હેમા માલિનીએ ડાન્સ-ઍકૅડેમી માટે ફાળવાયેલી જમીન સ્વીકારી જ નથી : સરકાર

22 October, 2016 07:02 AM IST  | 

હેમા માલિનીએ ડાન્સ-ઍકૅડેમી માટે ફાળવાયેલી જમીન સ્વીકારી જ નથી : સરકાર



સંસદસભ્ય હેમા માલિનીને મોકાની જગ્યા પર જમીન ફાળવવાના સમાચારને પગલે અગાઉ વિવાદ જાગ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે ‘હેમા માલિનીએ જમીન સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું સરકારી વકીલ પ્રિયભૂષણ કાકડેએ જણાવ્યા પછી જનહિતની અરજીમાં વજૂદ રહેતું નથી. છતાં જો હેમા માલિનીને જમીન ફાળવવામાં આવી હોવાનું અરજદાર કેતન તિરોડકરના ધ્યાનમાં આવે તો તેઓ નવેસરથી અરજી કરી શકે છે.’

અરજદારનાં વકીલ સાધના કુમારે કોર્ટને જણાવ્યું હતું કે ‘રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ મળેલી માહિતી પ્રમાણે મુંબઈના અંધેરી વિસ્તારમાં જમીનનો ટુકડો હેમા માલિનીને સાવ સસ્તા દરે ફાળવવામાં આવ્યો હતો. આ માહિતી સાર્વજનિક સ્તરની હોવાથી સરકારના સ્ટેટમેન્ટને ધ્યાનમાં લીધા વગર એ બાબતની અરજીની સુનાવણી હાથ ધરવી જોઈએ.’

ફરિયાદ પક્ષની એ રજૂઆતના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે કાર્યવાહીનું કારણ હવે અસ્તિત્વમાં નથી.

કેતન તિરોડકરે જનહિતની અરજીમાં જમીનની ફાળવણી યોગ્ય વિધિ-પ્રક્રિયાને અનુસર્યા વગર સત્તાવાળાઓની મુનસફીથી કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં હાઈ કોટ્ર્સ અને સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદામાં ન્યુઝપેપર્સમાં ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ આપીને અરજીઓ મગાવ્યા વગર જાહેર મિલકતોની ફાળવણી ન કરવાની તાકીદ કરવામાં આવી છે.

હેમા માલિનીની ડાન્સ-ઍકૅડેમીને સૌપ્રથમ વર્સોવામાં જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ એ જમીન કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનમાં આવતી હોવાથી તેમણે બીજા ઠેકાણે જમીન માગી હતી. ૨૦૧૫ના ડિસેમ્બર મહિનામાં ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળની મહારાષ્ટ્ર સરકારે અંધેરીમાં ૨૦૦૦ ચોરસમીટર જમીન ફક્ત ૭૦,૦૦૦ રૂપિયાની કિંમતે હેમા માલિનીને ફાળવી દીધી હતી.