01 July, 2026 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર (સૌજન્ય મિડ-ડે)
મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે જોવા મળી રહી છે. શહેરનું પવઈ તળાવ ઓવરફ્લો થયું છે. પવઈ તળાવમાં કુલ 545 કરોડ લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. આ તળાવનું પાણી માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટે જ વપરાય છે. ભારે ચોમાસાના વરસાદ બાદ તળાવ છલકાવું એ ચોમાસાની એક મહત્વની ઘટના માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદની અસર હવે સ્પષ્ટ જોવા મળી રહી છે.
પવઈ તળાવ મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા સંચાલિત મુખ્ય તળાવોમાંનું એક છે. આ તળાવનું પાણી પીવા માટે વપરાતું નથી. જોકે, ઔદ્યોગિક જરૂરિયાતો માટે પાણી પૂરું પાડવામાં પવઈ તળાવની મહત્વની ભૂમિકા છે. શહેરના ઉદ્યોગોને પાણી પહોંચાડવામાં આ તળાવ ઉપયોગી સાબિત થાય છે.
મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પવઇ તળાવ છલકાયું છે. ભારે વરસાદથી મુંબઈ અને આસપાસના વિસ્તારોના તળાવો અને જળાશયોનું સ્તર સતત વધી રહ્યું છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે લગભગ 5:30 વાગ્યે તળાવ તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાયા બાદ ઓવરફ્લો થયું. શહેરમાં ચોમાસું હજુ પણ સક્રિય હોવાથી અધિકારીઓ પાણીનું સ્તર અને વરસાદની સ્તિથિ પર સતત નજર રાખી રહ્યા છે.
મુંબઈના અનેક વિસ્તારોમાં બુધવારે સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 100 મિમીથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે અંધેરી સબવે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા પોલીસે અને પ્રશાસને કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ટ કર્યો. BEST બસ સેવા સામાન્ય રીતે ચાલુ રહી. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો થોડી મોડે દોડી રહી હતી. નવિ મુંબઈને મુંબઈ સાથે જોડતી હાર્બર લાઇન પર ઓવરહેડ વાયર તૂટતાં ટ્રેનોની અવરજવર પર અસર પડી. આ ખામી સવારે 4:52 થી 5:45 વાગ્યા વચ્ચે રહી હતી. BMC મુજબ પૂર્વ ઉપનગરોમાં સરેરાશ 109 મિમી વરસાદ નોંધાયો. પશ્ચિમ ઉપનગરોમાં 87 મિમી અને દક્ષિણ મુંબઈમાં 86 મિમી વરસાદ પડ્યો. પૂર્વ ઉપનગરોમાં માંખુર્દમાં સૌથી વધુ 170.4 મિમી વરસાદ નોંધાયો. દક્ષિણ મુંબઈમાં ભાયખળામાં 162.52 મિમી વરસાદ પડ્યો. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં 142.43 મિમી અને વડાળામાં 127 મિમી વરસાદ નોંધાયો. પશ્ચિમ ઉપનગરોમાં BKC વિસ્તારમાં 132.4 મિમી વરસાદ પડ્યો. બોરીવલીમાં 126 મિમી અને દિંડોશી ફાયર સ્ટેશન વિસ્તારમાં 123 મિમી વરસાદ નોંધાયો. બુધવારે સવારે 7 થી 8 વાગ્યા વચ્ચે દક્ષિણ મુંબઈ અને પૂર્વ ઉપનગરોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો. પશ્ચિમ ઉપનગરોના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પડ્યાં. આ એક કલાક દરમિયાન અંધેરી પશ્ચિમમાં સૌથી વધુ 39 મિમી વરસાદ નોંધાયો. અંધેરી પૂર્વમાં 34 મિમી અને બાંદ્રા પશ્ચિમમાં 24 મિમી વરસાદ પડ્યો.