કમલેશ મોતાની વિદાયઃ સર, દોસ્ત, ગુરુ અને પ્રોત્સાહનના પૂંજ ભૂલાશે નહીં

06 October, 2020 02:25 PM IST  |  Mumbai | Chirantana Bhatt

કમલેશ મોતાની વિદાયઃ સર, દોસ્ત, ગુરુ અને પ્રોત્સાહનના પૂંજ ભૂલાશે નહીં

કમલેશ મોતા

કમલેશ મોતા... મોટેભાગે કેઝ્યુઅલ કહી શકાય તેવાં કપડાંમાં હોય. ફ્રેન્ચ કટ દાઢી, માથે ચકચકતી ટાલ અને મોઢા પર હાસ્યનું કાયમી એક્સપ્રેશન. હવે એ નથી. વહેલીસવારના ફોન કૉલ્સ અને મેસેજીઝ પછી પણ હજી આ વાત ગળે ઉતારવી શક્ય જ નથી.પણ નાટક સાથે જોડાયેલો દરેક જીવ જેમ કહે છે કે, ‘શો મસ્ટ ગો ઓન’, બસ આવો જ કંઇ વિચાર મનમાં રાખી કમલેશ મોતાને નજીકથી જાણનારા, તેમની સાથે લાંબો સમય સંકળાયેલા મિત્રો સાથે ગુજરાતી મિડ ડે ડૉટ કોમે વાત કરી અને કમલેશ મોતાને શબ્દોમાં ફરી જીવાડવાનો એક પ્રયત્ન કર્યો.

બાબુલ ભાવસાર કમલેશ મોતાના ચાળીસ વર્ષ જુનાં મિત્ર છે. તેમના અવાજમાં આઘાતને કારણે જે શાંતિ હોય તે સ્પષ્ટ વર્તાઇ. કહેવું ઘણું હોય યાદ કંઇ ન આવેની સ્થિતિમાં પણ મિત્રની વાત કરતાં તેમણે કહ્યું કે, “કમલેશની સાથે 81-82માં નાટકોમાં સાથે કામ કરવાની શરૂઆત કરી. ચાર દાયકાની દોસ્તી, બાળ નાટકથી શરૂ થઇ હતી. કમલેશ સ્વભાવે જીદ્દી અને તેજ તર્રાર. ગ્રાન્ડ રિહર્સલ્સ ચાલતા હોય તો ગુસ્સામાં રહે, એનો વાંક હોય તો ય મારી પર ગુસ્સે થાય. અમારી દોસ્તીમાં દોઢ વર્ષના અબોલાને લીધે બ્રેક પડ્યો હતો પણ પછી બધું થાળે પડ્યું. તમે માનશો જ્યારે મોબાઇલ ફોન માર્કેટમાં આવ્યા ત્યારે મારી પાસે મોબાઇલ નહોતો પણ મેં એને ખરીદી આપ્યો હતો. એમાં પાછો એ મારા ફોન ઉપાડે તો મને ગુસ્સો તો આવે જ ને! ” 

બાબુલ ભાવસાર સાથે કમલેશ મોતા

બાબુલ ભાવસાર ઉમેરે છે કે, “ભારતીય વિદ્યા ભવન્સમાં ભાઉ સાહેબ હતા ત્યારે એંશીની શરૂઆતમાં કમલેશ અને હું ભવનનાં પગથિયે બહાર બેસી રહેતા અને પછી ભાઉ સાહેબ અમને બોલાવી કંઇને કંઇ કામ સોંપતા. તેમના ગયા પછી કમલેશ જ પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે જોડાયો. આમ તે કમલેશ, રાજેશ સોલંકી અને મને ભાઉસાહેબના ચેલા ગણવામાં આવતા પણ રાજેશને પોતાની દુકાન પણ હતી એટલે એ અમારે બેની માફક સતત ત્યાંને ત્યાં ન રહેતો. હું બાન્દ્રા રહેતો અને એ મસ્જિદ બંદર એટલે રોજ હું બાઇક લઇને નીકળું એટલે એને પિક અપ કરીને અમે સાથે ભવન જતા, પાછા વળતાં એને મુકું પછી જ ઘરે જાઉં. પછી તો મેં જ એને બાઇક લઇ આપ્યું હતું તે માળો ઘણીવાર આઘો-પાછો થઇ જાય અને મને ખબર ન હોય.” બાબુલભાઇ ઉમેરે છે કે, “મેં એનો અગ્નિસંસ્કાર નજરે જોયો નથી એટલે મને તો હજી ગળે જ નથી ઉતરતું. ગઇકાલે જ મેં એને ફોન કર્યો તો એ બોલ્યો નહીં કે હૉસ્પિટલમાં એડમિટેડ છે.” ચાળીસ વર્ષની દોસ્તીને થોડા શબ્દોમાં ઉજવવી કે મમળાવવી શક્ય નથી.

બીજી તરફ આકાશવાણી મુંબઇના ગુજરાતી વિભાગ સાથે લાંબો સમય સંકળાયેલા રહેલાં અને હાલમાં વિવિધ ભારતી વિભાગ સંભાળતા વૈશાલી ત્રિવેદી જેમણે અભિનેત્રી તરીકે કામની શરૂઆત કમલેશ મોતાના માર્ગદર્શનમાં જ કરી તેમણે પોતાની યાદો તાજી કરતાં કહ્યું કે, “કમલેશભાઇમાં અપાર ધીરજ અને ખૂબ પેશનેટ. મને અભિનયમાં રસ હતો મને નાટકોમાં કામ કરવાનો લગભગ નહીં જેવો અનુભવ. કમલેશ મોતા નરસૈયાનો નાથ કરી રહ્યા હતા અને તેમને કોઇ ગાઇ શકે એવું જોઇતું હતું. મારું નામ સજેસ્ટ થયું અને ઑડિશનમાં હું પાર ઉતરી. આખા પ્રોડક્શનમાં અલગ અલગ એજ ગ્રૂપમાં 27 જણા હતાં જે બધા લગભગ નહિંવત્ અનુભવ ધરાવતા હતા પણ કમલેશભાઇએ નાની નાની એટલી બધી બાબતો ધીરજથી બધાંયને શીખવી. મને યાદ છે કે ક્યારેક કંઇ સરખું ન થાય અને આંખમાં પાણી આવી જાય તો વઢે. એ કહેતા કે ગાવામાં ઢાળ અને તાલ ન ચૂકતી પછી જો તને કેવો પ્રતિસાદ મળે છે. એ નાટકના 72 શોઝ થયા અને પછી મને સતત ગુજરાતી નાટકોમાં કામ મળતું રહ્યું, અભિનયની કારકિર્દી સડસડાટ આગળ વધી. કમલેશભાઇને માટે ભાષા બહુ અગત્યની હતી. હની છાયાએ લખેલું કર્ણ-કુંતિ સંવાદ રેડિયો માટે કરવાનું હતું ત્યારે ભાષા શુદ્ધિ અને સ્પષ્ટતાને ધ્યાનમાં રાખી મેં એમની સાથે જ એ કર્યું હતું. ‘માધવ ક્યાંય નથી મધુવન’માં નાટકમાં કૃષ્ણનો અવાજ એ જ હતા. મારે અવારનવાર ફોન પર વાત થતી ત્યારે મેં છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમના અવાજમાં અનુભવ્યું હતું કે સહેજ ઢીલા પડ્યા હતા. ગુજરાતી રંગભૂમિને કોરોનાનું ગ્રહણ નડ્યું એ તો એમને કઠે જ એ સ્વાભાવિક છે.”

વૈશાલી ત્રિવેદીએ લખેલા નાટક પ્રમેયમાં કમલેશ મોતાએ અભિનય કર્યો હતો જેની તસવીર તેમણે શૅર કરી હતી.

પ્રમેય નાટકનાં મંચન બાદની તસવીર

યુવા દિગ્દર્શક તરીકે નામના મેળવી ચુકેલા પ્રિતેશ સોઢા, પ્રમેય નાટકનાં દિગ્દર્શક. પ્રિતેશનું એ પહેલું નાટક હતું અને એ કરવાનું પ્રોત્સાહન કમલેશ મોતાએ જ પુરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે, “કમલેશ સરને યુથના પાવરમાં હંમેશા બહુ જ વિશ્વાસ રહ્યો. તેઓ માત્ર યંગસ્ટર્સને પ્રોત્સાહિત ન કરતાં પણ પોતે પણ દિવસે દિવસે એ યંગ એનર્જી જીવતા. એ હંમેશા કહેતા કે જ્યા સુધી એક્ટર પાત્રમાં કે પરિસ્થિતિમાં આત્મસાત ન થાય ત્યાં સુધી અભિનયને ન્યાય નથી આપી શકાતો. ઇમોશન્સને સાચી રીતે પરખવા અને પકડવામાં સમય લાગે, અઢળખ રિહર્સલ્સ જોઇએ. મારા મતે તે સ્ટેજ ક્રાફ્ટના માસ્ટર હતા અને પોતે બહુ અચ્છા એક્ટર પણ હતા. મારા પહેલા નાટક પ્રમેયને મંચસ્થ કરવાનો મોકો મને એમણે જ આપ્યો અને મને એમ પણ કહ્યું હતું કે જો કોઇ એક્ટર ન મળે તો મુંઝાઇશ નહીં, ફોન કરજે, હું પોતે એક્ટિંગ કરીશ, તું નાટક બનાવ"  

પ્રિતેશ સોઢા સાથે કમલેશ મોતા

પ્રિતેશ સોઢાએ ઉમેર્યું કે, "ભગવાન એમના જેવા લોકો હવે નથી બનાવતો. કમલેશ સર તેમના સમય કરતાં કંઇક ગણા આગળ હતા અને આપણી પેઢીની જવાબદારી તો એ જ રહેશે કે થિએટરને જીવંત રાખીએ. એમને એ જ ગમશે અને તેમના આગલા પડાવે ચ્હાની ચૂસ્કીઓ બાદ તેમનું ગમતું નવરત્ન કિમામ મઘઇ પાન ખાઇને તેઓ મલકાશે.”

આ લખનારની સાથે પણ એક મજાની દોસ્તી હતી કમલેશ સરની એટલે કે કૅનની... હા હું એમને કૅન કહેતી હતી કારણકે પ્રિતેશના નાટક ‘નાનીમા’ના શો પછી જ્યારે ક્રેડિટ્સ વાંચવાના હતા ત્યારે સેલફોનમાંથી તે વિગતો વાંચી રહ્યા હતા. મારું નામ આવ્યું અને એમણે કહ્યું, “ક્રિસ્ટીના ભટ્ટ”. ત્યારે બહુ જ ઔપચારિક ઓળખાણ હતી અને સ્ટેજ પરથી ખોટું નામ બોલાયું અને મેં તરત ત્યારે જ કહ્યું કે, ચિરંતના છે કમલેશ સર, અને બસ ત્યારથી હું એમને માટે ક્રિસ્ટીના રહી અને મેં એમને કૅન કહેવાની શરૂઆત કરી. લૉકડાઉનના શરૂઆતના તબક્કામાં જ્યારે ગુજરાતી નાટકોની સ્થિતિ અંગે આર્ટિકલ લખવાનો હતો અને મેં તેમને કૉલ કર્યો તો એમણે જ ચિંતા વ્યક્ત કરી હતી કે, “મારી પત્ની કોરોના વાઇરસ જેવાં નાટકો હવે મોટા જથ્થામાં લખાવા ન માંડે તો સારું. બહુ મોટું નુકસાન છે આ લૉકડાઉન અને વારઇસ પણ ખડાં તો થવું જ પડશે ને એ પણ સારી ગુણવત્તા વાળું કોન્ટેન્ટ લઇને.”

કમલેશ સર, કૅન, મિત્ર, ગુરુ તમને અમે ખૂબ મિસ કરીશું. ઓમ શાંતિ...

ખાસ નોંધઃ તેમને કોરોના ન હતો. તેમને મધરાતે શ્વાસ ચઢ્યો અને પેનિક ક્રિએટ થયું. તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટ થવાથી થયું છે. સૈફી હૉસ્પિલમાં તે મેલેરિયાની સારવાર લઇ રહ્યા હતા પણ હૉસ્પિટલમાં કોરોનાનાં પેશન્ટ્સ હોવાથી કડક સૂચના અંતર્ગત વહેલી સવારે તેમનાં અગ્નિસંસ્કાર કરાયા. તેમનાં પત્ની અપરામી મોતા તથા દીકરો ધ્રુવ અને દીકરી શારવીએ સંદેશાઓ દ્વારા  સ્વજનોને કહેવડાવ્યું છે કે વૉટ્સઅપ મેસેજથી શાંતિ સંદેશ મોકલવા, આઘાતની કળ વળતાં વાર લાગશે એટલે ફોન કૉલ્સ ટાળવા. ભવન ચોપાટી પણ બંધ છે તથા તેમના ઘરે સોસાયટી વાળા બહારનાં લોકોને પ્રવેશ નહીં આપે માટે અન્ય કોઇ રીતે સંપર્ક નહીં થઇ શકે.