ફેરિયાઓના ત્રાસનો ઉકેલ તમારા પોતાના જ હાથમાં : સુધરાઈ

14 October, 2011 08:20 PM IST  | 

ફેરિયાઓના ત્રાસનો ઉકેલ તમારા પોતાના જ હાથમાં : સુધરાઈ

 

 

મુંબઈમાં જગ્યાની તંગી હોવા છતાં મુંબઈભરમાં ફેરિયાઓ જ્યાં પણ નાનીએવી જગ્યા મળે તેમનો પથારો પાથરીને બેસી જ જાય છે. સાંતાક્રુઝ, વિલે પાર્લે‍ અને અંધેરીમાં સ્ટેશન પાસે બેસતા ફેરિયાઓને કારણે પીક-અવર્સમાં તો માર્ગ કાઢવો મુશ્કેલ થઈ જાય છે. એવી પરિસ્થિતિ હોય છે કે લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી હોતી. જોકે એમ છતાં સુધરાઈના અંધેરી, વિલે પાર્લે‍ અને સાંતાક્રુઝના વૉર્ડ-ઑફિસરોએ કહ્યું હતું કે ‘આ સમસ્યા વિકરાળ નથી. અમે તો અમારી કાર્યવાહી કરતા જ હોઈએ છીએ, પણ જો ખરેખર મુંબઈગરાને ફેરિયાઓથી છુટકારો જોઈતો હોય તો એ મુશ્કેલ નથી, માત્ર અમને પબ્લિકનો સહકાર જોઈએ, મુંબઈગરાઓએ પોતે જ એ માટે આગળ આવવું પડશે. તેમણે સૌથી પહેલાં ફેરિયાઓ પાસેથી ખરીદી કરવાનું બંધ કરવું પડશે. તમારી દુકાન સામે, સોસાયટી સામે જ્યારે ફેરિયો બેસે ત્યારે જ તેને રોકવો અને તે ન રોકાય તો અમને જાણ કરો, પોલીસને જાણ કરો. અમે તો અમારી કાર્યવાહી કરીશું જ, એ પછી પણ તમારે સજાગ રહેવું પડશે કે તે પાછો આવીને ધંધો શરૂ ન કરી દે. જો તમે અમને સહકાર આપશો તો ફેરિયાઓને હટાવવા મુશ્કેલ નથી. જે રીતે ભ્રષ્ટાચાર સામે ઝુંબેશમાં સામાન્ય લોકો જોડાઈ રહ્યા છે એમ ફેરિયાઓ સામે પણ ઝુંબેશ ઉપાડો તો કશું જ અશક્ય નથી.’

વેસ્ટર્ન રેલવેમાં દાદર પછીના સૌથી વ્યસ્ત સ્ટેશન અંધેરીમાં ઈસ્ટમાં સ્ટેશનથી બહાર નીકળતા જ પહેલાં તો ખાણી-પીણીવાળા, ગાર્મે‍ન્ટ્સવાળા અને મુખ્યત્વે મોબાઇલની ઍક્સેસરીઝ વેચતા ફેરિયાઓની લાઇન લાગેલી હોય છે. એ ઉપરાંત ત્યાં સીપ્ઝ (સાંતાક્રુઝ ઇલેક્ટ્રૉનિક એક્સર્પોટ પ્રોસેસિંગ ઝોન), એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન), સાકીનાકા, પવઈ અને સેન્ટ્રલ સબબ્ર્સને જોડતી બસોનાં સ્ટૅન્ડ આવેલાં છે. અધૂરામાં પૂરું રિક્ષાની લાઇન પણ ત્યાં જ લાગતી હોય છે. આથી દિવસભર ત્યાં સખત ભીડ રહે છે. એમાં પણ ફેરિયાઓ અને તેમને વીંટળાઈને ઊભી રહેતી પબ્લિકને કારણે ચાલવા માટે જગ્યા નથી હોતી. આથી અવારનવાર સુધરાઈના કે-ઈસ્ટ વૉર્ડના અતિક્રમણ  નિમૂર્લન વિભાગના અધિકારીઓ દ્વારા તેમના વિભાગમાં કાર્યવાહી થતી જ હોય છે એમ છતાં તેમની કાર્યવાહી બાદ ફરી પાછા ફેરિયાઓ આવી જાય છે. જોકે તેમનું કહેવું છે કે  એક વાર ફેરિયાઓને હટાવ્યા પછી તેઓ પાછા એ જ જગ્યાએ ધંધો ન લગાવે એ જોવાનું કામ સ્થાનિક પોલીસ-સ્ટેશનનું છે.

 



જો તેમને હટાવવા જ હોય તો બહુ જ સહેલું છે એમ જણાવતાં સુધરાઈના કે-ઈસ્ટ વૉર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘લોકોને સુવિધા જોઈતી હોય છે. તેઓ તેમની નાની-મોટી ખરીદી ફેરિયાઓ પાસેથી કરે છે કારણ કે એ ઈઝી ઍક્સેસ હોય છે. સાંજે ઘરે જતાં રિક્ષા કે બસ પકડતાં પહેલાં તેઓ સ્ટેશને ઊતરીને તેમની જરૂરિયાતોની વસ્તુની ખરીદી કરી લેતા હોય છે જેમાં શાકભાજીથી લઈને અન્ય બધી જ ચીજોનો સમાવેશ થતો હોય છે. લોકો જો એ ખરીદી પ્રોપર શૉપમાંથી કે માર્કે‍ટમાં જઈને કરે તો ફેરિયાઓનો ધંધો પડી ભાંગે. લોકોએ તેમની આદતમાં સુધારો કરવો પડશે. જો લોકો ધારે તો ચેન્જ લાવી શકે છે અને એનું બેસ્ટ ઉદાહરણ વિલે પાર્લે‍-ઈસ્ટની માર્કે‍ટનું છે. ત્યાં ખરીદી માટે જતા લોકો ખરીદી કરવા જતી વખતે ઘરેથી કાપડની બૅગ લઈને જાય છે. જો તેઓ દુકાનદાર પાસે પ્લાસ્ટિક બૅગ માગે તો દુકાનદાર તેમને પ્લાસ્ટિક બૅગ નથી આપતા, પણ માર્કે‍ટમાં મળતી કાપડની થેલી લઈ આવવાનું સૂચન કરે છે. હવે તો ત્યાં ડિપોઝિટ લઈને પણ કાપડની થેલી મળતી થઈ છે. પ્લાસ્ટિકની કૅરી-બૅગનો સંપૂર્ણ વિલે પાર્લે‍ની માર્કે‍ટમાં બહિષ્કાર કરવામાં આવ્યો છે. આથી ચેન્જ લોકોના સ્તરે આવે તો એ બહુ જ ઇફેક્ટિવ હોય છે. ફેરિયાઓને હટાવવા લોકો આગળ આવે, અમે તેમને ફુલ સર્પોટ કરીશું.’

અંધેરી-વેસ્ટમાં પણ ફેરિયાઓનો ભયંકર ત્રાસ છે. તેઓ ગ્રુપમાં ધંધો કરે છે. બેલ્ટ, ગાર્મે‍ન્ટ્સ, રિસ્ટવૉચ, શૂઝ, મોબાઇલ ઍક્સેસરીઝ, વી.સી.ડી., ડી.વી.ડી. જેવી અનેક આઇટમો વેચતા ફેરિયાઓ અને વડાપાંઉ, ભેલ, ચાટ, ચા, કોલ્ડ ડ્રિન્ક્સ જેવા બધી જ જાતની ખાણી-પીણીના ખૂમચાવાળાઓએ રીતસરની જગ્યા પચાવી પાડી હોય છે. જો કોઈ એકલદોકલ વ્યક્તિ તેમનો વિરોધ કરે તો તેને ધમકાવવામાં પણ આવે છે. તેમના પર પણ અવારનવાર સુધરાઈના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પણ જેવા સુધરાઈના કર્મચારીઓ કાર્યવાહી કરીને નીકળે કે થોડી જ વારમાં તેઓ પાછા ગોઠવાઈ જાય છે. સુધરાઈના જ એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘જો અમે એક સ્ટવ અને તેની પાણીપૂરીનું માટલું ઉપાડી આવીએ તો થોડી જ વારમાં તેઓ બીજો સ્ટવ અને પાણીનું માટલું અરેન્જ કરી લે છે. અમારી કાર્યવાહીથી એટલા ટેવાઈ ગયેલા હોય છે કે તેઓ બે-ત્રણ સેટ રાખે છે, પણ ધંધો ખોવા નથી માગતા.’

 

 

ફેરિયાઓને જો કાયમી રીતે હટાવવા હોય તો શું કરી શકાય એ વિશે અંધેરી-વેસ્ટ અને વિલે પાર્લે‍-વેસ્ટને આવરી લેતા સુધરાઈના કે-વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર રમેશ પવારે કહ્યું હતું કે ‘એ માટે લોકોએ ગ્રુપમાં આગળ આવવું જોઈએ, સ્વૈચ્છિક સંગઠનોની મદદ પણ લઈ શકાય. તેઓ રસ્તો દત્તક પણ લઈ શકે, એટલે કે જે જગ્યાએ ફેરિયાઓ બેસે છે ત્યાંના ફેરિયાઓને અમે એક વાર ઉપાડી લઈને રસ્તો કે ફૂટપાથ ચોખ્ખાં કરી દઈએ, પણ ત્યાર બાદ એ ગ્રુપ ધ્યાન રાખે કે ફેરિયા પાછા બેસે નહીં. બાંદરામાં અને ટાઉનમાં આવી રીતે લોકોના ગ્રુપે ઍક્ટિવ થઈને એક-બે રોડને ફેરિયામુક્ત કર્યા છે. જો એવું ઇનિશ્યેટિવ બધી જ જગ્યાએ લેવામાં આવે તો ફેરિયાઓને દૂર કરવાનું કપરું નથી. જ્યારે ફેરિયો તેનો ધંધો લગાડે ત્યારે જ જો ઑબ્જેક્શન લેવામાં આવે તો એને રોકવું ઈઝી હોય છે. બાકી અમે દરેક ફેરિયા પાછળ અમારો કર્મચારી તો ન જ ડેપ્યુટ કરી શકીએ.’

વિલે પાર્લે‍માં આવેલી કૉલેજોને કારણે ત્યાં આખો દિવસ સ્ટુડન્ટ્સની ભારે અવરજવર રહે છે અને તેમને પણ ફેરિયાઓનો ત્રાસ થતો જ હોય છે. વિલે પાર્લે‍-ઈસ્ટમાં સ્ટેશનની સામે જ સુધરાઈની માર્કે‍ટ આવેલી છે એમ છતાં સ્ટેશન સામે આવેલા મોંઘીબાઈ રોડ પર શાકભાજીવાળા અને ફ્રૂટવાળાઓએ વર્ષોથી રસ્તા પર જ અડિંગો જમાવ્યો છે. સુધરાઈના અધિકારીનું કહેવું છે કે ‘તેઓ ત્યાં ધંધો કરે છે, કારણ કે લોકો તેમની પાસેથી ખરીદી કરે છે, લોકો જો માર્કે‍ટમાં જાય જે માત્ર ૧૦૦ ડગલાં દૂર છે તો આ સમસ્યા જ ન રહે.

 

 

સાંતાક્રુઝ-ઈસ્ટમાં સુધરાઈના એચ-ઈસ્ટના વૉર્ડ-ઑફિસર મીનેશ પિંપળેએ આ બાબતે ફેરિયાઓના પ્રૉબ્લેમના મૂળ સુધી પહોંચતાં કહ્યું હતું કે ‘આ સમસ્યા મૂળ તો સોશ્યો-ઇકૉનૉમીને કારણે છે. ઉત્તર પ્રદેશ, બિહારનાં ગામડાંમાંથી અહીં રોજી માટે આવતો માણસ કમાવાના સૌથી સહેલા ઉપાય તરીકે ફેરી કરવા બેસી જાય છે અને સાંજ પડે તે પોતાના પૂરતું કમાઈ લે છે. એમાંથી તે પૈસા બચાવીને મહિનાને અંતે ગામડામાં તેના પરિવારને મોકલે છે જેના પર તેના પરિવારનું ગુજરાન ચાલે છે. એનો મતલબ એમ નથી કે તેની આ હરકત ચલાવી લેવાય, કારણ કે દુકાનમાં કે પ્રૉપર માર્કે‍ટમાં ધંધો કરતો વેપારી કે દુકાનદાર અનેક પ્રકારનાં લાઇસન્સ રાખતો હોય છે, ટૅક્સ ભરતો હોય છે. ફેરિયાઓને કારણે તેના પણ ધંધા પર અસર થતી હોય છે. આથી ફેરિયાઓને હટાવવા હોય તો દરેકે આગળ આવવું પડશે. લોકો માર્કે‍ટ સુધી જઈને ખરીદી કરવાને બદલે બિલ્ડિંગની સામે બેસતા ફેરિયા પાસેથી જ ખરીદી કરી લે છે. તેને સફળતા મળતાં તેની પાછળ અન્ય ચાર જણ તેના ગામથી અહીં આવી જાય છે અને આમ તેમનો ફેલાવો થતો રહે છે. અમને મુંબઈગરાનો સર્પોટ મળવો જોઈએ. લોકો સર્પોટ કરશે, અમે લોકોને સર્પોટ કરીશું. અમે અમારી પૂરી યંત્રણા તેમને આપીશું, ગાડીઓ આપીશું, માર્શલ્સ આપીશું; પણ અમારી કાર્યવાહી બાદ ફરી પાછા તે લોકો ધંધો કરવા ન બેસે એની કાળજી લોકોએ જ રાખવાની છે. તેમણે એટલો તો ભોગ આપવો જ પડશે. જો ફેરિયાઓ તેમને ધમકાવે તો તેઓ પોલીસનો સર્પોટ પણ લઈ શકે છે. અમારી કાર્યવાહી બાદ પણ પોલીસની ફરજ છે કે એ સ્પૉટ પર ફરી ફેરિયાઓ બેસે નહીં. જોકે તેઓ પણ તેમની સંખ્યાને કારણે બંધાયેલા હોય છે, માટે અમારી જનતાને અપીલ છે કે તમારા જ સારા માટે તમે આગળ આવો, અમે તમને બધી જ રીતે મદદ કરવા તૈયાર છીએ.’

અહેવાલ અને તસવીરો : બકુલેશ ત્રિવેદી