વસઈની ૧૮ લાખની લૂંટમાં પકડાયેલા પાંચમાં ગુજરાતનો કૉન્સ્ટેબલ સામેલ

17 November, 2012 06:21 AM IST  | 

વસઈની ૧૮ લાખની લૂંટમાં પકડાયેલા પાંચમાં ગુજરાતનો કૉન્સ્ટેબલ સામેલ


એમાંથી એક આરોપી ગુજરાત પોલીસમાં કૉન્સ્ટેબલ છે. માણિકપુર પોલીસ બીજા આરોપીઓની તપાસ કરી રહી છે. વસઈ (વેસ્ટ)ના આનંદનગરમાં પૅલેસ નદીમ નામના બિલ્ડિંગના પહેલા માળે રહેતા અબ્દુલ આઝમીના ઘરે બીજી નવેમ્બરે ૧૮ લાખ રૂપિયાના સોનાના દાગીના અને ત્રણ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી. આ કેસની તપાસમાં પોલીસે મનોહર મીના નામના ગુજરાત પોલીસના એક કૉન્સ્ટેબલની અટક કરી છે. ચોરીના કેસમાં માણિકપુર પોલીસે પાંચ આરોપીઓની અટક કરી હતી જેમાં તે પણ સામેલ છે એમ ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ સંગ્રામસિંહ નિશાનદારે જણાવ્યું હતું. પોલીસે બિલ્ડિંગના વૉચમૅન મીનરાજ જોશી અને તેના બીજા સાથીદારોની મથુરા અને આગ્રામાંથી અટક કરી છે. પોલીસને વૉચમૅનની કૅબિનમાંથી ઘરમાં ચોરી કરવા ઉપયોગમાં લેવાતો સામાન અને ઘરના માલિકનો પાસપોર્ટ મળી આવ્યા હતા. આ કેસના બાકીના આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓને ર્કોટે આવતી કાલ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.