રિપેરિંગ બાદ દિંડોશી ફ્લાયઓવર પર હેવી વેહિકલ્સને કોણે પરમિશન આપી?

23 June, 2014 06:23 AM IST  | 

રિપેરિંગ બાદ દિંડોશી ફ્લાયઓવર પર હેવી વેહિકલ્સને કોણે પરમિશન આપી?



વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગોરેગામ (ઈસ્ટ)માં દિંડોશી ફ્લાયઓવરના સાઉથ બાઉન્ડ સ્ટ્રેચનું રિપેરિંગ થયા બાદ તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને (MSRDC) એને લાઇટ વેહિકલ્સ માટે ખુલ્લો મૂકવાની છૂટ આપ્યા બાદ હવે એને હેવી વેહિકલ્સ માટે પણ ખુલ્લો મુકાયો છે. જોકે હેવી વેહિકલ્સ માટે આ ફ્લાયઓવરને ખુલ્લો મુકાયો એ વિશે MSRDCને એની કોઈ જાણકારી નથી.

ગયા વર્ષે આ ફ્લાયઓવરમાં તિરાડો નજરે પડતાં ટ્રાફિક માટે અત્યંત મહત્વના આ ફ્લાયઓવરના સાઉથ બાઉન્ડ સ્ટ્રેચના રિપેરિંગ માટે MSRDC અને ટ્રાફિક-પોલીસ વચ્ચે લડાઈ જામી હતી અને એને કારણે આ રિપેરિંગ વિલંબમાં મુકાયું છે. જોકે આખરે ચોમાસા પહેલાં રિપેરિંગ બાદ ૩૧ મેએ લાઇટ વેહિકલ્સ માટે એને ખુલ્લો મુકાયો હતો. એ વખતે હેવી વેહિકલ્સ પ્રવેશી ન જાય એ માટે આ ફ્લાયઓવરના નૉર્થમાં એન્ટ્રી પૉઇન્ટ પર બૅરિકેડ્સ મુકાયાં હતાં. જોકે કોઈએ આ બૅરિકેડ્સ હટાવી લીધાં છે અને એ ક્યાં પડ્યાં છે એની પણ કોઈને જાણકારી નથી.

મેટલનાં બનેલાં આ જૂનાં બૅરિકેડ્સને ફ્લાયઓવર પર રિપેરિંગ કરીને મુકાયાં હતાં અને હવે એ રોડની બાજુમાં ભંગારની માફક પડ્યાં છે. ફ્લાયઓવરના સાઉથ બાઉન્ડ સ્ટ્રેચમાં હેવી વેહિકલ્સ પર પ્રવેશબંધીનાં સાઇનબોર્ડ્સ હાઇવે પર મુકાયેલાં છે છતાં હેવી વેહિકલ્સ બેરોકટોક આ ફ્લાયઓવર પરથી જઈ રહ્યાં છે.

આ ફ્લાયઓવર પરના નબળા રોડકામની ભરપૂર ટીકા થઈ રહી છે. મુંબઈમાં હજી વરસાદ જામ્યો નથી અને હળવાં ઝાપટાં જ પડ્યાં છે ત્યાં જ આ ફ્લાયઓવર પરના રોડ પર ખાડા પડી ગયા છે અને ધોવાણ સ્પષ્ટ નજરે પડે છે. આ કેસમાં પણ અગાઉની જેમ જ MSRDCએ ટ્રાફિક-પોલીસે રિપેરિંગ માટે પૂરતો ટાઇમ ન આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને પૂરતો સમય આપ્યો હોવાનું કહીને ટ્રાફિક-પોલીસે આવા આક્ષેપોને નકારી કાઢ્યા છે.

હવે જ્યારે આ ફ્લાયઓવર પર બસ અને ટ્રક જેવાં હેવી વેહિકલ્સ પણ પસાર થઈ રહ્યાં છે ત્યારે ફરીથી રોડને નુકસાન થવાની શક્યતા રહેલી છે. MSRDCના એક એન્જિનિયરે કહ્યું હતું કે ‘ફ્લાયઓવરના રિપેરિંગને હજી મહિનો પણ વીત્યો નથી ત્યાં હેવી વેહિકલ્સ એનો ઉપયોગ કરી રહ્યાં છે. રિપેરિંગ થયેલા રોડને મજબૂતી માટે થોડો સમય લાગે છે એથી આ ચિંતાની વાત છે.’