દહિસરમાં ગુજરાતી હોટેલમાલિકની હત્યાનો પ્રયાસ

24 December, 2011 05:04 AM IST  | 

દહિસરમાં ગુજરાતી હોટેલમાલિકની હત્યાનો પ્રયાસ

 

૫૫ વર્ષના રશ્મિકાંત વ્યાસ જ્યારે પોતાની કારમાં બેસી રહ્યા હતા ત્યારે પાંચ વ્યક્તિઓએ ત્યાં આવી તેમની સાથે બોલાચાલી કરીને ધમકી આપી હતી. એક જણ દેશી રિવૉલ્વર વડે તેમના પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરતો હતો એવામાં ત્યાં પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસે વચ્ચે પડીને તેને ગોળીબાર કરતો અટકાવ્યો હતો. પોલીસે ૨૬ વર્ષના ઉદય ઉર્ફે ઉદી સ્વરૂપ સિંહ ગઢવાલી તેમ જ ૨૪ વર્ષના મનોજ મેડેની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે જણ ભાગી છૂટવામાં સફળ થયા હતા, એવું દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અન્સાર પીરઝાદાએ કહ્યું હતું.

દહિસર (ઈસ્ટ)ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પર રશ્મિકાંત વ્યાસની પંજાબી હબ બાર ઍન્ડ રેસ્ટોરાં આવેલી છે. ૧૫ ડિસેમ્બરે  રશ્મિકાંત વ્યાસે સતીશ શિંદે નામના ગૅન્ગસ્ટર વિરુદ્ધ ખંડણી તથા મોતની ધમકી આપ્યાની ફરિયાદ દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તેને પૂછપરછ માટે બોલાવીને બાદમાં તેની ધરપકડ કરી હતી. જોકે જેલમાં હોવા છતાં અન્ય માણસોની મદદ વડે તેણે હુમલો કરાવ્યો હશે એવું પોલીસ માની રહી છે. પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર બન્ને આરોપીઓ વિરુદ્ધ રવિવાર સુધીના પોલીસ-રિમાન્ડ મેળવ્યા છે, જે પૈકી ઉદી સ્વરૂપ સિંહ ગઢવાલી વિરુદ્ધ ઘણા ગુનાઓ પોલીસ-ચોપડે નોંધાયેલા છે.