27 May, 2025 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલબાર હિલમાં જળબંબાકાર રસ્તા પર ચાલતું યુગલ.
પુણેમાં કર્વેનગર પાસે આવેલી અલંકાર પોલીસચોકી પાસે માથા પર ઝાડ પડવાને કારણે રાહુલ જોશી નામના યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેને દવાખાનામાં લઈ જવાતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.
માટુંગામાં જળમસ્તી કરતાં બાળકો.
અન્ય એક ઘટના વિરારના ગોપચર પાડામાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે બની હતી. પૂજા અપાર્ટમેન્ટમાં રહેતી ૨૭ વર્ષની લક્ષ્મી સિંહ તેનાં બે બાળકો સાથે સૂતી હતી ત્યારે સ્લૅબનો કેટલોક ભાગ તૂટીને તેના પર પડ્યો હતો. એમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પાડોશીઓ તેને તરત જ નજીકની સંજીવની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
પુણેના દોંડમાં ફૂલ વેચવાની દુકાન પર બેસેલાં ૭૫ વર્ષનાં તારાબાઈ આહિર પર દુકાનની જૂની જર્જરિત દીવાલ તૂટી પડતાં તેમનું મૃત્યુ થયું હતું. લાતુર જિલ્લાના ગોતાળા ગામના ૮ જેટલા ખેતમજૂરો ગઈ કાલે બપોરે ભારે વરસાદથી બચવા એક ઝાડ નીચે આશરો લઈને ઊભા હતા ત્યારે જ એ ઝાડ પર વીજળી પડતાં બે મજૂરોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં અને બાકીના છ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. રાયગડ જિલ્લામાં પણ વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.