અમેરિકાના ગુજરાતી કપલે કરી અનોખી પહેલ: 72 કલાક નવકાર મંત્રના અખંડ જાપ

02 January, 2021 09:20 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

અમેરિકાના ગુજરાતી કપલે કરી અનોખી પહેલ: 72 કલાક નવકાર મંત્રના અખંડ જાપ

અમેરિકામાં અખંડ નવકાર મહામંત્ર જાપ માટે હર્ષા પટેલના ઘરે કરાયેલું અનુષ્ઠાન.

કોરોના મહામારીથી છેલ્લા એક વર્ષથી દુનિયા આખી પરેશાન છે ત્યારે વિશ્વકલ્યાણ અને શાંતિ માટે અમેરિકામાં રહેતા એક ગુજરાતી કપલે ૭૨ કલાક સુધી નવકાર મહામંત્રના જાપનું આયોજન કર્યું છે, જેમાં દસથી વધુ દેશના અસંખ્ય લોકો જોડાઈને સમસ્ત માનવજાત પરથી કોવિડનું સંકટ દૂર થાય એ માટેના પ્રયાસ હાથ ધરશે. ૨૫ વર્ષ પહેલાં અમેરિકામાં કાળધર્મ પામેલા સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી સુશીલકુમાર મ.સા.ની પ્રેરણાથી આ આયોજન કરાયું છે. ઝૂમ વિડિયોના માધ્યમથી દુનિયાભરના લોકો આ જાપમાં જોડાઈ શકે એવી વ્યવસ્થા કરાઈ છે.

મૂળ મુંબઈના પણ ૪૬ વર્ષથી અમેરિકાના ન્યુ જર્સી સ્ટેટમાં આવેલા માસાચ્યુસેટ્‌સ શહેરમાં રહેતાં ૭૨ વર્ષનાં હર્ષા જય પટેલ સ્થાનકવાસી જૈન છે. તેમણે છેલ્લાં ૨૫ વર્ષમાં ૨૮થી ૪૮ કલાક સુધી વિવિધ સ્થળોએ ૧૫૩ વખત અખંડ નવકાર મહામંત્રના જાપ કર્યા છે. આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને જોઈને તેમણે વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌનું કલ્યાણ થાય એ માટે ૭૨ કલાક સુધી આવા જાપનું આયોજન કર્યું છે. તેમણે આ માટે પોતાના અમેરિકા ખાતેના ઘરે જાપ માટેનું અનુષ્ઠાન કર્યું છે.

જાપની ગઈ કાલે શરૂઆત થઈ ત્યારે આયોજકો હર્ષા અને જય પટેલ.

હર્ષા પટેલ મુંબઈમાં નેપિયન્સી રોડ પર રહેતા જૈન ધર્મના કામદાર પરિવારનાં દીકરી છે અને અમેરિકામાં તેમણે જય પટેલ સાથે લગ્ન કર્યાં છે. ભારતીય સમય પ્રમાણે ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યે અખંડ જાપની શરૂઆત થઈ હતી.

હર્ષાબહેને આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે આખી દુનિયા કોરોનાના સંકટમાં ફસાયેલી છે ત્યારે મંત્રમાં રહેલી શક્તિના માધ્યમથી વિશ્વમાં ફરી શાંતિ સ્થપાય અને સૌનું કલ્યાણ થાય એવા આશયથી મારા પતિ જયની સાથે મળીને અમે મહામંત્ર નવકાર જાપનું દુનિયાના ૧૦ દેશમાં રહેતા લોકોના માધ્યમથી આયોજન કર્યું છે. ભગવાન મહાવીર સ્વામીએ તમામ જીવોના કલ્યાણની ભાવના દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી છે. નવકાર મંત્રમાં નેગેટિવિટીને દૂર કરવાની સાથે આપણા આત્માને ઊંચાઈએ લઈ જવાની અદ્‌ભુત શક્તિ સમાયેલી છે. આથી આ મંત્રનો દુનિયાના જુદા-જુદા ખૂણે આવેલા દેશોમાં સામૂહિક જાપ થાય તો આખા વિશ્વનું કલ્યાણ થઈ શકે છે.’

પ્રેરણાસ્રોત : આચાર્ય શ્રી સુશીલકુમાર મ.સા.

અમેરિકામાં જૈન ધર્મના કેટલા પરિવાર જોડાયા છે એ વિશે હર્ષાબહેને કહ્યું હતું કે ‘અમારા શહેરમાં ૫૦૦ જૈન પરિવાર છે અને આસપાસનાં શહેરોમાં મળીને અંદાજે પાંચ હજાર જૈન ઘરો છે. અહીંના બ્લેયરસ ટાઉનમાં આચાર્ય સુશીલકુમાર મ.સા.એ સ્થાપિત કરેલા સિદ્ધાંચલ જૈન તીર્થ ૧૨૭ એકરમાં ફેલાયેલું છે જ્યાં ત્રણ મોટાં દેરાસરની સાથે અનેક નાનાં દેરાસર, ઉપાશ્રય અને ધર્મશાળા છે. આ તીર્થ સાથે અનેક પરિવારો જોડાયેલા છે. એ તમામ અખંડ નવકાર મહામંત્ર જાપમાં જોડાયા છે.’

દસ દેશ, અસંખ્ય લોકો

અમેરિકાની સાથે ભારત, કેન્યા, નાઇરોબી, ઝામ્બિયા, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, ઇંગ્લૅન્ડ, દુબઈ અને યુએઈ દેશમાં રહેતા જૈન સાથે બીજા ધર્મના લોકો પણ નવકાર મહામંત્રના જાપમાં જોડાયા છે. આયોજકો દ્વારા અપાયેલી લિન્કમાં તેમણે ઑનલાઇન ફૉર્મ ભર્યું છે. ઝૂમના આઇડી-૮૭૪૨૯૮૪૩૦૬૫ ઉપર ૧૨૩૪૫૬ પાસવર્ડથી કોઈ પણ જોડાઈ શકે છે. દરેક દેશનો સમય જુદો-જુદો હોવાથી જાપ માટેના જુદા-જુદા સ્લૉટ કરાયા છે.

મિનિમમ દસ માળા

અમેરિકામાં પોતાના ઘરેથી હર્ષા પટેલ નવકાર મંત્રના જાપ જુદા-જુદા દેશોના ટાઇમ સ્લૉટ મુજબ કરાવશે. ભારતમાં ૧ જાન્યુઆરીની સાંજે ૫.૩૦ વાગ્યાથી જાપ શરૂ થશે, જે ૪ જાન્યુઆરીની સાંજે ૭૨ કલાક સુધી ચાલુ રહેશે. જાપમાં જોડાયેલા લોકોએ નવકાર મંત્રની ઓછામાં ઓછી ૧૦ માળા કરવાની રહેશે.

મુંબઈ-ગુજરાતના અનેક જાપમાં જોડાયા

નવકાર મહામંત્ર જાપ આયોજનના મુંબઈના વરલીમાં રહેતાં વૉલન્ટિયર ઍડ. નેહા ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યે મધ્ય પ્રદેશના જસ્ટિસ અભય ગોહેલના શુભ હસ્તે નવકાર મંત્રના જાપની શરૂઆત કરાઈ હતી. આ સમયે સાધ્વી પ્રજ્ઞાજી અને સાધ્વી છાયાજીએ માંગલિક સંભળાવ્યાં હતાં.

mumbai mumbai news prakash bambhrolia