સાપના ડંખવાથી બન્ને કિડની ફેલ થવા છતાં ડૉક્ટર્સે બચાવ્યો જીવ, જાણો વિગતો

17 January, 2022 03:02 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

ડૉક્ટર્સે જણાવ્યું કે મહિલાને હેમોલિટિક યૂરેમિક સિંડ્રોમ હતો. આ ખૂબ જ દુર્લભ બીમારી છે, જે સાપ ડંખ્યા બાદ થાય છે. વિશ્વમાં એવા માત્ર 30 કેસ નોંધવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

પુણેના એક હૉસ્પિટલમાં આવેલા દુર્લભ કેસે બધાને ચોંકાવી દીધા છે. અહીંના નોબલ હૉસ્પિટલમાં દાખલ એક 30 વર્ષીય મહિલા, જેને સાપે ડંખી લીધો હતો અને તેની કિડની સંપૂર્ણ રીતે ફેલ થઈ ચૂકી હતી. તેમ છતાં તે એકદમ સ્વસ્થ થઈ ગઈ. આ પ્રકારના કેસ ડૉક્ટર્સને પણ ચોંકાવી દે છે. હૉસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે મહિલા બે ડિસેમ્બરે હૉસ્પિટલમાં આવી હતી. તેને યૂરિનમાં તકલીફ હતી અને શરીરમાં ખૂબ જ સોજો આવી ગયો હતો. એટલું જ નહીં મહિલાની કિડની પણ ફેલ થઈ ગઈ હતી. આ બધું જ સર્પદંશ બાદ થયું હતું.

ICUમાં કર્યા દાખલ
હૉસ્પિટલના ડૉક્ટર અવિનાશે જણાવ્યું કે મહિલાને તરત હૉસ્પિટલના આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા. તેની કિડનીએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે મહિલાના પ્લેટલેટ્સ તેમજ આરબીસી કાઉન્ટ ઝડપથી નીચે આવી રહ્યો હતો. ત્યાર બાદ પતિી પરવાનગીથી મહિલાની એક કિડનીની બાયોપ્સી કરવામાં આવી અને તરત તેને ડાયલિસિસ પર રાખવામાં આવી.

વિશ્વમાં આ પ્રકારના 30થી પણ ઓછા કેસ
ડૉક્ટર્સે એ પણ જણાવ્યું કે મહિલાને હેમોલિટિક યૂરેમિક સિન્ડ્રોમ હતું. આ ખૂબ જ દુર્લભ બીમારી છે, જે સર્પદંશ બાદ થાય છે. ઇન્ડિયન જર્નલ ઑફ નેફ્રોલૉજીમાં પ્રકાશિત અધ્યયનો પ્રમાણે, વિશ્વમાં એવા 30થી ઓછા કેસ નોંધવામાં આવ્યા છે જેમાં દર્દી આ બીમારીથી પીડિત છે.

છ અઠવાડિયા સુધી ડાયલિસિસ પર રહી મહિલા
ડૉક્ટર્સે જણાવ્યું કે મહિલાના દૂષિત પ્લાઝમાને સ્વસ્થ પ્લાઝ્મા સાથે બદલવામાં આવ્યા. આ પ્રકારના કેસ ખૂબ જ જોખમભર્યા હોય છે, પણ છ અઠવાડિયા સુધી ડાયલિસિસ પર રહ્યા પછી મહિલાને બચાવી લેવામાં આવી. તેમાં સુધાર પણ જોવા મળ્યો. ડૉક્ટર્સનું કહેવું છે કે તેની કિડની બરાબર થઈ ગઈ છે. તેને હવે ડાયલિસિસની જરૂર નહીં પડે.

national news Mumbai mumbai news pune news