પોલીસ-ચોકીની સામે પણ હૉકર્સ

12 October, 2012 07:26 AM IST  | 

પોલીસ-ચોકીની સામે પણ હૉકર્સ



ગોરેગામ-ઈસ્ટમાં સ્ટેશનની આસપાસના ફેરિયાઓ એટલા માથાભારે છે કે રસ્તા અને સ્કાયવૉકની નીચેની પાર્કિંગની જગ્યા ઉપરાંત પોલીસ-ચોકીની સામેની જગ્યા પર પણ અડિંગો જમાવી દીધો છે અને તેનાથી જ આ ફેરિયાઓ પર પોલીસનો કેટલો કડપ છે એ દેખાઈ આવે છે.

સુધરાઈ અને પોલીસ સત્તાવાળાઓ દ્વારા ફેરિયાઓના દૂષણને ડામવા પ્રત્યે જે બેદરકારી દાખવવામાં આવે છે તેનાથી રહેવાસીઓમાં અત્યંત નારાજગી પ્રવર્તી રહી છે. ગોરેગાંવ પોલીસ-ચોકીની બહાર જે ફેરિયા બેઠા છે તેને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોવા છતાં સત્તાવાળાઓ એ પ્રત્યે આંખ આડા કાન કરે છે.

ગોરેગાંવના એક રહેવાસીએ કહ્યું હતું કે ફેરિયાઓ પોલીસ-સ્ટેશનની બહાર બેસવાની હિંમત કરે છે. પોલીસો તેમને કેવી રીતે અહીં બેસવા દઈ શકે? સાંજના સમયે તો આ વિસ્તારમાંથી ચાલવાનું મુશ્કેલ થઈ જાય છે. શું સત્તાવાળાઓ નાગરિકોની સમસ્યાથી અજાણ છે?’

ગોરેગાંવ રેલવે-સ્ટેશનની આસપાસનો વિસ્તાર પહેલેથી જ સંકડાશવાળો છે અને તેમાં આવી રીતે ગેરકાયદે બેસતા ફેરિયાને લીધે પરિસ્થિતિ અત્યંત વણસી ગઈ છે. આ ફેરિયા સ્ટેશને જવાનો રસ્તો બ્લૉક કરીને બેસી જાય છે. આ રોડ પણ આમ પહોળા તો છે જ નહીં. રાહદારીઓને સ્ટેશન સુધી પહોંચવા માટે રસ્તા પર પાર્કિંગ કરેલાં વાહનો અને ફેરિયાની વચ્ચેથી રસ્તો કાઢવો પડે છે. સુધરાઈની ગાડી આવે ત્યારે ફેરિયા ગુમ થઈ જાય છે, પણ આ રાહત માંડ અડધો-એક કલાકની જ હોય છે.

ગોરેગાંવ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર અરવિંદ પવારે કબૂલ કર્યું હતું કે ‘ગોરેગાંવ સ્ટેશન પરિસરમાં બેથી ૩ હજાર ફેરિયા છે. પોલીસ-ચોકીની સામે બેસતા ફેરિયાને અમે અનેક વખત ફાઇન કરીએ છીએ. ગેરકાયદે ફેરિયા પાસેથી ૧૨૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવે છે. અનેક વખત અમે પોતે સુધરાઈની વૅનને બોલાવીએ છીએ, પરંતુ આટલું કર્યા પછી પણ ફેરિયા પાછા આવી જાય છે. અમારી પાસે ફેરિયાને હટાવવા કરતાં વધુ મહત્વનાં બીજાં કામ પણ છે.’

બીજી તરફ સુધરાઈના એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટના એસ. સિંહે કહ્યું હતું કે ‘સુધરાઈ આટલી મોટી સમસ્યાનું નિવારણ એકલી લાવી શકે નહીં. પોલીસે સ્ટેશન પાસે બેસતા ફેરિયા સામે કાર્યવાહી કરવી જોઈએ. અમે અમારાથી બનતા પ્રયાસો કરીએ છીએ.’