હાજી અલી દરગાહમાં આખરે મહિલાઓને પ્રવેશ અપાશે

25 October, 2016 03:38 AM IST  | 

હાજી અલી દરગાહમાં આખરે મહિલાઓને પ્રવેશ અપાશે



પુરુષોની જેમ મહિલાઓને પણ હાજી અલી દરગાહની મઝારમાં પ્રવેશ આપવામાં આવશે એવું હાજી અલી દરગાહ ટ્રસ્ટે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. ટ્રસ્ટે એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી બદલાવ કરવા ચાર અઠવાડિયાંનો સમય માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને આ સમય આપ્યો હતો અને આમ બૉમ્બે હાઈ કોર્ટ વિરુદ્ધ ટ્રસ્ટની અપીલનો નિકાલ આવી ગયો હતો.

મહિલા અને પુરુષ બન્ને દરગાહમાં બંદગી કરી શકશે પણ મઝારને સ્પર્શ કરવાની કોઈને છૂટ નહીં અપાય.

ટ્રસ્ટના સિનિયર કાઉન્સેલ ગોપાલ સુબ્રમણ્યમે કહ્યું હતું કે દરગાહ ટ્રસ્ટ દ્વારા એક સોગંદનામું ફાઇલ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને દરગાહમાં મુખ્ય સ્થાન પર પ્રવેશ આપવામાં આવશે આવી બાંયધરી આપવામાં આવી હતી.

આ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આશા દર્શાવી હતી કે હાઈ કોર્ટના આદેશનો વિરોધ કરનારું ટ્રસ્ટ પ્રગતિવાદી રૂખ અપનાવે તો સારું.