કચરાએ કરાવ્યો કજિયો

19 October, 2011 09:08 PM IST  | 

કચરાએ કરાવ્યો કજિયો

 

 

(માલીવા રિબેલો)

મુંબઈ, તા. ૧૯


ઘાટકોપરમાં ગુટકા ખાઈને એનું પૅકેટ નાખનારા ને પછી થૂંકનારાઓને ફાઇન ભરવાનું કહેવામાં આવતાં તેમણે સુધરાઈના ક્લીનિંગ અધિકારીઓને માર્યા

આ જગ્યાએ ફરજ પર હાજર મહાનગરપાલિકાની ક્લીન-અપ બ્રિગેડના સભ્યો સમીર ખાન, કિરણ જાફર અને મોહસિન ખાન તેમની પાસે આવ્યા હતા અને દંડ ભરવા જણાવ્યું હતું. આને કારણે મોટો વિવાદ થયો હતો અને સામસામે મારામારીની ઘટના નોંધાઈ હતી. પબ્લિકે પણ તેમને ચેઇનચોર સમજીને માર્યા હતા. આ મુદ્દે વાત કરતાં મોહસિન ખાને કહ્યું હતું કે ‘અમે તેમની પાસે જઈને કચરો કરવા બદલ ૨૦૦ રૂપિયા અને પિચકારી મારવા બદલ ૨૦૦ રૂપિયા દંડ ભરવા જણાવ્યું હતું. આ સાંભળીને તેઓ ગુસ્સે થયા હતા અને દલીલ કરીને દંડ ભરવાની ના પાડવા લાગ્યા હતા. શંકર યાદવ ગુસ્સે થઈ જતાં તેણે પોતાનો બેલ્ટ કાઢીને એનાથી અમને મારવાનું શરૂ કરી દીધું હતું. ગનીન પ્રજાપતિએ પણ મુક્કા અને લાત મારીને તેને સાથ આપ્યો હતો. અમારી વચ્ચે ઝઘડો થઈ જતાં લોકો ભેગા થઈ ગયા હતા અને અમને અલગ કરવાના પ્રયાસ કરવા લાગ્યા હતા. જોકે શંકરનું વર્તન બહુ હિંસક હોવાથી પોલીસફરિયાદ કરવા માટે તેને ઘાટકોપર (વેસ્ટ)ની બીટ-ચોકીમાં લઈ ગયા હતા.’

શંકર યાદવે આ ઘટનાની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે એ વાત સાચી છે કે મેં કચરો ફેંકીને દંડ ભરવાની ના પાડી હતી, પણ માર મારવાની શરૂઆત તેમણે પહેલાં કરી હતી અને અમે તો માત્ર પ્રતિભાવ જ આપ્યો હતો. જોકે ઘટનાસ્થળે હાજર રહેલા હીરેન ઝાએ સ્પષ્ટ શબ્દોમાં શંકર યાદવના દાવાને ખોટા ગણાવતાં કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાના ક્લીન-અપ અધિકારીઓને મારવાની શરૂઆત શંકર યાદવે જ કરી હતી. આ ઘટના બની ત્યારે ઘાટકોપર (વેસ્ટ)ની બીટ-ચોકીના પોલીસ-અધિકારીઓ મુલુંડ ચેકનાકા પર એક બંદોબસ્તમાં વ્યસ્ત હતા. ત્યાર બાદ શંકર યાદવ વિરુદ્ધ પોલીસફરિયાદ નોંધાવવા માટે તેને ચિરાગનગર પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે પછી બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતાં કેસ નોંધવામાં આવ્યો નહોતો.’ થૂંકવું પસંદ, દંડ ભરવાનું નહીં

મહાનગરપાલિકાનો ક્લીન-અપ પ્રયાસ એક સારી શરૂઆત છે એમ જણાવીને ફારુક સિદ્દીકી નામના સ્થાનિક રહેવાસીએ આ ઘટનાક્રમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘લોકોને રોડ પર કચરો નાખવાનું અને થૂંકવાનું પસંદ છે, પણ દંડ ભરવાનું નહીં. ઘાટકોપરમાં આ કામ સાથે સંકળાયેલા લોકોએ ઘણી વાર ધમકીનો સામનો કરવો પડે છે. તેમને પાસે કોઈ પ્રોટેક્શન નથી હોતું અને ઘણી વાર મારામારી પણ થાય છે. મોટા ભાગના કિસ્સાઓની તો એની નોંધ પણ નથી લેવાતી.’

કામ સારું, પ્રોટેક્શન નહીં

લોકો કચરો નાખીને કે થૂંકીને દંડ ભરવાની ના પાડે એ અહીં બહુ સ્વાભાવિક છે એમ જણાવીને ઘાટકોપરમાં જ રહેતા તુષાર શાહે પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે ‘કેટલીક વાર સુધરાઈના ક્લીન-અપ અધિકારીઓ એટલા કંટાળી જાય છે કે તેઓ માર ખાવા કરતાં આંખ આડા કાન કરવાનું વધારે પસંદ કરે છે. તેઓ સારું કામ કરે છે, પણ તેમને કોઈ પ્રોટેક્શન નથી મળતું.’

સુધરાઈનું શું કહેવું છે?

મહાનગપાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના ચીફ ઇજનેર ભાલચંદ્ર પાટીલે કહ્યું  હતું કે ‘મને આ ઘટનાની ખબર નથી અને ઘાટકોપરના ક્લીન-અપના ઇન્ચાર્જ વિશે પણ માહિતી આપી શકું એમ નથી, કારણ કે અમે આ કામ પ્રાઇવેટ કંપનીઓને આઉટસોર્સિંગથી સોંપી દીધું છે.’