અજિત પવારના કમબૅકનું આ છે સાચું કારણ

08 December, 2012 06:30 AM IST  | 

અજિત પવારના કમબૅકનું આ છે સાચું કારણ





(રવિકિરણ દેશમુખ)

મુંબઈ, તા. ૮

ગયા અઠવાડિયે કોઈ પણ જાતની હોહા વગર શિવસેનાએ રાજ્ય સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સામાન્ય રીતે લોકશાહીમાં વિરોધ પક્ષ સરકાર વિરુદ્ધ આ અંતિમ હથિયારનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ આ જ કારણને લીધે એનસીપીના નેતા તથા ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના કૅબિનેટમાં પુન: પ્રવેશનો માર્ગ વધુ સરળ બન્યો હતો.

૧૦ ડિસેમ્બરથી શરૂ થતા વિધાનસભાના શિયાળુ સત્ર માટે નાગપુરમાં આવેલી સ્ટેટ લેજિસ્લેચર સેક્રેટરિયેટને આ અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી હતી. વિરોધ પક્ષે આ સમાચારને જાહેર નહોતા થવા દીધા. સામાન્ય સંજોગોમાં વિરોધ પક્ષ અવિશ્વાસ પ્રસ્તાવની માહિતી મિડિયાને આપતો હોય છે, પરંતુ અહીં તો એના સાથીપક્ષ બીજેપીને પણ એની ગંધ આવવા દીધી નહોતી.

શું રંધાઈ રહ્યું છે?

આ માટેનું કારણ જાણવા બીજેપીના સિનિયર નેતાઓએ પ્રયત્ન કર્યો તો તેમને ગોળ-ગોળ જવાબ જ મળ્યો હતો. મુખ્ય વિરોધ પક્ષ હોવા છતાં બીજેપીના નેતાઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા. સરકાર ભલે બહુમતીમાં હોય, પરંતુ આ નોટિસ એના માટે ખતરાની ઘંટી સમાન હતી. ચર્ચા દરમ્યાન વિરોધ પક્ષ સરકાર પર પસ્તાળ પાડી શકે છે. વળી જો શાસક પક્ષના કેટલાક વિધાનસભ્યો ગેરહાજર રહે તો પણ સરકારની સ્થિરતા જોખમાઈ શકે છે.

આમ સમગ્ર પ્રસ્તાવનો સામનો કરવાની જવાબદારી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ પર આવે તેમ હતી, વળી વિધાનસભામાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ગેરહાજરી શાસક પક્ષ માટે મુશ્કેલીરૂપ સાબિત થાય એમ હતી. વળી વિરોધ પક્ષના આક્ષેપોનો સામનો કરવા માટે સરકારના સાથીપક્ષ એનસીપીનો સહકાર પણ એટલો જ જરૂરી છે. અજિત પવાર સરકારનો એક ભાગ ન હોય તો વિધાનસભામાં શક્તિપ્રદર્શન સરકાર માટે એક મુશ્કેલભર્યું કાર્ય પુરવાર થઈ શકે તેમ હતું.

બીજી બાજુ અજિત પવાર પણ સરકારનો એક હિસ્સો બનવા માટે ગંભીર હતા, પરંતુ વિવિધ કારણોસર તેમનો પુન: પ્રવેશ લંબાતો જતો હતો. ૩૦ નવેમ્બરે સિંચાઈના મામલે સરકારે બહાર પાડેલા શ્વેતપત્ર બાદ બીજી ડિસેમ્બરે જ તેમનો પુન: પ્રવેશ થવાનો હતો, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન આઇ. કે. ગુજરાલના અવસાનને કારણે એમાં એક સપ્તાહનો વિલંબ થયો હતો.

શ્વેતપત્રના મુદ્દે કૅબિનેટમાં કોઈ ચર્ચા થઈ ન હોવાથી મુખ્ય પ્રધાન પણ આ મામલે બહુ ગંભીર નહોતા. એને ગવર્નમેન્ટની વેબસાઇટ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. એનસીપીના મોટા ભાગના વિધાનસભ્યો તેમ જ મિનિસ્ટરોનું સમર્થન પણ અજિત પવારની સાથે હતું જે ૨૫ સપ્ટેમ્બરે તેમણે રાજીનામું આપ્યું ત્યારે સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું. અજિત પવારની વાપસી માટે તેમના સમર્થકો ભારે આક્રમક હતા તો અવિશ્વાસના પ્રસ્તાવને કારણે શાસક પક્ષ કૉન્ગ્રેસની ચિંતા વધી હતી. વળી વિધાનસભાના સત્ર દરમ્યાન એની ચિંતામાં વધારો થાય એવા પ્રયત્નો એનસીપીના વિધાનસભ્યો કરે એવાં પણ ચિહ્નો જણાતાં હતાં.

તેથી જ વિધાનસભાનું સત્ર શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં જ અજિત પવારની વાપસી શક્ય બની હતી. શિવસેનાના અવિશ્વાસના પ્રસ્તાવને કારણે આ બધાં ડેવલપમેન્ટ થયાં હોવાની વાત એનસીપીના એક સિનિયર નેતાએ પણ સ્વીકારી હતી. સરકારના બચાવમાં સાથી પક્ષના નેતાનો સાથ મળે તો મુખ્ય પ્રધાનનું કામ આસાન થઈ જાય. શિવસેનાએ સરકાર પર અવિશ્વાસ માટે જે ૧૦ મુદ્દાઓ ટાંક્યા છે એમાં સરકારના સાથીપક્ષો વચ્ચે કો-ઑર્ડિનેશન ન હોવાના એક મુદ્દાનો પણ સમાવેશ છે.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, બીજેપી = ભારતીય જનતા પાર્ટી