ત્રાસવાદી સંગઠનોને ISI તમામ મદદ કરે છે : હેડલી

09 February, 2016 09:37 AM IST  | 

ત્રાસવાદી સંગઠનોને ISI તમામ મદદ કરે છે : હેડલી




મુંબઈ : તા, 09 ફેબ્રુઆરી

લશ્કર-એ-તોયબાનો ત્રાસવાદી અને પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક એવા ડેવિડ કોલેમન હેડલી મુંબઈ પર 26/11ના ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાનની સક્રિય ભૂમિકાને લઈને એક પછી એક ખુલાસો કરી રહ્યો છે. હેડલી હાલ અમેરિકાની જેલમાં છે પણ વીડિયો કોન્ફરેન્સિંગની મદદથી મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં હાજરી આપી રહ્યો છે.

બે દિવસ ચાલનારી કોર્ટની આ પ્રક્રિયાના અંતિમ દિવસે હેડલીએ પાકિસ્તાન પર અનેક ત્રાસવાદી જુથોને નાણાંકિય મદદ પુરી પાડવાનો સીધો આરોપ લગાવ્યો છે. હેડલીએ પાકિસ્તાની સૈન્યના ટોચના અધિકારીઓ પણ ત્રાસવાદીઓને કેટલી હદે મદદ કરે છે તેની ઉપરથી પડદો ઉંચકતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રિય મંચ પર ખુલ્લુ પાડી દીધું છે.

સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કોર્ટની સુનાવણી બાદ કોર્ટ પરિસરમાં મીડિયા સાથે હેડલીના નિવેદનને લઈને વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે હેડલી સ્વિકાર્યું છે કે તેના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે ગાઢ સંબંધો હતાં. હેડલી ખુલાસો કર્યો છે કે આઈએસઆઈ લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુઝાહિદ્દીન સહિતના અન્ય ત્રાસવાદી સંગઠનોને આર્થિક, નૈતિક અને રણનૈતિક મદદ કરે છે. હેડલીએ જણાવ્યું છે કે પાકિસ્તાન યૂનાઈટેડ જેહાદી કાઉન્સિક જેવા ત્રાસવાદી જુથને પણ સતત પોશે છે.

મુંબઈ હુમલાના સુત્રધાર હેડલીએ આઈએસઆઈની પણ પોલ ખોલી નાખી હતી. તેણે કહ્યું હતું કે તે આઈએસઆઈના બ્રિગેડિયર રિયાઝ, કર્નલ શાહ, લેફ્ટિનેન્ટ જનરલ હમઝા અને મેજર સમીર અલીને મળ્યો હતો. કર્નલ શાહને તે એકવાર મળ્યો હતો પરંતુ સમીર અલી સાથે તો તેની મુલાકાત અવાર નવાર થતી રહેતી હતી. હેડલીના જણાવ્યા પ્રમાણે બ્રિગેડિયર રિયાઝ લશ્કર-એ-તોયબાના કમાંડર ઝકીઉર રહેમાન લખવીનો હેંડલર હતો.

અગાઉ હેડલી પાકિસ્તાન દ્વારા મુંબઈ પર હુમલાની યોજના, હફીઝ સઈદ સહિતના ત્રાસવાદીઓની હુમલામાં સક્રિયતા તથા સિદ્ધિવિનાયક મંદિર સહિતના સ્થળો ટાર્ગેટ પર હતા તે પ્રકારના ખુલાસાઓ કરી ચુક્યો છે.