શું આવી છે રેલવેની ચોમાસા પહેલાંની તૈયારી?

29 July, 2021 10:53 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

વિક્રોલીમાં છાપરાં વગરનાં પ્લૅટફૉર્મ પર ઊભા-ઊભા ભીંજાઈ રહેલા લોકો પૂછી રહ્યા છે આવો સવાલ

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના અધિકારીઓએ કહ્યું છે કે અમે સમસ્યાની નોંધ લઈને છાપરાં લગાવવાનું કામ વહેલી તકે પૂરું કરવાની વ્યવસ્થા કરી છે.

ચોમાસાના આગમન પૂર્વે રેલવે તંત્ર અને ખાસ કરીને મધ્ય રેલવેએ મોટા-મોટા દાવા કર્યા હતા. મધ્ય રેલવેના અધિકારીઓએ પ્રસારમાધ્યમોને કહ્યું હતું કે વરસાદમાં ઉપનગરીય મુસાફરોને તકલીફ ન થાય એ માટે અમે આગોતરા ધોરણે ઘણી તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરી છે, પરંતુ વરસાદનું જોરદાર ઝાપટું આવતું હોય ત્યારે વિક્રોલી સ્ટેશનનાં છાપરાં વગરનાં પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ પર ઊભા રહીને ટ્રેનની રાહ જોતા લોકો રેલવે તંત્રના બધા દાવાને પોકળ ગણાવે છે. 
એક મુસાફર સુચેતા રાવ-યદગુલે રેલવે તંત્ર પર રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે ‘રેલવે તંત્રે વાસ્તવિક સ્થિતિ તપાસવા માટે ચોમાસું શરૂ થતાં પહેલાં તમામ સબર્બન સ્ટેશનો અને રેલવે પ્રૉપર્ટીનું સર્વેક્ષણ કરવું જોઈએ અને રેલવેની કઈ સુવિધાની શી સ્થિતિ છે એ જાણવું જોઈએ. ફક્ત ધારણાઓના આધારે હવામાં કામ કરવાનો કોઈ અર્થ નથી. ચોમાસાનો સૌથી આકરો ભાગ પસાર થઈ ચૂક્યો છે, પ્રવાસીઓ મુશ્કેલી ભોગવી ચૂક્યા છે. એમ છતાં હજી સુધી વિક્રોલી રેલવે સ્ટેશનનાં પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ ઉપર છાપરું આવ્યું નથી.’
મધ્ય રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘જાન્યુઆરી મહિનામાં નવો ફૂટઓવર બ્રિજ બાંધવા માટે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના કર્મચારીઓએ છાપરું હટાવ્યું હતું. જૂના સાંકડા બ્રિજને તોડીને નવો બ્રિજ બાંધવા ઉપરાંત સ્કાયવૉકનો વિસ્તારિત ભાગ પણ બંધાય છે. નવો બ્રિજ લગભગ બંધાઈ ગયો છે અને છાપરાંનો સપોર્ટ પણ ગોઠવાઈ ગયો છે, પરંતુ છાપરાં ગાયબ હોવાથી પબ્લિક પરેશાન છે.’ 
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેની સબર્બન સર્વિસના વિક્રોલી સ્ટેશન પર મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને નવો ફૂટઓવર બ્રિજ બાંધવા માટે પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણની ઉપરથી છાપરાં હટાવ્યાં હતાં. પ્લૅટફૉર્મ પર છાપરું ઢાંકવા માટેની માળખાકીય વ્યવસ્થા-સપોર્ટની જોગવાઈ થઈ ગઈ છે, પરંતુ ઉપર ગોઠવવા માટેનાં છાપરાં હજી સુધી મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન તરફથી પહોંચાડાયાં નથી. કામ પૂરું કરવાની છેલ્લી તારીખ ૧૫ ઑગસ્ટ ૨૦૨૧ છે.’ 
મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે સમસ્યાની નોંધ લઈને કામ વહેલી તકે પૂરું કરવાની વ્યવસ્થા કરી છે.

mumbai mumbai news mumbai railways rajendra aklekar