મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?

25 April, 2024 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે જે પણ સરકાર આવે એની પાસે મારી એક જ અપીલ છે કે એ AC લોકલ ટ્રેનો ઓછી કરે એમ જણાવતાં ‘હમારા મુલુન્ડ’ સાપ્તાહિકના તંત્રી બિપિન પંચાલ ‘મિડ-ડે’ને કહે છે

બિપિન પંચાલ અને ચૈતાલી શાહ

થાણેના ​બિપિન પંચાલ કહે છે... AC ટ્રેનો દોડાવવા કરતાં લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસને ACમાં કન્વર્ટ કરો અથવા લોકલમાં AC કોચ ઉમેરો

હવે જે પણ સરકાર આવે એની પાસે મારી એક જ અપીલ છે કે એ AC લોકલ ટ્રેનો ઓછી કરે એમ જણાવતાં ‘હમારા મુલુન્ડ’ સાપ્તાહિકના તંત્રી બિપિન પંચાલ ‘મિડ-ડે’ને કહે છે, ‘મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓમાં મોટા ભાગના મધ્યમ કે નિમ્ન મધ્યમ વર્ગના હોય છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવાઈ રહ્યું છે કે લોકલ ટ્રેનોના ભોગે ઍર-ક​ન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો વધારવામાં આવી છે જેને કારણે જે પ્રવાસીને લોકલ ટ્રેનનું ભાડું પરવડી શકે છે તેને જે-તે સ્ટેશનના પ્લૅટફૉર્મ પરથી AC ટ્રેન પસાર થાય પછી જે ટ્રેન આવે એ ટ્રેનમાં ચડવું પડે છે. હમણાં બે દિવસ પહેલાંની જ ઘટના છે. ઘાટકોપરના પ્લૅટફૉર્મ પર રાતના સમયે એકસાથે ૩ AC ટ્રેન એક પછી એક આવી જેને કારણે નૉન-AC ટ્રેનમાં જનારા પ્રવાસીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કેમ કે ૩ AC ટ્રેન પછી જે નૉન-AC ટ્રેન આવી એ ટ્રેનમાં તો શું પ્લૅટફૉર્મ પર પણ ઊભા રહેવાની જગ્યા નહોતી. આ ફક્ત એક જ અનુભવ છે. AC લોકલ ટ્રેનની આવી તો ઘણી સાઇડ-ઇફેક્ટ છે. મોટા ભાગની AC ટ્રેનો પીક-અવર્સમાં ૩૫થી ૪૦ ટકા ખાલી દોડતી હોય છે અને એ સિવાયના સમયમાં ૬૦ ટકા ખાલી દોડતી હોય છે. સરકારે લોકલ ટ્રેનો ઓછી કરીને AC ટ્રેનો દોડાવવા કરતાં જે લોકલ ટ્રેન છે એના ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટને ACમાં કન્વર્ટ કરવા જોઈએ અથવા લોકલ ટ્રેનોમાં AC કોચ ઉમેરવા જોઈએ જેથી બધા જ વર્ગના પ્રવાસીઓનો પ્રવાસ સુખરૂપ નીવડે.’

ચર્ની રોડમાં રહેતાં ચૈતાલી શાહ કહે છે... ગવર્નમેન્ટ સેક્ટરમાં મળતી અમુક સુવિધાઓ સરકારે પ્રાઇવેટ સેક્ટરમાં પણ આપવી જોઈએ

મુંબઈમાં મોટા પ્રમાણમાં પ્રાઇવેટ સેક્ટરની ઑફિસો અને અનેક ગવર્નમેન્ટ સેક્ટરની ઑફિસો આવેલી છે એમ જણાવીને ચર્ની રોડમાં રહેતાં અને ‌વિવ‌િધ વસ્તુઓનું ઑનલાઇન વેચાણ કરતાં ૪૦ વર્ષનાં ચૈતાલી શાહ કહે છે, ‘દરેકને ગવર્નમેન્ટ ઑફિસમાં નોકરી તો મળવાની નથી, પરંતુ ગવર્નમેન્ટ સેક્ટરના અમુક લાભો પ્રાઇવેટ સેક્ટરને મળવા જોઈએ. પ્રાઇવેટ સેક્ટરની અનેક ઑફિસોએ ગવર્નમેન્ટ દ્વારા લાદવામાં આવેલા ‌નિયમોનું પાલન કરવું પડે એટલે કરતી હોય છે, પરંતુ સ્ટાફના ​હિત માટે ઓછું વિચારતી હોય છે. ગવર્નમેન્ટ સેક્ટરને મોટા ભાગની બધી જાહેર રજા મળતી હોય છે તો પ્રાઇવેટ ઑફિસોમાં બધી નહીં પણ થોડી તો મળવી જોઈએ. પગારવધારો ગવર્નમેન્ટ સેક્ટરમાં થઈ રહ્યો છે, પરંતુ પ્રાઇવેટ ઑફિસોમાં એ નામપૂરતો થતો હોય છે. અનેક સરકારી લાભો પણ ગવર્નમેન્ટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને મળે છે ત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં તો નોકરીમાંથી કાઢી નાખશે એ દહેશતમાં કર્મચારીઓ પ્રેશરમાં કામ કરે છે. સરકારે પ્રાઇવેટ સેક્ટર તરફ પણ નજર નાખવી જોઈએ અને એમાં કામ કરતા કર્મચારીઓની સુવિધા વધારવા વિશે કામ કરવું જોઈએ. મારા મતના બદલામાં હું અને કદાચ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ ઇચ્છે છે કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને પણ સારી સવલતો મળે જેથી તેઓ સ્ટ્રેસ-ફ્રી લાઇફ જીવી શકે.’

- પ્રીતિ ખુમાણ ઠાકુર

Lok Sabha Lok Sabha Election 2024 mumbai mumbai news