જો આ વખતે ટ્રેન ચૂકી જશો તો દેશમાંથી લોકશાહી ગાયબ થશે

25 May, 2023 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથેની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગઈ કાલે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને મળ્યા હતા. એ સમયે તેમની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ હતા. અતુલ કાંબળે


મુંબઈ : આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે તેમના પ્રતિનિધિમંડળ સાથે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી હતી. આ વિશે પત્રકારો સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આ વખતે જો ગાડી ચૂકી જશો તો દેશમાંથી લોકશાહી ગાયબ થઈ જશે. દિલ્હીમાં ઉપરાજ્યપાલ સાથેના ઘર્ષણ બાબતે રાજ્યસભામાં જો મતદાન થાય તો ઉદ્ધવ ઠાકરે જૂથ અને એનસીપી પોતાને સમર્થન આપે એવી અપેક્ષાથી અરવિંદ કેજરીવાલ બે દિવસની મુંબઈની મુલાકાતે છે. ઉદ્ધવ ઠાકરે બાદ આજે તેઓ શરદ પવારને મળશે. 
ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘મિત્રતા માટે શિવસેના અને માતોશ્રી જગજાહેર છે. કેટલાક લોકો માત્ર રાજકારણ કરે છે, જ્યારે અમે રાજકારણની આગળ જઈને મિત્રતા નિભાવીએ છીએ. આવતું વર્ષ ચૂંટણીનું છે. આ વખતે ટ્રેન છૂટી જશો તો દેશમાંથી લોકશાહી ગાયબ થઈ જશે. લોકશાહી બચાવવા માટે વિરોધ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો દેશમાંથી લોકશાહી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને દેશવિરોધી કહેવા જોઈએ. અમે બધા તો દેશપ્રેમી છીએ.’

મોદી સરકારને સુપ્રીમ કોર્ટ પર ભરોસો નથી : કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ દાવો કરતાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે દિલ્હીની સર્વિસિસ બાબતે દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે આ વિશે નરેન્દ્ર મોદીની આગેવાનીની દિલ્હી સરકાર અધ્યાદેશ લાવી છે. સરકારના આ નિર્ણય પરથી લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ નથી. રાજ્યસભામાં અધ્યાદેશ પર મતદાન કરવામાં આવે તો ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર આમ આદમી પાર્ટીને સમર્થન આપે એવી વિનંતી કરવા હું મુંબઈ આવ્યો છું. આજે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી ત્યારે તેમણે મને સમર્થન આપવાનું વચન આપ્યું છે. એનસીપીના વડા શરદ પવારને પણ મળીશ. રાજ્યસભામાં આ સેમી ફાઇનલ હશે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારના અધ્યાદેશની વિરોધમાં મતદાન થશે તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકાર ફરી સત્તામાં નહીં આવે.’ 
અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ અને દિલ્હીના પ્રધાન આતીશી પણ હતા. 

ઉદ્વવ ઠાકરે અને એકનાથ શિંદે સાથે આવશે?
કૉન્ગ્રેસમાંથી ગઈ કાલે જ જેમને કાઢી મૂકવામાં આવ્યા હતા એ ભૂતપૂર્વ વિધાનસભ્ય આશિષ દેશમુખે દાવો કર્યો છે કે નજીકના ભવિષ્યમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ફરી સાથે આવશે અને તેઓ બીજેપીને સમર્થન આપશે એટલે મહાવિકાસ આઘાડી તૂટી જશે. આશિષ દેશમુખે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ફરી સાથે આવવાથી મહાવિકાસ આઘાડી તૂટશે. બંને જૂથ સાથે આવ્યા પછી બીજેપીને સમર્થન આપશે. અત્યારની સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ અને વિધાનસભ્યો સસ્પેન્ડ થવાની શક્યતા છે. આવું ન થાય એ માટે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે સાથે જશે, કારણ કે ઉદ્ધવ ઠાકરે પોતાના કોઈ પણ વિધાનસભ્ય કે સાંસદના રાજકીય ભવિષ્યને દાવ પર લગાવવા નથી માગતા. તાજેતરમાં મેં નાયબ મુ્ખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની મુલાકાત લીધી હતી. તેમની સાથે આ સંબંધ વાતચીત થઈ હતી.’ 

આશિષ શેલાર શરદ પવારનેકેમ મળ્યા?
એનસીપીના સુપ્રીમો શરદ પવાર બીજેપીની ટીકા કરવાની એક પણ તક જતી નથી કરતા ત્યારે ગઈ કાલે મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ્. આશિષ શેલાર શરદ પવારના મુંબઈના સત્તાવાર નિવાસસ્થાન સિલ્વર ઓક બંગલામાં મળવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મુલાકાતનું કારણ હજી સુધી સામે નથી આવ્યું, પણ તેઓ રાજકીય ચર્ચા કરવા કે મુંબઈ ક્રિકેટ અસોસિએશન બાબતે શરદ પવારને મળ્યા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. એક ચર્ચા એવી પણ છે કે આજે અરવિંદ કેજરિવાલ શરદ પવારને મળવાના હોવાથી એની પહેલાં આશિષ શેલાર કોઈ મેસેજ આપવા માટે તેમને મળ્યા હોવા જોઈએ.
એનસીપીમાં અત્યારે અનેક ઘટનાઓ બની રહી છે. એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલની સોમવારે ઈડીએ સાડાનવ કલાક પૂછપરછ કરી હતી. વિરોધ પક્ષના નેતા અજિત પવારનો સંબંધ હોય એવાં સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા. આ દરમ્યાન શરદ પવારે અચાનક પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપવાનું નાટક કર્યું. બીજી તરફ અનિલ દેશમુખે કહ્યું છે કે બે વર્ષ પહેલાં તેમને બીજેપીમાં પ્રવેશ કરવાની ઑફર આવી હતી અને આ ઑફર સ્વીકારી હોત તો બે વર્ષ પહેલાં જ મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડત. આ બધા વચ્ચે આશિષ શેલારે શરદ પવારની મુલાકાત લીધી છે ત્યારે કંઈક રંધાઈ રહ્યું હોવાની શંકા ઊભી થાય છે. 

mumbai news arvind kejriwal uddhav thackeray aam aadmi party