મેં જમીન પચાવી નથી, સરકાર કહે એ કિંમત આપવા તૈયાર છું : હેમા માલિની

02 February, 2016 05:15 AM IST  | 

મેં જમીન પચાવી નથી, સરકાર કહે એ કિંમત આપવા તૈયાર છું : હેમા માલિની



મથુરાનાં સંસદસભ્ય અને ગ્થ્ભ્નાં નેતા હેમા માલિનીને તેમની ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે પાણીના ભાવે જમીન આપવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઍક્ટ્રેસમાંથી રાજકારણી બનેલાં હેમા માલિનીએ ગઈ કાલે જણાવ્યું હતું કે મેં જમીન પચાવી પાડી નથી અને જમીનની ખરીદી વિશે હું સરકારી નિયમોનું પાલન કરીશ.

હેમા માલિનીના ચૅરિટી ટ્રસ્ટને ઓશિવરામાં માત્ર ૭૦,૦૦૦ રૂપિયામાં ૨૦૦૦ ચોરસ મીટર જમીન પાણીના ભાવે અને કોઈ પણ પ્રકારની યોગ્ય પ્રોસીજર અપનાવ્યા વિના આપી દેવામાં આવી છે એવા વિરોધ પક્ષ કૉન્ગ્રેસેના પ્રચારના પગલે ઍક્ટ્રેસે ગઈ કાલે મીડિયાને સંબોધન કર્યું હતું. શું-શું કહ્યું તેમણે આ સંબોધનમાં? વાંચો...

રાજકીય મુદ્દો ન બનાવો

મેં હજી સુધી જમીનની રકમ ચૂકવી નથી. હું સરકારના તમામ નિયમોનું પાલન કરીશ. શા માટે કિંમત માટે વિવાદ થવો જોઈએ જ્યારે મને પોતાને પણ જાણ નથી કે મારે કેટલાં નાણાં ચૂકવવાનાં છે? જમીનની જે કિંમત હોય એ ચૂકવવા હું તૈયાર છું. આ મુદ્દાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા માટે તમારો આભાર. મહેરબાની કરી આને રાજકીય મુદ્દો ન બનાવો. હું મુંબઈમાં રહું છું એથી મુંબઈમાં ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ખોલવાનો મારો અધિકાર છે. મને જાણ નથી શા માટે આટલો બધો હોબાળો કરવામાં આવે છે?

૨૦ વર્ષનો સંઘર્ષ

એવું નથી કે મને રાતોરાત સહેલાઈથી જમીન મળી ગઈ છે. આ જમીન મેળવવા માટે મેં ૨૦ વર્ષ સંઘર્ષ કર્યો છે. મને નાટ્યવિહાર કલા કેન્દ્ર ચૅરિટી ટ્રસ્ટ માટે ૨૦૦૦ ચોરસ મીટર જમીન મળી છે. અમે સૌપ્રથમ ૧૯૯૪માં કલેક્ટરને પત્ર લખી ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન ફાળવવા અરજી કરી હતી. ૧૯૯૬માં અમને જમીનનો અલૉટમેન્ટ અને મંજૂરીનો પત્ર મળ્યો હતો. ૨૦૦૨માં અમે વસોર્વાની જમીન માટે ૧૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ૨૦૦૨માં જ અમે અન્ય એક પ્લૉટની માગણી કરી હતી. ૨૦૧૨માં અમને જાણ થઈ હતી કે અમારી ઇન્સ્ટિટ્યૂટને વૈકલ્પિક રીતે ૨૦૦૦ ચોરસ મીટરની જમીન ફાળવવામાં આવી છે. ૨૦૧૩માં અમે તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને અમને જલદીથી જમીન આપવા વિનંતી કરી હતી. ત્યારથી આ પ્રસ્તાવ પડી રહ્યો હતો અને નવી સરકાર આવતાં અમે સરકારને વિનંતી કરી હતી કે અમારા જમીનના પ્રસ્તાવને વહેલી તકે પાસ કરવો. ૨૦૧૫માંં અમને પત્ર મળ્યો હતો.

સમાજને કંઈક આપવું છે

જે નૃત્યકળા હું શીખી છું એ શાસ્ત્રીય નૃત્ય મારે સમાજને શિખવાડવું છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં બાળકો સામેલ છે. ઇન્સ્ટિટ્યૂટમાં મારે તેમને ડાન્સ શિખવાડવા છે. ઇન્સ્ટિટ્યૂટની માલિકી મારી નથી; એ સમાજની માલિકીની સંસ્થા છે.