એક્ઝામ આપવા નીકળેલો ટીનેજર ઘરે પાછો નથી ફર્યો

08 November, 2012 12:18 PM IST  | 

એક્ઝામ આપવા નીકળેલો ટીનેજર ઘરે પાછો નથી ફર્યો



નાલાસોપારા (વેસ્ટ)માં વિની હાઇસ્ટ્સ નામના બિલ્ડિંગમાં રહેતો ૧૭ વર્ષનો ઔદીચ્ય ગઢવાલ બ્રાહણ સમાજનો હર્ષ ત્રિવેદી સોમવારે સવારે ૬ વાગ્યે ઘરેથી કૉલેજ જવા નીકળ્યો અને અત્યાર સુધી ઘરે નથી આવ્યો. હર્ષ કાંદિવલી (વેસ્ટ)ની સરદાર વલ્લભભાઈ પટેલ કૉલેજમાં ૧૧મા ધોરણમાં ભણે છે. તેની પરીક્ષા ચાલી રહી હતી અને સોમવારે તેની મમ્મીએ ૧૧ વાગ્યે ફોન પણ કર્યો હતો. તેણે પરીક્ષા સારી ગઈ હોવાનું કહ્યું હતું, પણ જ્યારે સ્કૂલમાં પરિવારજનોએ સંપર્ક કર્યો ત્યારે જાણ થઈ કે હર્ષે એ દિવસે એક્ઝામ જ નથી આપી. આ વિશે હર્ષનાં મમ્મી સંગીતા ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે હર્ષનું ત્રીજું પેપર મૅથ્સનું હતું. એ દિવસે મેં તેને ૧૧ વાગ્યાની આસપાસ ફોન કરીને પૂછ્યું હતું કે તારું પેપર કેવું ગયું તો તેણે મને હસતાં-હસતાં કહ્યું હતું કે સારું ગયું છે અને હું ઢોસા ખાઈ રહ્યો છું. ત્યાર બાદ તેનો ઘરે આવવાનો સમય થયો છતાંય તે ઘરે ન આવતાં અમે ભારે ચિંતામાં મુકાઈ ગયાં હતાં. અમે કૉલેજમાં જઈને તેમ જ તેના બધા મિત્રોના ઘરે જઈને પૂછપરછ કરી, પણ કોઈને હર્ષ વિશે કંઈ ખબર જ નહોતી.