ઘાટકોપરના લેડીઝ બારમાં અશ્લીલ ચેનચાળાના આરોપસર ગુજરાતી વેપારીઓની ધરપકડ

11 January, 2021 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના લેડીઝ બારમાં અશ્લીલ ચેનચાળાના આરોપસર ગુજરાતી વેપારીઓની ધરપકડ

ઘાટકોપર-ઈસ્ટમાં ૯૦ ફીટ રોડ પર આવેલા એક લેડીઝ ડાન્સબારમાં મુંબઈ પોલીસની સોશ્યલ સર્વિસ બ્રાન્ચે શનિવારે રાતે છાપો મારી ૨૬ ગ્રાહક સહિત ૩૫ લોકોની ધરપકડ કરી છે. ૨૬ ગ્રાહકોમાંથી આશરે ૧૬ જણ ગુજરાતી વેપારી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તમામને કોર્ટમાં હાજર કરાતાં તેમને આજ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

સરકારે આપેલા કોરોના નિયમોનો ભંગ, જાહેરમાં અશ્લીલ ચેનચાળા અને પ્રોટેક્શન ઑફ ‌વિમેન્સ ડિગ્નિટી ઍક્ટ ૨૦૧૬નું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈ પોલીસના સોશ્યલ સર્વિસ વિભાગે શનિવારે રાતે ઘાટકોપર-ઈસ્ટમાં આવેલા ગુઠુ બારમાં છાપો માર્યો હતો, જેમાં અનેક બારબાળાઓ અને તેઓ પર પૈસા ઉડાડતા ગુજરાતી વેપારીઓ મળી આવ્યા હતા.

પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુહાસ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ સર્વિસ વિભાગ પાસે સરકારના નિયમોને ભંગ કરતા અનેક વિડિયો એવિડન્સ આવ્યા હતા, જેના આધારે તેઓએ છાપો માર્યો હતો. ધરપકડ કરેલા લોકોમાં અનેક ગુજરાતી વેપારીઓ છે. તેઓને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બારબાળાઓને સુધારગૃહમાં મોકલી અપાઈ છે. એ સાથે બારમાં વાગતી સાઉન્ડ સિસ્ટમ પણ અમે જપ્ત કરી છે.’

mumbai mumbai news ghatkopar