શરીરે પહેરેલા સાડાસાત તોલાના દાગીનાને લીધે કિડનૅપ થઈ આ મહિલા?

26 August, 2012 03:01 AM IST  | 

શરીરે પહેરેલા સાડાસાત તોલાના દાગીનાને લીધે કિડનૅપ થઈ આ મહિલા?

વિકાસ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે એ બહેને લાખો રૂપિયાનાં ઘરેણાં પહેર્યા હતાં અને તેઓ ઇન્ટરસિટી ટ્રેનમાં બોરીવલી સ્ટેશન પર ઊતર્યા હતાં. પુષ્પાબહેનના પરિવારજનોનું કહેવું છે કે તેઓ ગુમ નથી થયાં, પરંતુ કદાચ તેમણે પહેરેલા દાગીનાને કારણે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.

 

‘મિડ-ડે’ને ફોન કરીને જાણકારી આપનારા નવસારીના રહેવાસી વિકાસ શાહે કહ્યું હતું કે ‘મારી નવસારીમાં રેડીમેડ કપડાંની દુકાન છે અને હું દર અઠવાડિયે સામાનની ખરીદી કરવા મુંબઈ આવું છું. ૧૦ ઑગસ્ટે મુંબઈ આવવા મેં નવસારીથી સાંજના સાડાચાર વાગ્યે ઇન્ટરસિટી ટ્રેન પકડી એ વખતે આ બહેન મારી સામેની સિંગલ સીટ પર બેઠાં હતાં. મેં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ તેઓ કોઈ સાથે વાત કર્યા વિના ચૂપચાપ બેસી રહ્યાં હતાં. ટ્રેનમાં અન્ય મહિલાઓ પણ હતી, પણ તેમણે કોઈની સાથે વાત નહોતી કરી. ટ્રેન વલસાડ પહોંચી ત્યારે આ બહેનને કોઈનો ફોન આવ્યો હતો અને તેઓ વલસાડ પહોંચ્યાં છે એમ ફોન પર કોઈને કહ્યું હતું. આ બહેન મુંબઈનાં જાણીતાં લાગતાં નજરે આવતાં હતાં, કારણ કે જ્યારે હું બોરીવલી ઊતયોર્ એ વખતે તેઓ પણ મારી સાથે જ બોરીવલી ઊતર્યા હતાં અને કોઈને પણ પૂછ્યા વગર તેમણે ચર્ચગેટ જતી લોકલ ટ્રેન પકડી હતી. મને દાદર જવું હતું એટલે મેં પણ આ જ લોકલ ટ્રેન પકડી હતી. આ બહેનને મેં અંધેરી સ્ટેશન પર ઊતરતાં જોયાં હતાં. જોકે તેઓ ઘણાં ખુશ દેખાઈ રહ્યાં હતાં. તેમણે લાખો રૂપિયાનાં ઘરેણાં પહેર્યા હતાં જે લોકોની નજરમાં આવી રહ્યાં હતાં.’

ગુમ થયેલાં પુષ્પાબહેનના પુત્ર નિરંજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી ઘરેથી મુંબઈ જવા નીકળ્યાં એ વખતે તેમણે લગભગ સાડાસાત તોલા દાગીના પર્હેયા હતા. તેમણે મંગળસૂત્ર, સોનાની બંગડીઓ વગેરે પહેર્યા હતાં. કદાચ તેમણે પહેરેલાં ઘરેણાંને કારણે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.’