કહેવું પડે...૬૦મા વર્ષે ૬૩ ટકા

17 July, 2020 08:46 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કહેવું પડે...૬૦મા વર્ષે ૬૩ ટકા

ભારતી સુરેશ સાવલા

‘કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી’ કહેવતને દહિસરનાં ૬૦ વર્ષનાં ભારતી સુરેશ સાવલાએ હકીકતમાં તબદિલ કરી છે. આ ઉંમરે તેમણે એચએસસીની પરીક્ષા આપી કૉમર્સ સ્ટ્રીમમાં ૬૩.૫૮ ટકા મેળવ્યા છે. સામાન્ય રીતે બાળકોનાં સારાં પરિણામ જોઈને માતા-પિતાની આંખમાં હર્ષનાં આંસુ આવી જાય છે, જ્યારે આજે ભારતીબહેનની અથાક મહેનત રંગ લાવી અને તેમણે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો ત્યારે મમ્મીની સફળતા જોઈને દીકરાઓની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં.
મૂળ કચ્છના ગોધરાના કવીઓ જ્ઞાતિનાં અને હાલ દહિસર-ઈસ્ટમાં નવનીત હૉસ્પિટલ પાછળના શાંતિનાથ દર્શનમાં રહેતાં ભારતીબહેને માતા બીમાર રહેતાં હોવાથી પરિવારની જવાબદારી આવી પડતાં ૧૯૭૮માં ૧૨મું અધવચ્ચે જ છોડી દીધું હતું. ત્યાર બાદ આગળ ન ભણી શક્યાં. લગ્નનાં થોડાં વર્ષોમાં જ પતિ સુરેશભાઈનું અવસાન થયું હતું. બહુ જ મહેનત કરીને પાંચમા ધોરણ સુધીનાં બાળકોનાં ટ્યુશન્સ લઈને ઘરનું ગુજરાન ચલાવ્યું અને બે દીકરાઓને ભણાવ્યા. એકને એન્જિનિયર બનાવ્યો અને બીજો એમબીએ થયો. બન્નેને પરણાવ્યા. મોટો દીકરો ધવલ બિઝનેસ કરે છે, જ્યારે નાનો સાગર જૉબ કરે છે. ભારતીબહેને તેમના વિશે જણાવતાં કહ્યું કે ‘મને નેચરોપથીમાં રસ છે અને એમાં આગળ વધવું છે, પણ કોર્સ કરવાનું નક્કી કર્યું ત્યારે ખબર પડી કે એને માટે મિનિમમ શિક્ષણ ૧૨મી પાસ હોવું જરૂરી છે. એથી ઘરમાં વાત કરી તો દીકરાઓએ કહ્યું કશો વાંધો નહીં, તું ૧૨માંની પરીક્ષા આપવાની તૈયારી કર.’
વર્ષોથી ઝઝૂમી છું અને એક વખત કોઈ પણ વસ્તુ નક્કી કરું કે આ કરવું છે તો એ માટે મહેનત પણ પૂરતી કરું. મેં ત્યાર બાદ નજીકની શૈલેન્દ્ર એજ્યુકેશન સોસાયટીમાંથી ૧૨માનું ફૉર્મ ભર્યું અને ભણવાનું શરૂ કર્યું. હું ગુજરાતી મીડિયમમાં વર્ષો પહેલાં ભણી હતી. જ્યારે હવે બધા સબ્જેકટની પરીક્ષા ઇંગ્લિશમાં આપવાની હતી, પણ ધીમે-ધીમે ભણતી ગઈ. દીકરા સાગરે સાયન્સ કરીને એન્જિનિયરિંગ કર્યું હતું છતાં એ પહેલાં પોતે મારી બુક્સ વાંચી લેતો અને ત્યાર બાદ મને ભણાવતો. મારી એક ફ્રેન્ડના પતિ પરેલમાં ક્લાસિસ ચલાવે છે તેમની પાસે પણ ક્યારેક જતી અને ગાઇડન્સ લેતી. મારી કેટલીક નણંદો છે તેમણે પણ મને બહુ સપોર્ટ કર્યો અને ભણવામાં મદદ કરી. આમ તૈયારી થતી ગઈ અને છેલ્લા દોઢથી બે મહિના રોજના પાંચથી છ કલાક અભ્યાસ કર્યો. મારી મહેનત જોઈને સાગરને ખાતરી હતી કે હું ફર્સ્ટ ક્લાસ લાવીશ. બન્ને પુત્રો, પુત્રવધૂઓ અને બધાના સપોર્ટથી અને સખત મહેનતથી આખરે સફળતા મળી, પણ હવે એવું નક્કી કર્યું છે કે નેચરોપથી તો કરીશ જ અને ગ્રૅજ્યુએશન પણ કરીશ.’
દીકરા સાગર સાવલાએ કહ્યું કે ‘મમ્મી ગુજરાતીમાં ભણી હતી એથી શરૂઆતમાં થોડી તકલીફ પડી, પણ ત્યાર બાદ તેણે સખત મહેનત કરી અને તૈયારી કરી. વર્ષોથી તેણે અમને ઉછેરવામાં પણ બહુ મહેનત કરી છે. તે જેકોઈ કામ હાથમાં લે એ પૂરા ડેડિકેશન સાથે કરે, મન દઈને કરે એથી એમાં તેને સફળતા મળે જ. પહેલાં તે એમ કહેતી કે ૧૨મી પાસ થઈ જાઉં તો પણ બસ મારે નેચરોપેથ કરવું છે એટલે પાસ થઈ જાઉં તો પણ બહુ. મેં કહ્યું કે ના તેં અત્યાર સુધી તારા સ્ટુડન્ટ્સને સારામાં સારા માર્ક આવે એ રીતે ભણાવ્યા છે તો તું પણ જો મહેનત કરશે તો ફર્સ્ટ ક્લાક લાવવો કાંઈ અઘરો નથી. એ પછી એ માટે અમે પ્રોપર પ્લાનિંગ કર્યું. કઈ રીતં ભણવું, કઈ રીતે પેપર સૉલ્વ કરવા, અઘરા વિષયો પર વધારે ધ્યાન આપ્યું અને વધુ સમય ફાળવ્યો. જેમ-જેમ એક્ઝામનો ટાઇમ નજીક આવતો ગયો ત્યારે અમને લાગ્યું કે શી વીલ અચીવ અને આજે તેણે ફર્સ્ટક્લાસ લાવી દેખાડ્યો. અમને અમારી મમ્મી પર ગર્વ છે.’

mumbai mumbai news