બૅન્કમાંથી ૨૦ લાખની ચોરી કરનાર ગુજરાતીએ પુરાવા તો નષ્ટ કર્યા

13 February, 2021 12:49 PM IST  |  Mumbai | Mid Day Correspondent

બૅન્કમાંથી ૨૦ લાખની ચોરી કરનાર ગુજરાતીએ પુરાવા તો નષ્ટ કર્યા

બીરેન વખારિયાની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી રીકવર કરેલા નવ લાખ રૂપિયા સાથે પોલીસ અધિકારીઓ. (તસવીર: દિવાકર શર્મા)

વિલે પાર્લેમાં આવેલી યુકો બૅન્કમાંથી ચોરાયેલા ૨૦ લાખ રૂપિયાનો કેસ સૉલ્વ થઈ ગયો છે. પોલીસે આ સંદર્ભે બોરીવલીમાં રહેતા ૩૪ વર્ષના બીરેન વખારિયાની ધરપકડ કરી છે. કમ્પ્યુટર અને સીસીટીવી ઇન્સ્ટૉલેશનનું નૉલેજ ધરાવતા અને બૅન્કમાં કામ માટે જતા બીરેને ઘટનાના દિવસે તક મળતાં જ બૅન્ક-ચેસ્ટ (એક બૅન્કમાંથી બીજી બૅન્કમાં ટ્રાન્સફર કરાતી રોકડ) વખતે તક મળતાં જ એમાંથી ૨૦ લાખ રૂપિયા સેરવી લીધા હતા. જોકે પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૯ લાખ રૂપિયા પાછા પણ મેળવ્યા છે.

બૅન્ક-મૅનેજર રજનીકાંત બિસ્વલે બૅન્ક-ચેસ્ટ વખતે ૨૦ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ ૨૦ જાન્યુઆરીએ વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં કરી હતી. એ પછી પોલીસે તપાસ શરૂ કરી બૅન્કનાં સીસીટીવી ફુટેજ મેળવ્યાં હતાં. જોકે જ્યારે ચોરી થઈ હતી ત્યારનાં એ ચોક્કસ ગાળાનાં ફુટેજ ડિલિટ

કરી દેવાયાં હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. એથી ડિલિટ કરાયેલાં એ ફુટેજ લૅબમાં મોકલાવીને રીટ્રીવ કરાવાયાં હતાં. એમાં આરોપી બીરેન વખારિયા હોવાનું જણાઈ આવતાં તેની ધરપકડ કરીને તેની પાસેથી ચોરાયેલી રકમના ૯ લાખ રૂપિયા પાછા મેળવાયા હતા.

વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ‘બીરેન કમ્પ્યુટરનો જાણકાર હતો અને સીસીટીવી ઇન્સ્ટૉલેશન પણ કરતો હતો. વળી કેટલાંક ચોક્કસ કામમાં તેની માસ્ટરી હતી. એથી જ્યારે બૅન્કને તેની સેવાની જરૂર પડે ત્યારે છૂટક કામ કરવા માટે તેને બોલાવાતો હતો. અંદાજે દિવસના ૭૦૦થી ૮૦૦ રૂપિયા તેને એ માટે મળતા હતા. ઘટના બની એના છેલ્લા ૧૦ દિવસથી તે રોજ બૅન્કમાં આવતો હતો. ઘટનાના દિવસે તે બૅન્ક-લૉકરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે ચેસ્ટનું કામ કરી રહેલા બે જણમાંથી એક જણ કંઈક આઘોપાછો થયો હતો અને બીજાનું ધ્યાન નહોતું ત્યારે તેણે એ રકમમાંથી ૨૦ લાખ રૂપિયા સેરવી લીધા હતા. જોકે તેને ખબર હતી કે બૅન્કના લૉકરમાં સીસીટીવી કૅમેરા છે. વળી તેની પાસે એ માટેનું સિસ્ટમ ઍક્સેસ હતું. એથી તેણે સીસીટીવી ફુટેજના રેકૉર્ડરમાંથી એ ચોક્કસ સમયગાળાનાં ફુટેજ ઉડાવી દીધાં હતાં, પણ ફુટેજ રીટ્રીવ કરાતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. તે બોરીવલીમાં માતા-પિતા સાથે રહે છે અને તેનો પરિવાર મધ્યમ વર્ગનો છે. ૪ ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ તેને પોલીસ-કસ્ટડીમાં અને ગુરુવારે જેલ-કસ્ટડીમાં મોકલી અપાયો છે.’

mumbai mumbai news vile parle mumbai police