માહિમ નેચર પાર્કનો ધારાવી રીડેવલપમેન્ટમાં સમાવેશ કરાશે?

06 December, 2022 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સંબંધે કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને ચોખવટ કરવા કહ્યું

ફાઇલ તસવીર

ધારાવીમાં આવેલા માહિમ નેચર પાર્કનો ધારાવી રીડેવલપમેન્ટમાં સમાવેશ કરતાં એને પડકારતી એક જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરીને કહેવાયું છે કે માહિમ નેચર પાર્ક એ આર​િક્ષત ફૉરેસ્ટ હોવાને કારણે એનો રીડેવલપમેન્ટમાં સમાવેશ ન કરી શકાય. બૉમ્બે હાઈ કોર્ટે આ સંદર્ભે હવે રાજ્ય સરકાર અને સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (એસઆરએ)ને એ બાબતનો ખુલાસો, ચોખવટ ઍફિડેવિટ નોંધાવીને કરવાનો આદેશ આપ્યો છે.

આ જનહિતની અરજી ‘વનશક્તિ’ એનજીઓ અને ઍક્ટિવિસ્ટ જોરૂ ભાથેના દ્વારા કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૨૭ એકરમાં ફેલાયેલા માહિમ નેચર પાર્કનો ધારાવી રીડેવલપમેન્ટમાં ગેરકાયદે સમાવેશ ન થવો જોઈએ. આ માટે તેમણે પહેલાં પ્રોજેક્ટ ઑથોરિટીનો સંપર્ક સાધ્યો હતો અને પૂછ્યું હતું કે એ માહિમ નેચર પાર્કને પ્રોજેક્ટના ડૉક્યુમેન્ટમાંથી ક્યારે હટાવવામાં આવશે. જોકે એ બાબતે તેમને સંતોષકારક જવાબ ન મળતાં આખરે તેમણે આ સંદર્ભે પીઆઇએલ કરી હતી.

પ્રોજેક્ટ ઑથોરિટી દ્વારા કોર્ટમાં રજૂઆત કરતાં વકીલ મિલિંદ સાઠેએ સોમવારે કોર્ટમાં કહ્યું હતું કે માહિમ નેચર પાર્કનો રીડેવલપમેન્ટમાં સમાવેશ ન કરાય એમ અમે અરજદારને જણાવ્યું છે. જોકે ઑથોરિટી દ્વારા એવી કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી કે ટેન્ડર ડૉક્યુમેન્ટમાં માહિમ નેચર પાર્કને ‘એક્સક્લ્યુડેડ એરિયા’ તરીકે દર્શાવાયો છે કે નહીં. એથી બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જ​સ્ટિસ દીપાંકર દત્તા અને જ​સ્ટિસ અભય આહુજાની બેન્ચે રાજ્ય સરકાર અને એસઆરએને ૨ જાન્યુઆરી સુધી આ બાબતે ઍ​ફિડેવિટ દ્વારા તેમનો જવાબ નોંધાવી સ્ટૅન્ડ ક્લિયર કરવા કહ્યું છે. 

mumbai mumbai news dharavi bombay high court