કાર-ઍક્સિડન્ટમાં ગુજરાતી ફૅશન-ડિઝાઇનર યુવતીનું મોત

31 December, 2011 04:22 AM IST  | 

કાર-ઍક્સિડન્ટમાં ગુજરાતી ફૅશન-ડિઝાઇનર યુવતીનું મોત

 

દારૂ પીધા પછી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પૂરપાટ ચલાવવામાં આવી રહેલી હૉન્ડા સિટી ડિવાઇડર સાથે અથડાતાં બાવીસ વર્ષની એક ફૅશન-ડિઝાઇનર યુવતીનું ગઈ કાલે વહેલી સવારે મોત થયું હતું અને અને કાર ડ્રાઇવ કરી રહેલા એનઆરઆઇ (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન) યુવકને ગંભીર ઈજા થઈ હતી. ગઈ કાલે વહેલી સવારે સાડાત્રણથી ચાર વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હતો. ઍક્સિડન્ટનો ભોગ બનેલી અંકિતા છેડા અને વિનોદ ગોરડિયા સાઉથ મુંબઈમાં એક પાર્ટી અટેન્ડ કરવા ગયાં હતાં. ખેરવાડી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર પ્રવીણ ખરાડેએ કહ્યું હતું કે ‘વિનોદ ગોરડિયા ન્યુ યૉર્કમાં રહે છે અને તેના મિત્રોને મળવા માટે તે બુધવારે મુંબઈ આવ્યો હતો. તે કોલાબામાં આવેલી ફરિયાઝ હોટેલમાં રોકાયો હતો. ફ્રેન્ડ્સ બહુ લાંબા સમય બાદ મળી રહ્યા હોવાથી તેમણે સાઉથ મુંબઈની એક હોટેલમાં ગુરુવારે સાંજે ગેટ-ટુગેધર ગોઠવ્યું હતું. તેમની પાર્ટી મધરાત કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. અંકિતા છેડા જુહુ સ્કીમમાં રહેતી હતી. વિનોદ ગોરડિયાએ તેને ઘર સુધી ડ્રૉપ કરવાની ઑફર કરી હતી.’

પોલીસે આ બનાવ વિશે કહ્યું હતું કે, રાતે સાડાત્રણ વાગ્યે વિનોદ અંકિતાને મૂકવા જઈ રહ્યો હતો ત્યારે તેણે કલાકની ૧૪૦ કિલોમીટરની સ્પીડે હૉન્ડા સિટી ડ્રાઇવ કરી હતી. આ સમયે તે પીધેલી હાલતમાં હતો એવામાં અચાનક કાર ડિવાઇડર સાથે અથડાતાં ભયંકર ઍક્સિડન્ટ થયો હતો જે અંકિતા છેડા માટે જીવલેણ નીવડ્યો હતો અને વિનોદને આંતરિક રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો. પોલીસે કહ્યું હતું કે ‘અત્યારે વિનોદ ખતરાની બહાર છે, પરંતુ તેને હજી પૂરા હોશ ન આવ્યા હોવાથી તેનું બયાન લઈ શકાય એમ નથી. તેની સામે ઝડપી અને બેજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તે સાજો થઈ જાય પછી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’