ગુજરાતી મહિલાનો હત્યારો ૨૦ વર્ષે પકડાયો

17 October, 2020 10:18 AM IST  |  Mumbai | Mumbai correspondent

ગુજરાતી મહિલાનો હત્યારો ૨૦ વર્ષે પકડાયો

ગુજરાતી મહિલાનો હત્યારો ૨૦ વર્ષે પકડાયો

થાણેમાં એક મહિલાની હત્યા કરવાના મામલામાં બે સુપારી કિલર ૨૦ વર્ષે પોલીસને હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સુપારી આપનારા પતિને પોલીસે ત્યારે જ ઝડપી લીધો હતો, પરંતુ હત્યારાઓ પલાયન થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ થાણેમાં વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહેતી કુંદા રાવલ નામની મહિલાની ૧૮ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ હત્યા કરી દેવાઈ હતી. હત્યા પતિએ કરાવી હોવાની શંકાને આધારે પોલીસે એ સમયે મૃતક મહિલાના પતિ કુંદનની ધરપકડ કરી હતી, પરંતુ તેણે જેમને સુપારી આપી હતી એ શંભુ રાવલ અને સુરેશ નાવી પલાયન થઈ ગયા હતા.
થાણે ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-૧ના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુપારી લઈને કુંદા રાવલ નામની મહિલાની હત્યા કરીને ફરાર થઈ ગયેલા બેમાંથી એક આરોપી મહેસાણામાં છુપાયો હોવાની બાતમી મળ્યા બાદ અમે શંભુ રાવલ નામના આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણ થઈ હતી કે તેનો સાથી હત્યારો સુરેશ નાવી ૨૦૧૫માં મૃત્યુ પામ્યો છે. બે દશક પહેલાના કેસમાં એક આરોપી હાથ લાગ્યો હોવાથી હવે આ કેસ ફરી ઓપન કરાશે.’
ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની સાલમાં થાણેના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં કુંદા રાવલ નામની મહિલાની હત્યાનો કેસ નોંધાયા બાદ આ હત્યા પતિએ જ સુપારી આપીને કરાવી હોવાનું જણાયું હતું. પતિની ધરપકડ કરાઈ હતી, પરંતુ સુપારી કિલરો ફરાર થઈ ગયા હતા. પોલીસે બન્ને આરોપીને પકડવા માટે અનેક વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો પત્તો નહોતો લાગતો. જોકે તાજેતરમાં શંભુ રાવલ નામનો આરોપી મહેસાણામાં રહેતો હોવાની માહિતી મળ્યા બાદ બાતમીદારોની મદદથી તેને ઝડપી લેવાયો હતો.

mumbai mumbai news Crime News