સાવધાની હટી, દુર્ઘટના ઘટી

18 October, 2011 09:30 PM IST  | 

સાવધાની હટી, દુર્ઘટના ઘટી



ગોરેગામ (વેસ્ટ)ના જવાહરનગરમાં રહેતા ૪૫ વર્ષના વિનોદ સાદરાણી અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા માણસોએ તેમને અને તેની સાથે બેસેલા પ્રવાસીને બિસ્કિટ ખવડાવીને અને સ્પ્રેની મદદથી બેહોશ કરી માલમતા લૂંટી લીધી હતી. આ કેસમાં ગઈ કાલે બાંદરા જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)એ વિનોદભાઈ અને બીજા પૅસેન્જરનાં સ્ટેટમેન્ટ નોંધી સુરત પોલીસને કેસ નોંધવા જણાવ્યું છે.

વિનોદ સાદરાણી ૯ ઑક્ટોબરે સાવરકુંડલા ગયા હતા. ત્યાંથી ૧૩ ઑક્ટોબરે સાવરકુંડલામાં આવેલા વંડાપિયાવા ગામમાં જલારામબાપાના મંદિરની મૂર્તિની સ્થાપના કરવાની હોવાથી એ માટે અંબાજી જલારામબાપાની મૂર્તિ બુક કરવા ગયા હતા. ત્યાંથી અંબાજી બસમાં આવ્યા હતા. અમદાવાદથી વિનોદભાઈએ ગાંધીધામથી બાંદરા ટર્મિનસ આવતી સ્પેશ્યલ ટ્રેન ૧૩ ઑક્ટોબરે બપોરે ૧૨.૪૫ વાગ્યે પકડી હતી. ટિકિટનું રિઝર્વેશન ન હોવાથી જનરલ ડબ્બામાં ટ્રાવેલ કરીને તેઓ મુંબઈ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

બિસ્કિટ ઑફર કર્યા

અમદાવાદથી બપોરે નીકળેલી ટ્રેન સુરત સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ પહોંચી હતી એમ જણાવીને વિનોદભાઈએ પોતાની સાથે બનેલી ઘટના વિશે

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યારે ટ્રેનમાં અમુક યુવાનો ચડ્યા હતા. અમે બધા પ્રવાસીઓ બેઠા હતા તેમની આજુબાજુમાં આવીને તેઓ બેસ્યા હતા. સુરત પછી ટ્રેન વલસાડ સ્ટેશને ઊભી રહે છે. આ દરમ્યાન તેઓ અમારી સાથે અને બાકીના પૅસેન્જરો સાથે વાતચીત કરવા લાગ્યા હતા. વલસાડ આવ્યું ત્યારે તેઓ નીચે ઊતરીને બિસ્કિટ અને કોલ્ડ ડ્રિન્ક્સ લઈ આવ્યા હતા. તેઓ પોતે બિસ્કિટ નહોતા ખાતા, પણ અમને બિસ્કિટની ઑફર કરી રહ્યા હતા. વારંવાર પૂછ્યા બાદ પણ મેં તેમને બિસ્કિટ ખાવાની ના પાડી હતી, પરંતુ મારી બાજુમાં બેસેલા પૅસેન્જરે બિસ્કિટ ખાધું હતું અને પછી તે બેઠો-બેઠો જ સૂઈ ગયો હતો ત્યારે મને થોડો ડાઉટ ગયો હતો.’

સ્પ્રે સૂંઘવાથી બેહોશ?

મેં બિસ્કિટ ખાવાની ના પાડી હોવા છતાં તેમણે એક બાળક બેઠું હતું તેની પાસે મને બિસ્કિટ ખવડાવ્યું હતું એમ જણાવીને વિનોદભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘થોડી વાર પછી આંખો ખૂલી રહી નહોતી. જે થોડી આંખ ખુલ્લી હતી એમાંથી એવું લાગ્યું કે બીજા પૅસેન્જરના સામાનમાંથી તેઓ ચોરી કરી રહ્યા હતા, પરંતુ મને હોશ નહોતો એટલે હું પણ બેઠો-બેઠો સૂઈ ગયો હતો. ટ્રેન રાતના સાડાદસ વાગ્યે બાંદરા ટર્મિનસ આવી ત્યાં સુધી મને કંઈ જ ખબર નહોતી. ટ્રેનનો આખો ડબ્બો ખાલી થઈ ગયો હતો, પરંતુ હું અને બીજો એક પૅસેન્જર ટ્રેનમાં એમ જ સૂતા રહ્યા હતા. ક્લીનર ટ્રેનનો ડબ્બો સાફ કરવા આવ્યો ત્યારે તેણે આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ને જાણ કરી હતી. તેઓ અમને બન્નેને ભાભા હૉસ્પિટલમાં લઈ ગઈ હતા. ભાભા હૉસ્પિટલમાં મને આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. મને લાગે છે ત્યાં સુધી તેઓ કોઈ સ્પ્રે લઈને આવ્યા હતા, જે સૂંઘવાથી અમે બેહોશ થઈ ગયા હોઈશું.’

શું ગયું?

વિનોદ સાદરાણીને હાથમાં પહેરેલું સોનાનું પાંચ ગ્રામનું બ્રેસલેટ, સોનાના પેન્ડન્ટ સાથે ચેઇન, સોનાની એક વીંટી, ૪૫ હજાર રૂપિયાની રોકડ રકમ અને બે મોબાઇલ ચોરી થયાં હોવાની જાણ થઈ હતી. ભાભા હૉસ્પિટલે વિનોદભાઈને ગઈ કાલે તેઓ ફિટ હોવાનો લેટર આપ્યો હતો. ત્યાર બાદ બાંદરા જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)એ વિનોદભાઈનું અને બીજા પૅસેન્જરનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. આ સ્ટેટમેન્ટ સાથે લેટર લખીને બાંદરાના ઑફિસરે સુરતમાં એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવાનું ત્યાંની પોલીસને જણાવ્યું હતું.