ગુજરાતી યુવતી સાથે હાથચાલાકી

08 December, 2022 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅશ કાઉન્ટર નજીક આવતાં બે યુવાનો તેને સ્લિપ ભરી આપવા માટે મદદે આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ:  ગ્રાન્ટ રોડમાં રહેતી ૨૭ વર્ષની ગુજરાતી શિક્ષિકા બૅન્કમાં પૈસા ભરવા ગઈ હતી ત્યારે બૅન્કની અંદર બે ગઠિયાઓએ તેને વાતોમાં ભેળવી ભરવા લાવેલા રૂપિયાના નંબર સ્લિપ પર લખવાનું કહીને પોતાના હાથમાં રૂપિયા લીધા હતા. ત્યાર બાદ થોડી વારમાં બન્ને ત્યાંથી ચાલ્યા ગયા હતા. યુવતીએ ફરી વાર પૈસા ગણ્યા ત્યારે ભરવા લાવેલી મૂળ રકમમાંથી ૬૮,૦૦૦માંથી ૧૮,૦૦૦ રૂપિયા ઓછા થઈ ગયા હતા. પોતાની સાથે થયેલી છેતરપિંડી સામે આવતાં તેણે ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગ્રાન્ટ રોડ ઈસ્ટમાં આર. આર. મોહન રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૨૭ વર્ષની શિક્ષિકા આયુષી શાહે કરેલી ફરિયાદ અનુસાર ૬ ડિસેમ્બરે બપોરે એક વાગ્યે તે બૅન્ક ઑફ ઇન્ડિયાની ગ્રાન્ટ રોડ બ્રાન્ચમાં પૈસા ડિપોઝિટ કરવા ગઈ હતી. કૅશ કાઉન્ટર નજીક આવતાં બે યુવાનો તેને સ્લિપ ભરી આપવા માટે મદદે આવ્યા હતા. ત્યારે આયુષીએ તેમની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો. બપોરે એક વાગ્યે કૅશ કાઉન્ટર બંધ થઈ જવાથી આયુષી બૅન્કમાં જ કૅશ કાઉન્ટર ખૂલવાની રાહ જોતી બેઠી હતી. ત્યારે પાછા તે બે યુવાનો તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તમે નોટોના નંબર સ્લિપ પર લખ્યા છે કે નહીં? આમ કહીને મદદ કરવાના બહાને બધા પૈસા તેમણે પોતાના હાથમાં લીધા હતા. આયુષીએ બેથી ત્રણ નોટોના નંબર લખ્યા ત્યાં સુધીમાં આવેલા યુવાનો ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યાર પછી આયુષીએ પૈસા પાછા ગણ્યા ત્યારે લાવેલા ૬૮,૦૦૦માંથી ૧૮,૦૦૦ રૂપિયા ઓછા થઈ ગયા હતા. પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે તરત ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ કરી છે. હાલમાં અમે બૅન્કમાં લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news