પ્રતિભાશાળી વાર્તાકાર રાજુ પટેલનું અવસાન

11 June, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી વાર્તાકાર રાજુ પટેલનું પાંચમી જૂને ૬૨ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મુંબઈ ખાતે અવસાન થયું છે.

રાજુ પટેલ

ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી વાર્તાકાર રાજુ પટેલનું પાંચમી જૂને ૬૨ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મુંબઈ ખાતે અવસાન થયું છે. મરાઠી સાંધ્ય દૈનિક ‘મહાનગર’ ગ્રુપના ગુજરાતી ફિલ્મ સામયિક ‘ચંદેરી’ દ્વારા અખબારોની દુનિયામાં તેમણે પ્રવેશ કર્યો હતો. પાંચ-સાત વર્ષ પત્રકારત્વ કર્યા પછી તેમણે મનોરંજનની દુનિયામાં પૂર્ણ સમયના લેખક તરીકે કારકિર્દી બનાવી. ‘હમ સબ બારાતી’ અને ‘માલિની ઐયર’ શીર્ષકથી જાણીતી હિન્દી ભાષાની ટીવી-સિરિયલો માટે તેમણે સંવાદો લખ્યા છે. પૃથ્વી થિયેટર ખાતે તેમનું લખેલું હિન્દી નાટક ‘ઑલમોસ્ટ દાઘેસ્તાન’ રજૂ થયું હતું. દિલીપ જોશી અભિનીત અને ઉમેશ ઠક્કર દિગ્દર્શિત ગુજરાતી નાટક ‘ડાહ્યાભાઈ દોઢડાહ્યા’નું લેખન રાજુ પટેલે જ કર્યું હતું. થોડા સમય પહેલાં જ રજૂ થયેલી અંકુશ ભટ્ટ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘બેહદ’ના સંવાદો તેમણે લખ્યા છે.

સુરતથી પ્રગટ થતા દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાત મિત્ર’માં હળવી શૈલીના લેખોની રાજુ પટેલની એક કૉલમ ‘મનગલીમાં ટ્રાફિક જામ’ ખાસ્સી લોકપ્રિય થઈ હતી. એ જ અખબારમાં કોરોના સમયગાળા દરમ્યાન તેમની એક નવલકથા ‘અડોના’ ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી.

ગુજરાતી અને હિન્દી એમ બન્ને ભાષાઓ પર તેમનો સારો કાબૂ હતો. એક સંગ્રહ થાય એટલી ટૂંકી વાર્તાઓ રાજુ પટેલે લખી છે. તેમની એક વાર્તા ‘ભોજ્યેષુ રંભા’માં ફૅન્ટસીના મહોરા હેઠળ તેમણે આપણા સમાજની પુરુષપ્રધાન માનસિકતા વિશે અચ્છો વ્યંગ કર્યો છે. સંપૂર્ણપણે ટૂંકી વાર્તાને વરેલા સામયિક ‘વારેવા’ની સ્થાપના તેમણે જ કરી છે. આ સામયિક ૨૦૨૧થી નિયમિતપણે પ્રસિદ્ધ થાય છે.

આયુષ્યનાં છેલ્લાં ત્રણેક વર્ષ રાજુ પટેલ દિલ્હી ખાતેની ‘રેખ્તા’ સંસ્થાના ગુજરાતી વિભાગ જોડે સંકળાયેલા હતા. દેશની વિવિધ ભાષાઓનું સાહિત્ય વીજાણુ સ્વરૂપે આમ જનતાને ઉપલબ્ધ કરાવવાનું ભગીરથ કાર્ય આ સંસ્થાએ ઉપાડ્યું છે એ સર્વવિદિત છે. રાજુ પટેલ અપરિણીત હતા. જાણીતા વાર્તાકાર કિશોર પટેલ તેમના જયેષ્ઠ બંધુ છે.

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai