દહિસર ચેકનાકા પાસે ટ્રકમાંથી બે લાખ રૂપિયાના ગુટકા પકડાયા

29 December, 2012 07:24 AM IST  | 

દહિસર ચેકનાકા પાસે ટ્રકમાંથી બે લાખ રૂપિયાના ગુટકા પકડાયા

આ ગુટકા એક ટેમ્પોમાં મમરા ભરેલા કોથળામાં છુપાવીને સપ્લાય કરવામાં આવવાના હતા. દહિસર પોલીસે આ સંદર્ભે આ ટ્રકના ૨૯ વર્ષના ડ્રાઇવર મોહમ્મદ ઇકબાલની ગુટકા સહિત રંગેહાથ ધરપકડ કરી હતી. આરોપી મોહમ્મદ ઇકબાલને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરી તેને ૩૧ ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અન્સાર પીરજાદેએ કહ્યું હતું કે ‘આરોપી ટ્રક-ડ્રાઇવર મોહમ્મદ ઇકબાલ મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં રહે છે. અમને મળેલી માહિતીના આધારે અમે છટકું ગોઠવી નાકાબંધી વખતે ટ્રકનું ચેકિંગ કર્યું ત્યારે ટ્રકમાં મમરા ભરેલા ૧૦-૧૫ કોથળા મળી આવ્યા હતા. અમને શંકા જતાં અમે વધુ ચેકિંગ કર્યું ત્યારે એક કોથળામાં રાખેલી પીળા રંગની એક બૅગમાંથી અમને લગભગ બે લાખ રૂપિયાના ગુટકા મળ્યાં હતા.’

ન્યુ યર નજીક આવ્યું હોવાથી ગુટકા તથા નશીલા પદાથોર્ ટ્રકમાં કે અન્ય વાહનો દ્વારા કોથળામાં છુપાવીને મુંબઈમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘તહેવારોમાં ગુટકાની ડિમાન્ડ વધવાથી એની સપ્લાય પણ વધારી દેવામાં આવી છે. આ ગુટકા તથા નશીલા પદાથોર્ સીધા કસ્ટમરોના અમુક અડ્ડાઓ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી કસ્ટમરોને મોંઘા ભાવે વેચવામાં આવે છે.’