હવે વીક-એન્ડમાં કરો હેરિટેજ વૉક

29 November, 2022 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાફકિન ઇન્સ્ટિટ્યૂટની વૉકનું આયોજન કરવામાં આવ્યું છે

ફાઇલ તસવીર

યુનેસ્કો દ્વારા એશિયા સ્પેસિફિક અવૉર્ડ્સ ફૉર કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન ૨૦૨૨માં  મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલ (મ્યુઝિયમ)ને સર્વોચ્ચ એક્સલન્સનો અવૉર્ડ અને ભાયખલા સ્ટેશનને મેરિટ અવૉર્ડ મળ્યો છે ત્યારે હવે રાજ્યના ડિરેક્ટરેટ ઑફ ટૂરિઝમ (ડૉટ) દ્વારા મુંબઈગરા અને દેશના સહેલાણીઓને મુંબઈના ભવ્ય વારસા અને હેરિટેજ ઇમારતો અને એના ઇતિહાસની ઝાંખી કરાવતી ટૂરનું આયોજન કરાઈ રહ્યું છે. બૉમ્બે હાઈ કોર્ટ હેરિટેજ વૉકના સફળ આયોજન બાદ હવે મુંબઈની દેશભરમાં જાણીતી એવી હાફકિન ઇન્સ્ટિટ્યૂટના વીક-ઍન્ડ વૉકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશે માહિતી આપતાં ‘ડૉટ’નાં પ્રવક્તા ઇન્દિરા ઠાકુરે કહ્યું હતું કે ‘સહેલાણીઓ શનિ–રવિવારે આ ટૂરનો આનંદ લઈ શકશે. એમાં જ્ઞાનની સાથે ગમ્મતને આવરી લેવાશે. એક કલાકની આ હેરિટેજ વૉકમાં ગાઇડ પણ સાથે હશે, જે એના સ્થાપત્યની સાથે-સાથે એની વિશેષતાઓ અને ખૂબીઓ પણ દર્શાવશે. બુક માય શો પર પણ એની ટિકિટ મળશે.’

૧૮૫૯માં સ્થપાયેલી દેશની સૌથી જૂની બાયો મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગણાતી હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં અસરકારક દવાઓ બનાવવા સંદર્ભે ટ્રેઇનિંગ, રિસર્ચ અને ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. પ્લેગની રસી શોધનાર વાલ્દમેર મોર્દેકાઇ હાફકિનના નામ પરથી એનું નામ રાખવામાં આવ્યું છે. વર્ષો જતાં હવે ઇન્સ્ટિટ્યૂટમાં અનેક ચેપી રોગોની રસીઓ સંદર્ભે રિસર્ચ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્રના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કામ કરે છે.

‘ડૉટ’ના ડિરેક્ટર ડૉ. બી. એન. પાટીલે હાફકિનની વીક-એન્ડ વૉક બાબતે જણાવ્યું હતું કે ‘અમે આ ટૂર દ્વારા વિજ્ઞાન અને કળાનો કઈ રીતે સંગમ થઈ શકે એ જણાવવા માગીએ છીએ. એ અંતર્ગત સહેલાણીઓ એના ભવ્ય એવા સ્થાપત્યને તો જોઈ જ શકશે, સાથે-સાથે ઇન્સ્ટિટ્યૂટના કામ અને અને અચીવમેન્ટ સંદર્ભે પણ માહિતી મેળવી શકશે.’ 

mumbai mumbai news chhatrapati shivaji terminus