આરોપીઓને ફાંસીની સજા થશે કે પછી આજીવન કારાવાસ?

30 December, 2012 05:30 AM IST  | 

આરોપીઓને ફાંસીની સજા થશે કે પછી આજીવન કારાવાસ?



સમર્થ મોરે અને વિનોદકુમાર મેનન

મુંબઈ, તા. ૩૦

નવી દિલ્હીમાં ગૅન્ગ-રેપની ઘટનામાં યુવતીના મૃત્યુ પછી હવે પોલીસે પકડાયેલા આરોપીઓ સામે રેપિસ્ટના બદલે હવે હત્યારા એવો ચાર્જ લગાવી દીધો છે ત્યારે આ ચાર્જના કારણે આરોપીઓને ફાંસીની સજા થશે કે પછી તેઓ આજીવન કારાવાસની સજા પામશે એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે અને કાયદો જાણનારા નિષ્ણાતોમાં પણ ભિન્ન મત પ્રવર્તી રહ્યા છે. જેના પર બળાત્કાર થયો હતો તે યુવતીનું મૃત્યુ થતાં આ માટે બળાત્કાર કરનારાઓ જવાબદાર છે આથી તેમને ફાંસીની સજા થાય એવું માનવાવાળાઓનો વર્ગ મોટો છે.

સિનિયર ઍડ્વોકેટ અધિક શિરોડકરે કહ્યું હતું કે ‘આરોપીઓ સામે હત્યાનો કેસ (કલમ ૩૦૨) નાખવાની લોકલાગણી છે, પણ એની કોઈ કાનૂની વૅલ્યુ નથી. આરોપીઓ સામે હત્યાનો હેતુ પુરવાર કરવો ફરિયાદી પક્ષ માટે અઘરું કામ સાબિત થશે. નૈતિક દૃષ્ટિએ જોઈએ તો આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ એમ હું માનું છું, પણ નૈતિક બાબત અને કાનૂની બાબત વચ્ચે ફરક છે.’

જોકે ઍડ્વોકેટ રોહિણી સાલિયને કહ્યું હતું કે ‘બળાત્કાર કર્યા પછી આરોપીઓએ બળાત્કારનો ભોગ બનેલી યુવતી અને તેના ફ્રેન્ડને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધાં હતાં અને એમાં છોકરીનું મૃત્યુ થયું હતું. એ પુરવાર કરે છે કે આ બન્ને જણ જીવતાં રહે એવી ઇચ્છા બળાત્કાર કરનારાઓની નહોતી. આવી પશુતા માટે તેમની સામે કલમ ૩૦૨ હેઠળ કામ ચલાવવું જોઈએ.’

ક્રિમિનલ લૉયર આશિષ ચવાણે અધિક શિરોડકરના મંતવ્ય સાથે સંમત થતાં કહ્યું હતું કે ‘હત્યાના કેસમાં હત્યાનો હેતુ પુરવાર કરવો ખૂબ જ મહત્વનો છે. આ કેસમાં આરોપીઓના વર્તનથી એ પુરવાર થતું નથી કે તેઓ બળાત્કાર પછી યુવતીની હત્યા કરવા માગતા હતા. ઘણી વાર આરોપી પુરાવા નષ્ટ કરવા માટે ખૂન કરતો હોય છે એવું આ કેસમાં દેખાતું નથી. આમ આ કેસ એક બૉર્ડરલાઇન કેસની શ્રેણીમાં આવે છે. આ કેસમાં બહુ-બહુ તો સદોષ મનુષ્યવધ માટે આરોપીઓને દોષી પુરવાર કરી શકાય અને આવું થાય તો એવા સમયે સજા ફાંસી નહીં પણ આજીવન કારાવાસ છે. ગૅન્ગરેપના ગુનામાં પણ વધુમાં વધુ સજા આજીવન કારાવાસ છે. ’

સિનિયર ક્રિમિનલ લૉયર માજિદ મેમણે કહ્યું હતું કે ‘આ રેરેસ્ટ ઑફ રેર કેસ છે. આખો દેશ જાણે છે કે આ એક ઓપન ઍન્ડ શટ પ્રકારનો કેસ છે. આ કેસના દેશમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. આથી ફરિયાદી પક્ષ માટે આરોપ પુરવાર કરવાનું કામ ઘણી મહેનત માગી લેશે. કેન્દ્રીય હોમ મિનિસ્ટરે પણ કહી દીધું છે કે આ કેસમાં ૩૧ માર્ચ ૨૦૧૩ સુધીમાં ચુકાદો આવી જશે. આપણા કાયદા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં જો દેશના લોકોને વિfવાસ અપાવવો હોય તો આ કેસ એક ઍસિડ ટેસ્ટ સમાન સાબિત થશે.’

આઇપીએસ અધિકારીમાંથી લૉયર બનેલા વાય. પી. સિંહે કહ્યું હતું કે ‘ઇન્ડિયન પીનલ કોડમાં કલમ ૨૯૯ હેઠળ હત્યાની વ્યાખ્યા એવી છે કે જો આરોપીએ કોઈ એવી ઈજા પહોંચાડી કે જેનાથી વ્યક્તિનું મૃત્યુ થાય તો એવા કેસમાં આરોપી સામે સદોષ મનુષ્યવધના ગુના હેઠળ કામ ચલાવી શકાય. આ કેસમાં યુવતીના શરીરમાં લોખંડનો સળિયો ઘુસાડી દેવો, તેનાં આંતરડાંને ઈજા પહોંચાડવી અને તેના પર ચાકુથી વાર કરવા એ આરોપીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવા ઉપયુક્ત છે અને દિલ્હી પોલીસે કલમ ૩૦૨ લગાવીને બરાબર કર્યું છે. હવે આ કેસમાં ડ્રાઇવર અને એક સગીર વયના આરોપી સિવાયના બાકીના આરોપીઓને ફાંસીની સજા થાય એવી તમામ શક્યતા છે. ડ્રાઇવરે બળાત્કાર કર્યો નહોતો. સગીર વયના આરોપીને વધુમાં વધુ ત્રણ વર્ષ રિમાન્ડ હોમમાં રાખવામાં આવશે અને પછી તેને છોડી મૂકવામાં આવશે.’