પોલીસ-સ્ટેશનમાંથી હાનિકારક ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે બૂથ હટાવાશે

01 June, 2020 12:33 PM IST  |  Mumbai Desk | Shirish Vaktania

પોલીસ-સ્ટેશનમાંથી હાનિકારક ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે બૂથ હટાવાશે

સ્પ્રે બૂથ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માનવી પર ડિસઇન્ફેક્ટન્ટ્સનો સ્પ્રે કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે કે રસાયણો શારીરિક અને માનસિક એમ બન્ને રીતે હાનિ પહોંચાડી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં ઘણા પોલીસ-સ્ટાફે બીએમસીના આરોગ્ય વિભાગને પોલીસ-સ્ટેશનોમાં ગોઠવવામાં આવેલાં સૅનિટાઇઝિંગ સ્પ્રે મશીનો બાબતે ફરિયાદ કરી હતી. ફરિયાદ ઊઠ્યા બાદ પોલીસ અધિકારીઓએ મશીનનો વપરાશ બંધ કરી દીધો છે.
ઍડ્વાઇઝરી મુજબ માનવ પર ક્લોરિનનો છંટકાવ કરવાથી આંખ અને ચામડીમાં બળતરા થઈ શકે છે તેમ જ ઊબકા અને ઊલટી જેવી તકલીફ થઈ શકે છે. સોડિયમ હાઇપોક્લોરાઇટ શ્વાસમાં જવાથી શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે.
જ્યારે કોવિડ-19 મહામારીએ માથું ઊંચક્યું ત્યારે મનપા તથા એનજીઓ દ્વારા પોલીસ-સ્ટેશનોમાં સ્પ્રે મશીનો ગોઠવવામાં આવ્યાં હતાં. પોલીસ-સ્ટેશનમાં પ્રવેશનાર કર્મચારીએ સૌપ્રથમ ક્યુબિકલમાં પ્રવેશવું પડતું હતું, જ્યાં મશીન તેમના પર ડિસઇન્ફેક્ટન્ટનો છંટકાવ કરે છે.
કસ્તુરબા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નામદેવ શિંદેએ જણાવ્યું હતું કે ‘અમે અમારા સ્ટાફની સુરક્ષા માટે આ મશીન ગોઠવ્યાં હતાં, પરંતુ એનો છંટકાવ જોખમી છે એમ અમને જણાવવામાં આવ્યું છે. હવે અમે સ્પ્રે મશીનોનો ઉપયોગ કરતા નથી અને શક્ય એટલા વહેલાં એ મશીનને હટાવી દઈશું.’
એક પોલીસ-કૉન્સ્ટેબલે નામ ન જણાવવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અગાઉ અમને સ્પ્રે મશીનમાંથી થતો છંટકાવ ઘણો સારો લાગતો હતો. એવું લાગતું હતું જાણે અમે સ્નાન કરી રહ્યા છીએ અને તરોતાજા થઈ ગયા છીએ, પરંતુ સતત બે-ત્રણ દિવસ વપરાશ કર્યા બાદ એનાં રીઍક્શન આવવાનું શરૂ થયું હતું. એને કારણે અમારી આંખમાં બળતરા થતી હતી અને ઊલટી પણ થતી હતી. ત્યાર પછી અમે એનો ઉપયોગ બંધ કરી દીધો અને પોલીસ-સ્ટેશનમાં અમારા સિનિયર અધિકારીઓને એ વિશે જાણ કરી હતી.’

mumbai news mumbai shirish vaktania mumbai police