ફેરિયાઓને રોકવાનું અમારું ગજું નથી : નાલાસોપારા પોલીસ

29 December, 2011 07:59 AM IST  | 

ફેરિયાઓને રોકવાનું અમારું ગજું નથી : નાલાસોપારા પોલીસ



નાલાસોપારામાં વિરાર બાજુના ફૂટઓવર બ્રિજ પરથી ઈસ્ટમાં આવતા દુબે એસ્ટેટ અને રેલવેલાઇન વચ્ચે એક સાંકડા રસ્તાની બન્ને બાજુ ફેરિયાઓ બેસી જતા હોવાને કારણે ધસારાના સમયે પ્રવાસીઓએ બહાર નીકળવા ખૂબ હાલાકી ભોગવવી પડે છે. એમાંય મહિલાઓની હાલત એકદમ દયનીય બની જાય છે.

આ વિશે સ્થાનિક સમાજસેવકો અને રાજકારણીઓએ અનેક વાર રેલવેને ફરિયાદ કરી છે, પણ હજી સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યારે ફરિયાદ થાય ત્યારે રેલવે-સુરક્ષા દળ કાર્યવાહી કરી ફેરિયાઓને ભગાડે તો છે, પરંતુ જેવા પોલીસો ત્યાંથી નીકળે કે ફેરિયાઓ પાછા આવીને બેસી જાય છે. આ વિશે નાલાસોપારા સ્ટેશનના સુપિરિન્ટેન્ડન્ટ કાંબલીને પૂછતાં તેમણે કહ્યું કે ‘આ સમસ્યા વિશે અમે ઘડી-ઘડી રેલવે-સુરક્ષા દળને રિપોર્ટ મોકલીએ છીએ, જ્યારે રેલવેપોલીસનું કહેવું છે કે અગાઉ અમે ફેરિયા હટાવવાનું કામ કરતા હતા, પણ છેલ્લાં ચાર વર્ષથી આ જવાબદારી રેલવે સુરક્ષા દળને સોંપવામાં આવી છે અને જ્યારે તેઓ અમને કહે ત્યારે મદદ કરીએ છીએ.’
જ્યારે રેલવે સુરક્ષા દળના વસઈ-વિરારના ઇન્ચાર્જ સંજય ચૌધરીને આ વિશે પૂછતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમને ફેરિયાઓની સમસ્યાની જાણ છે, પણ જ્યારે અમે કાર્યવાહી કરીને તેમને ભગાડવા છતાં તેઓ પાછા આવીને બેસી જાય છે; એમાં પણ મહિલાઓ બેસતી હોય ત્યારે અમને ઘણી તકલીફ થાય છે, કારણ કે અમારી પાસે મહિલા-પોલીસ નથી.’

નાલાસોપારા-ઈસ્ટમાં માત્ર ફેરિયાઓનો જ ત્રાસ નથી, પણ સ્ટેશનની બહાર આડેધડ પાર્ક કરાતાં ટૂ-વ્હીલરને કારણે પણ લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. આટલું ઓછું હોય તેમ બાઇકસવારોની હિંમત એટલી વધી ગઈ છે કે રેલવે-ટિકિટબારી પાસેથી પણ બેધડક બાઇક હંકારી જાય છે. પ્લૅટફૉર્મ નંબર ચારની બહાર અગાઉ એક નોટિસ ર્બોડ હતું જેના પર ગેરકાયદે પાર્કિંગ કરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. નોટિસની અવગણના કરી લોકો ત્યાં પાર્કિંગ કરતા હોવાની તસવીર મિડ-ડે LOCALમાં પ્રસિદ્ધ થયા બાદ રેલવેએ એ પાટિયું પણ ત્યાંથી હટાવી લીધું. અત્યારે ટિકિટબારી પાસે પાર્કિંગ-સ્લૉટ હોવા છતાં સ્ટેશન પાસે આડેધડ પાર્કિંગ થાય છે.

ફેરિયાઓ અને બાઇક પાર્કિંગને કારણે હેરાન-પરેશાન થતા પ્રવાસીઓ પણ ફરિયાદ કરીને કંટાળી ગયા છે. બધાની એક જ ફરિયાદ છે કે રેલવે-પ્રશાસન દોષનો ટોપલો એકબીજા પર ઢોળી પોતાના હાથ ઊંચા કરી દે છે અને કાર્યવાહીના નામે એકાદ-બે ફેરિયાને ર્કોટમાં હાજર કરી દંડ વસૂલી જવાબદારી પૂરી કરી હોવાનો દાવો કરે છે, જ્યારે મહાનગરપાલિકા એક જ વાતનું રટણ કરે છે કે રેલવેની જમીન પર અતિક્રમણ થતું હોવાથી તે કંઈ કરી શકે એમ નથી.