બનાવટી સોનું ગીરવી મૂકીને લોન અપાવનારી ગુજરાતીએ વધુ એક બૅન્ક સાથે કરી છેતરપિંડી

09 January, 2023 10:12 AM IST  |  Mumbai | Mehul Jethva

મૂડી અને વ્યાજ પાછું ન મળતાં બૅન્કે દાગીના વેચવા કાઢ્યા ત્યારે આ વાતની જાણ થઈ : સાત લોકો વિરુદ્ધ મલાડ પોલીસે નોંધી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

મલાડ મૉડલ કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડમાં વૅલ્યુઅરની મદદથી છ લોકોએ ખોટા દાગીના રાખી એની સામે ૫૩ લાખ રૂપિયાની લોન લીધી હતી. ત્યાર પછી બૅન્કને પોતાની મૂડી અને વ્યાજ પાછું ન મળતાં બૅન્કે દાગીના વેચવા કાઢ્યા ત્યારે તમામ દાગીના ખોટા હોવાની જાણ થઈ હતી. એટલે બૅન્ક દ્વારા મલાડ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનામાં વૅલ્યુઅર આરોપી મહિલાએ કાંદિવલીમાં આઇસીઆઇસીઆઇ બૅન્કમાં પણ ૨૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો અહેવાલ ‘મિડ-ડે’માં થોડા સમય પહેલાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

મલાડમાં ટૅન્ક રોડ પર આવેલી મૉડલ કો-ઑપરેટિવ બૅન્કના બ્રાન્ચ મૅનેજર સાવિયો મોન્ટેરોએ કરેલી ફરિયાદ અનુસાર બૅન્કમાં ગિરવી રાખવા માટે આવતા દાગીનાઓની તપાસ અને એનું મૂલ્યાંકન કરવા માટે બૅન્ક દ્વારા મીરા રોડમાં રહેતી સપના ભટ્ટ નામની વૅલ્યુઅર રાખવામાં આવી હતી. દરમ્યાન ચોથી માર્ચથી ૧૭ નવેમ્બર સુધીમાં વૅલ્યુઅર સપનાએ મોહમ્મદ સેફી, અરવિંદ દવે, ઓલવિન દવે, સોનલ શ્રૃંગારપુરે, વીણા દવે, સબીના સૈફી આ તમામે લાવેલા દાગીનાઓની તપાસ કરી એ તમામ સાચા હોવાનું કહીને એની સામે ૫૩ લાખ રૂપિયાની લોન આપવા બૅન્કને કહ્યું હતું. એ પછી આ તમામે બૅન્ક પાસેથી લીધેલા પૈસાનું વ્યાજ અને મુદ્દલ ન ચૂકવતાં બૅન્કે લીગલ ઍક્શન લઈને તમામ દાગીના ૨૦૨૨ની ૨૧ ઑક્ટોબરે વેચવા કાઢ્યા ત્યારે તમામ દાગીના ખોટા હોવાની જાણ થઈ હતી. બૅન્ક સાથે થયેલી છેતરપિંડી મોટા પ્રમાણમાં હોવાથી મલાડ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મલાડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપી મહિલા પર આ પહેલાં પણ આવા કેસ હોવાનું અમારી પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.’

mumbai mumbai news Crime News mumbai crime news malad mehul jethva