈ ગયું હશે અને એને કારણે ડીરેલમેન્ટ થયું હશે એવી આશંકા સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ વ્યક્ત કરી છે.

ટ્રેન-સર્વિસને અસર

ડીરેલમેન્ટને કારણે હાર્બર લાઇનમાં કુર્લા અને વડાલા સ્ટેશન વચ્ચે અનેક ટ્રેન-સર્વિસ પર અસર થઈ હતી. ઓછામાં ઓછી ૬૦ ટ્રેનો રદ કરવામાં આવી હતી. પનવેલ અને CST વચ્ચે ધીમે-ધીમે સર્વિસ શરૂ કરવામાં આવ્યા બાદ પણ બે ટ્રેનો વચ્ચે ૨૦થી ૨૫ મિનિટનું અંતર રહ્યું હતું. જોકે વાશીથી થાણે દરમ્યાન ૬ ઍડિશનલ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવને પગલે સેન્ટ્રલ રેલવેનો ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો હતો. ડીરેલમેન્ટને કારણે સવારે પીક-અવર્સ દરમ્યાન પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટે પણ કુર્લાથી વડાલા અને ટ્રૉમ્બે વચ્ચે વધારાની બસો દોડાવી હતી. જોકે ડીરેલમેન્ટને કારણે ટિળકનગરથી કુર્લા દરમ્યાન રસ્તા પર ભારે ટ્રાફિક જૅમ થયો હતો.

ટ્રૅક પર સિવરેજ



ડીરેલમેન્ટને કારણે ડબ્બાના વ્હીલથી નાળાને ડૅમેજ થયું હતું અને નાળામાંનું ગંદું પાણી ટ્રૅક પર ઊભરાયું હતું. સ્ટેશનની એક તરફ સ્લમમાં લોકો વસેલા હોવાથી રીસ્ટોરેશન-વર્કમાં ઘણી મુશ્કેલી પડી હતી. ડીરેલ થયેલા ડબ્બામાંથી મજૂરોએ કઠોળની ગૂણીઓ કાઢવાનું કામ શરૂ કર્યું હતું અને એને ટ્રકમાં ભરવામાં આવ્યું હતું. ક્રેનની મદદથી ડબ્બાને હટાવીને કુર્લા લઈ જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓની થઈ હાલાકી

ડીરેલમેન્ટને કારણે ટ્રેનો અડધો કલાક કરતાં વધુ સમય મોડી દોડતાં અનેક વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલ-કૉલેજ પહોંચી નહોતા શક્યા. ડીરેલમેન્ટને કારણે ઘટનાસ્થળે ભેગા થયેલા અને ફોટો પાડી રહેલા લોકોની ભીડ હટાવવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ફ્રાન્સિસ ઍગ્નલ કૉલેજની એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે ‘ટ્રેન મોડી પડવાને કારણે હું સવારે ૮.૩૦ વાગ્યે શરૂ થનારી મારી પ્રૅક્ટિકલ એક્ઝામમાં સમયસર પહોંચી ન શકતાં હાજરી આપી શકી નહોતી. એથી ટ્રેનો શરૂ થયા બાદ હું એક્ઝામના સેકન્ડ હાફમાં હાજર રહી શકી હતી.’

એ સિવાય નોકરી પર જતા એક કપલનાં બાળકોને સ્કૂલ મૂકવા જતી મહિલાએ કહ્યું હતું કે ટ્રેનો રદ થવાને કારણે હું બાળકોને નેરુળમાં તેમની સ્કૂલે સમયસર મૂકવા જઈ નહોતી શકી એટલે બાળકોની રજા થઈ હતી.