હવે પબ અને બારની બહાર ગુટકા વેચતા ફેરિયાઓ પર આવશે તવાઈ

29 July, 2012 04:21 AM IST  | 

હવે પબ અને બારની બહાર ગુટકા વેચતા ફેરિયાઓ પર આવશે તવાઈ

રાજ્ય સરકારે ૨૦ જુલાઈએ આખા રાજ્યમાં ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જાહેર કર્યા બાદ એનું બરાબર પાલન થાય છે કે નહીં એ ચેક કરવા માટે એફડીએ દ્વારા શહેરના અનેક રીટેલ સ્ટોર પર રેઇડ પાડવામાં આવી હતી. રીટેલ સ્ટોર પરની રેઇડના આ રાઉન્ડ બાદ હવે તેઓ ટૂંક સમયમાં શહેરના બાર અને પબ પર રેઇડ પાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, કારણ કે ડિપાર્ટમેન્ટને લાગે છે કે આ જગ્યાની બહાર ગુટકા વેચાતા હોવાની મહત્તમ શક્યતા છે. આ મુદ્દે વાત કરતાં એફડીએના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ગુટકાનું વેચાણ કરતા લોકો પબ અને બારની બહાર સાઇકલ પર ચા અને કૉફીનું વેચાણ કરતા જોવા મળ્યાં છે. તેઓ ચા અને કૉફીની સાથે ગુટકા અને સિગારેટનાં પૅકેટનું પણ વેચાણ કરે છે. એફડીએ દ્વારા પહેલા રાઉન્ડમાં રીટેલ સ્ટોરમાંથી પ્રતિબંધિત ઉત્પાદનો દૂર કર્યા બાદ હવે બીજા રાઉન્ડમાં પબ અને બારની બહાર જોવા મળતા ફેરિયાઓ પાસેથી આ ઉત્પાદનોનું વેચાણ બંધ કરાવવામાં આવશે.’

જો આંકડાઓ પર નજર કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ૨૦ જુલાઈએ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો ત્યાર બાદ છેલ્લા પાંચ દિવસમાં એફડીએ દ્વારા શહેરના પાંચ વિસ્તારોમાં લગભગ ૧૨૯ જગ્યા પર રેઇડ પાડવામાં આવી છે. એફડીએના જૉઇન્ટ કમિશનર સુરેશ દેશમુખે કહ્યું હતું કે આ ૧૨૯ જગ્યામાંથી માત્ર ચાર જગ્યાએ પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા હતા જેની કિંમત ૪,૩૬,૧૭૫ રૂપિયા જેટલી થાય છે.

એફડીએ દ્વારા ઘાટકોપરના એક વેપારીના ઘરમાંથી ૧.૨૦ લાખ રૂપિયાનાં ગુટકાનાં પૅકેટ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ વેપારી સાઇકલ પર ગુટકાનું વેચાણ કરતો હતો અને તેણે ગુટકાનો મોટો જથ્થો પોતાના ઘરમાં કરી રાખ્યો હતો. પોતાના વિભાગના ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં સુરેશ દેશમુખે કહ્યું હતું કે ‘હવે ફૂડ સેફ્ટી ઑફિસરોનો નેક્સ્ટ ટાર્ગેટ હશે રેસ્ટોરાં, બાર અને પબની બહાર ગુટકા વેચવા ફરતા ફેરિયાઓ. હાલમાં અમે ઘાટકોપર, છત્રપતિ શિવાજી ટર્મિનસ, બાંદરા, જુહુ અને ઘાટકોપર જેવી પાંચ જગ્યા પર રેઇડ પાડી ચૂક્યા છીએ. હવે પબ અને બારની બહાર ફરતા ફેરિયાઓ પર જાપ્તો રાખવાના છીએ.’

એફડીએ =  ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન

શું છે આ કાયદો?

રાજ્યમાં ગુટકા અને પાનમસાલા પરનો પ્રતિબંધ કડક રીતે લાગુ પાડવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન મિનિસ્ટ્રી દ્વારા ગયા અઠવાડિયે બૉમ્બે હાઈ કોર્ટમાં કેવિઍટ દાખલ કરવામાં આવી હતી. આ કેવિઍટ દાખલ કર્યા બાદ ૨૦ જુલાઈએ મિનિસ્ટ્રીએ પ્રસ્તાવ પાસ કરીને રાજ્યમાં એક વર્ષ સુધી ગુટકા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

રાજ્યમાંથી ૬૩ લાખ રૂપિયાના ગુટકા જપ્ત

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આખા રાજ્યમાં રેઇડ પાડીને અંદાજે ૬૩ લાખ રૂપિયાના ગુટકા અને પાનમસાલા જપ્ત કર્યા છે. ૨૦ જુલાઈએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગુટકા અને પાનમસાલા પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જે જગ્યાએ આ નિયમનું પાલન ન કરવામાં આવતું હોય ત્યાં રેઇડ પાડીને ગુટકા અને પાનમસાલા જપ્ત કરી લીધા હતા.